અમરેલી જિલ્લામાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાથી પ્રભાવિત ગામોની સંખ્યા 389 માંથી ઘટી અને 196 થશે – ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલા
ગીર પૂર્વ નાયબ વન સંરક્ષણ અને ધારી પ્રાંત અધિકારી દ્વારા ઇકો ઝોન અંગે પ્રેસ કોન્ફ્રન્સ યોજી માહિતિ જાહેર કરી. તેમણે ઇકો સેન્સિટિવ ઝોન અંગે ખોટી ભ્રમણાઓથી દૂર રહેવા ખેડૂતોને અપીલ કરી. તેમણે ઈકો સેન્સિટિવ અંગે પ્રકાશ પાડતા જણાવ્યુ કે અમરેલીન ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કરાતા પ્રભાવિત ગામોની સંખ્યા હાલ જે 389 છે એ ઘટીને 196 થશે.
ગીર રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન અંગે ખેડૂતો અને આ સૂચિત સમાવિષ્ટ વિસ્તારના રહીશો સુધી યોગ્ય વિગતો પહોંચાડવા માટે ગીર પૂર્વ નાયબ વનસંરક્ષક રાજદીપ સિંહ ઝાલા, અને ધારી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને ધારીના આંબરડી સફારી પાર્ક ખાતે પત્રકારો સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપમાં ગીર પૂર્વ નાયબ વનસરંક્ષક રાજદિપસિંહ ઝાલાએ પત્રકારોને એક પ્રેઝેન્ટેશન પ્રસ્તુત કરી સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન અંગેના તથ્યોથી વાકેફ કર્યા હતા.
ગીરના પૂર્વ DCF એ લોકોને અને પત્રકારોને ખોટી ભ્રમણાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યુ સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી કુલ 196 ગામોનો સમાવેશ થશે જ્યારે હાલના નિયમો મુજબ 389 ગામો રક્ષિત વિસ્તાર અને તેની આસપાસ સમાવિષ્ટ છે જ. આમ, ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી ગામની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે વધારો થતો નથી. નેશનલ વાઇલ્ડ લાઇફ એક્શન પ્લાન (NWAP) (2002-2016) મુજબ ઇકોલોજિકલ કોરીડોર જે રક્ષિત વિસ્તારોને જોડે છે તે મહત્વપૂર્ણ છે અને જૈવ વિવિધતા વિભાજનને રોકવા માટે તેને સુરક્ષિત કરવું ખૂબ જરુરી છે.
નેશનલ વાઇલ્ડ લાઇફ એક્શન પ્લાન NWAP રક્ષિત વિસ્તારો તેમજ કોરીડોરના આસપાસના તમામ વિસ્તારોને પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ 1986 હેઠળ સંવેદનશીલ જાહેર કરવા ભલામણ કરે છે. ગીર, પાણિયા અને મિતિયાળા રક્ષિત વિસ્તાર ફરતે ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવા બાબતે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.03/07/2023ના રોજ રાજ્ય સરકારને ફ્રેશ પ્રપોઝલ રજૂ કરવા ઓરલ ઓર્ડર આપ્યો હતો.
NWAP ની ભલામણ અને દેશની સર્વોચ્ચ અદાલત (Honorable Supreme Court of India) ના નિર્દેશો મુજબ ગીર રક્ષિત વિસ્તાર (Gir PA) ની આસપાસ ઇકો-સેન્સિટીવ ઝોન માટે જરૂરી સુધારા કરી રિવાઇઝ્ડ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.દરખાસ્તનો ઉદ્દેશ્ય પર્યાવરણીય સંતુલનનું રક્ષણ કરવાનો અને ગીર રક્ષિત વિસ્તારની વૈવિધ્યસભર વન્યજીવોની પ્રજાતિઓ અને તેમના રહેઠાણોના લાંબા ગાળા માટે ટકાવી રાખવાનો છે.
