ભાવનગર: સરકારના અણધાર્યા નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતોની કફોડી સ્થિતિ, એકાએક નિકાસ બંધ કરતા ભાવમાં બોલી ગયો કડાકો- વીડિયો
ભાવનગર: સરકારે અચાનક ડુંગળીની નિકાસ બંધ કરવાનો નિર્ણય લેતા ખેડૂતોને ભાવમાં મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે. એકાએક નિકાસ બંધ દેવાતા ડુંગળીના ભાવમાં કડાકો બોલી ગયો છે. જે ડુંગળી પહેલા માર્કેટિંગ યાર્ડમાં 800 રૂપિયા પ્રતિ મણ વેચાતી હતી તેમાં સીધો 400 રૂપિયાનો કડાકો બોલી જતા માત્ર 400 રૂપિયે મણ વેચાઈ રહી છે.
રાજ્યના ખેડૂતોએ માવઠાનો માર સહન કર્યા બાદ હજુ કળ પણ વળી નથી, ત્યાં સરકારે એકાએક ડુંગળીની નિકાસ બંધ કરવાનો નિર્ણય કરતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. ભાવનગર જિલ્લો ડુંગળીનું હબ ગણાય છે. ગુજરાતની ડુંગળીનું કુલ ઉત્પાદન પૈકી 67 ટકા ઉત્પાદન એકલો ભાવનગર જિલ્લામાં થાય છે. જેમાં મહુવા, તળાજા સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ડુંગળી પકાવે છે અને ભાવનગરની ડુંગળી માત્ર ગુજરાત નહીં, પરંતુ દેશના અનેક રાજ્યોમાં મોકલવામાં આવે છે. આ ડુંગળીની ભારે ડિમાન્ડ રહે છે. ત્યારે સરકારે એકાએક નિકાસ બંધ કરવાનો નિર્ણય લેતા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલી ગયો છે અને ખેડૂતોને ભાવમાં મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.
નિકાસ બંધ થતા ડુંગળીના ભાવમાં કડાકો
ખેડૂતોને જે ડુંગળીના 800 રૂપિયા પ્રતિ મણ મળી રહ્યા હતા તે હવે માત્ર 400 રૂપિયા પ્રતિ મણ વેચાઈ રહી છે. બીજી તરફ સૌથી મોટી કફોડી સ્થિતિ એ પણ થઈ છે કે હાલ વેપારીઓ પણ ડુંગળી ખરીદવામાં એટલો રસ નથી બતાવી રહ્યા. યાર્ડમાં હાલ ડુંગળીની માતબર આવક થઈ છે પરંતુ લેવાલી ઘટી ગઈ છે. 50 ટકા ભાવ ઘટાડો થતા ખેડૂતોને ખર્ચો પણ નીકળે તેમ નથી અને આર્થિક પાયમાલી વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂતનો આક્ષેપ છે કે નિકાસ બંધ કરવા પાછળ સરકારની કૂટનીતિ જવાબદાર
ખેડૂતનો આક્ષેપ છે કે નિકાસ બંધ કરવા પાછળ સરકારની કૂટનીતિ જવાબદાર છે. ખેડૂતોનું માનવું છે કે ડુંગળીની પ્રતિ કિલો પડતર કિંમત 35 રૂપિયા પડે છે. એવા સમયે જો 700 રૂપિયા પ્રતિ મણની સામે 400 રૂપિયે મણ ડુંગળી વેચાય તો ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ માથે પડે તેમ છે. ખેડુતોનો આરોપ છે કે જો આમને આમ ચાલ્યું તો ખેડૂતોને આત્મહત્યા કરવાના દિવસો આવશે.
એક તરફ વ્યાપક પ્રમાણમાં આવક અને બીજી તરફ નિકાસ બંધના નિર્ણયથી ભાવ ઘટ્યા છે. માર્કેટ યાર્ડના વેપારીઓએ પણ ખરીદી પર કાપ મુકી દીધો છે. જ્યાં સુધી સરકાર કોઈ યોગ્ય નિર્ણય ન કરે ત્યાં સુધી ડુંગળીની ખરીદી પર રોક લગાવી દીધી છે.
સૌરાષ્ટ્રમાં મોટાપાયે વાવેતર થતું હોવાથી હાલ ડુંગળીનો રેકોર્ડ બ્રેક માલ બજારમાં ઠલવાયો છે. જોકે ભાવ ન મળતા ખેડૂતો માલ વેચવો કે નહીં તે અવઢવમાં મુકાયા છે. બીજી તરફ ખરીદી બંધ થઈ છે. ભાવ ઘટ્યા છે. ત્યારે ખેડૂતો ડુંગળીનો સંગ્રહ ક્યા કરે તે ચિંતા સતાવી રહી છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો