અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ખાનપુર પાસે આવેલા વોકવે પરથી એક યુવક-યુવતીએ દુપટ્ટાથી હાથ બાંધી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા અને 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. યુવક-યુવતીની ઓળખ હજી સુધી થઈ નથી, પરંતુ યુવતીના ડાબા હાથ પર ‘પ્રિયાંશી’ નામ સાથે ટેટૂ જોવા મળ્યું છે. યુવતીની પાસે એક બેગ પણ મળી હતી, પરંતુ તેમાં કોઈ મહત્વની જાણકારી મળી નથી.
સાબરમતી નદીમાં થયેલી આ ઘટના અંગે ફાયર બ્રિગેડના ભરત માંગેલાએ જણાવ્યું કે, રવિવાર સાંજે 4:00 વાગ્યે મેસેજ મળ્યા બાદ ઘાટ નંબર 9 નજીક રેસ્ક્યુ બોટ સાથે ટીમ સ્થળ પર પહોંચી હતી. તાત્કાલિક ઓપરેશન અંતર્ગત બંનેના મૃતદેહ બહાર કાઢી 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
આ યુગલની ઉંમર આશરે 17 થી 20 વર્ષની છે. ફાયર બ્રિગેડે બંનેના મૃતદેહ બહાર કાઢ્યા ત્યારે હાથ દુપટ્ટાથી બાંધેલા જોવા મળ્યા હતા. જોકે, ઓળખાણ માટે કોઈ દસ્તાવેજ મળી આવ્યા નથી.
રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ દ્વારા બંનેના ફોટા વિવિધ પોલીસ સ્ટેશનોમાં મોકલી તેમના વાલી-વારસની શોધખોળ શરૂ કરી દીધી છે. આ મામલે આત્મહત્યા પાછળનું કારણ શું છે, તે જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Published On - 11:17 pm, Sun, 23 March 25