દેશની સર્વોચ્ચ અદાલત (Honorable Supreme Court of India)ના નિર્દેશો અનુસાર ગીર રક્ષિત વિસ્તારની ફરતે 2.78 કિ.મી.નો લઘુત્તમ ઇકો-સેન્સેટીવ ઝોન રાખવામાં આવ્યો છે. આ ઇકો-સેન્સેટીવ ઝોનની લઘુત્તમ હદ 00.00 કિ.મી. (રક્ષિત વિસ્તારો એક બિજા સાથે સ્પર્શ્તા હોવાથી) અને મહત્તમ હદ 9.50 કિ.મી. સુધીની છે. ઇકો-સેન્સિટીવ ઝોનનો કુલ વિસ્તાર 2061.77 ચો. કિ.મી. છે. ઇકો-સેન્સિટીવ ઝોનમાં 3 જિલ્લાના 11 તાલુકાના કુલ 196 ગામોનો સમાવેશ થાય છે.
તા.18/09/2024ના રોજ વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં 60 દિવસ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વાંધા અને સૂચનો સ્વીકારવામાં આવે છે. જેના અંતે આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જાહેરનામામાં 3 જિલ્લાના 11 તાલુકાના કુલ 196 ગામોનો સમાવેશ છે. જેનો કૂલ વિસ્તાર 2061.77ચો. કિ.મી. છે. જેમા અમરેલી જિલ્લાના આંશિક વિસ્તારવાળા ધારી તાલુકાના 2 ગામ અને સંપૂર્ણ વિસ્તાર વાળા 27 ગામ, ખાંભા તાલુકાના 36 અને સાવરકુંડલા તાલુકાના 7 ગામનો સમાવેશ થાય છે. આ ઇકો સેન્સેટીવ ઝોનમાં હયાત ગામ-તળના વિસ્તાર ઉપરાંત બીજો તેટલો જ વિસ્તાર ઇકો-સેન્સેટીવ ઝોનમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.
ગ્રામજનો લોકોને કેટલી રાહત?
ગામતળમાં કરવાની થતી સરકારી અથવા વ્યક્તિગત પ્રવૃત્તિઓ માટે ઇકો સેન્સીટીવ ઝોનને લગતી કોઇપણ પરવાનગી લેવાની રહેશે નહીં. જેમાં દવાખાના, આંગણવાડી, શાળા, પંચાયત કચેરી, નંદ ઘર, ગામના રસ્તાઓ વગેરે તમામ ગામના વિકાસની પ્રવૃત્તિઓમાં, પોતાના રહેણાંક, પાણીના કનેક્શન, વીજ જોડાણ, કૂવા બાંધકામ વગેરે માટે વન વિભાગની પરવાનગીની આવશ્યકતા નથી.
ઇકો સેન્સેટીવ ઝોન અંગે કેટલાક તથ્યો
ઇકો-સેન્સિટીવ ઝોનમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રો-ઠરાવો અને જોગવાઇઓ મુજબ કોઇ વ્યક્તિ કે સમુદાય કે સમાજ, ઘર, દુકાન, કરી શકે છે. આ વિસ્તારમાં પ્રદૂષણ ફેલાવતા મોટા ઉદ્યોગો ઉપર નિયંત્રણ છે. ખેતર કે વાડીના માલિક પોતાના ખેતર કે વાડીમાં ભૂગર્ભમાંથી પાણી કાઢવા કૂવા કે દાર કરી શકે છે. વીજ કનેક્શન લેવા જેવી ખેતી વિષયક બાબતે કોઇ મનાઇ નથી.
ઇકો-સેન્સેટીવ ઝોનના કારણે હોટલ, ગેસ્ટ હાઉસ, ફાર્મ હાઉસ, લોજ વગેરે કરવા ઉપર મનાઇ નથી. આ બાબતે રાજ્ય સરકારના નીતિ નિયમ મુજબ તમામ હેતુઓ માટે રાજ્ય સરકારને લગતી કચેરી દ્વારા પરવાનગી આપવામાં આવે છે. ઇકો-સેન્સિટીવ ઝોનમાં માલિકીના ઝાડનું છેદન રાજ્ય સરકારના પ્રવર્તમાન નીતિ નિયમ મુજબ થઈ શકે. ઇકો-સેન્સિટીવ ઝોનમાં આવતી નદીઓમાંથી રેતી કાઢવા ઉપર રાજ્ય સરકારના ધારા ધોરણ મુજબ સ્થાનિક રીતે બોનાફાઇડ ઉપયોગ માટે કોઇ પ્રતિબંધ નથી. તેના વાણિજ્ય વેચાણ પર પ્રતિબંધ છે.
Input Credit- Jaydev Kathi- Amreli