Gandhinagar: ગ્રામીણ નાગરીકોને ઘર બેઠા વધુ સેવાઓ આપવા G2C અને B2C સેવાઓનો વ્યાપ વિસ્તારવા રાજ્ય સરકારનું આયોજન
પ્રધાનમંત્રીની ગ્રામ સચિવાલય સંકલ્પના સાકાર કરવા તરફ સમગ્ર તંત્ર કામ કરી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની 11મી બેઠક ગાંધીનગરમાં યોજાઈ.
ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ નાગરીકોને ઘરે બેઠા વધુ ને વધુ સેવાઓ આપવા ગવર્મેન્ટ ટુ સિટીઝન G2C અને બિઝનેસ ટુ સિટીઝન B2C સેવાઓનો વ્યાપ વિસ્તારવા રાજ્ય સરકારનું આયોજન છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની 11મી બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી.
321થી વધુ નાગરિક સેવાઓ G2C અન્વયે ઈ-ગ્રામ કેન્દ્રો પૂરી પાડે છે. બિઝનેસ ટુ સર્વિસ B2C પોર્ટલ દ્વારા અત્યાર સુધીમાં 27.75 લાખ ટ્રાન્જેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. ઈ-ગ્રામ મરફતે 2007 થી અત્યાર સુધી 43.32 કરોડ ડિજીટલ વ્યવહારો થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ નાગરિકોને ઘર બેઠાં વધુ ને વધુ સેવાઓ પૂરી પાડવા ઈ-ગ્રામ સેન્ટરના માધ્યમથી G2C અને B2C સેવાઓનો વ્યાપ વધારવાના આયોજન માટે દિશા નિર્દેશો આપ્યા છે. આ સંદર્ભમાં તેમણે વી.સી.ઈ નો બેન્કીંગ કોરસ્પોન્ડન્ટ તરીકે ઉપયોગ કરવા વ્યાપ વધારવા સૂચન કર્યું છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની 11મી બેઠકમાં તેમણે આ નિર્દેશો આપ્યા હતા. પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટને વધુ સુદૃઢ બનાવવાની ચર્ચા વિચારણા સાથે પ્રોજેક્ટની બહુવિધ કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામીણ સ્તરે નાગરિકોને સુવિધા-સેવાઓ અસરકારક રીતે પૂરી પાડવા ગ્રામ સચિવાલયની સંકલ્પના આપેલી છે. આ સંકલ્પનાને સાકાર કરવાના હેતુસર ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની 2007 થી ગુજરાતમાં સ્થાપના કરવામાં આવેલી છે. ગ્રામીણ વિકાસમાં ઈ-સર્વિસીઝ ડિલીવરી સેન્ટર તરીકે ગ્રામ પંચાયતની ઓળખ ઉભી કરીને ગામના યુવાઓને ગામમાં જ રોજગારીની તકો મળી રહે તેવો તેનો આશય છે.
રાજ્યભરની 14181 જેટલી ઈ-ગ્રામ પંચાયતો દ્વારા G2C એટલે કે સરકાર થી નાગરિક સેવાઓ અંતર્ગત 321 થી વધુ સેવાઓ ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ મારફતે પૂરી પાડવામાં આવે છે. ડિજિટલ સર્વિસીઝનો લાભ ગ્રામીણ સ્તર સુધી પહોંચાડવા 2019થી ડિજીટલ ગુજરાત અન્વયે ડિજીટલ સેવાસેતુનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત જુદા જુદા વિભાગોને સેવાઓના 1 કરોડ 7 લાખથી વધુ પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે.
એટલું જ નહી અન્ય સેવાઓના મહેસૂલી, ખેડૂતલક્ષી સેવાઓમાં 7/12 ના ઉતારા, 8 અ પ્રમાણપત્ર, વીજબીલ રસીદ સેવાઓ, પ્રીપેઈડ ગેસ બીલ રસીદ, જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર, આવકના દાખલા, ગંગા સ્વરૂપા વિધવા પેન્શન યોજના, વ્હાલી દિકરી યોજના જેવી સેવાઓ મળીને સમગ્રતયા 42 કરોડથી વધુ ડિજીટલ વ્યવહરો ઈ-ગ્રામ મારફતે થયા છે.
આવી સેવાઓ ઈ-ગ્રામ કેન્દ્રો પરથી પૂરી પાડવા માટે VCEને નિયત રકમ પ્રોત્સહન પુરસ્કાર રૂપે આપીને વધુ ને વધુ ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રેરિત કરવાની પણ રાજ્ય સરકારે નેમ રાખી છે. ખાસ કરીને આ બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં પણ ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ સહાયરૂપ બન્યો છે.
ઇ ગ્રામ સેન્ટર દ્વારા અંદાજે 46 લાખ ઈ-શ્રમ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે તેમજ 29 લાખથી વધુ કિસાનોએ પી.એમ કિસાન પોર્ટલનો વિવિધ અરજીઓ માટે લાભ મેળવ્યો છે. આ ઉપરાંત ગ્રામજનોને ઈ-ગ્રામ સેન્ટર દ્વારા આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવે છે. 4200થી વધુ ઈ-ગ્રામ સેન્ટર PMJAY અન્વયે આયુષ્માન કાર્ડ પ્રદાન કામગીરી સાથે સંકળાયેલા છે તેમજ 3500 ઈ-ગ્રામ સેન્ટર ફાઇનાન્સિયલ કોરસપોન્ડન્ટ તરીકે કામગીરી કરે છે. 566 ઈ ગ્રામ કેન્દ્રો આધારકાર્ડની સેવા આપે છે.
ગ્રામ સુવિધા ટેક્ષ કલેક્શન પોર્ટલ 2020-21 થી શરૂ કરવામાં આવ્યું છે અને ઘર વેરો, પાણી વેરો, લાઈટ તથા સફાઈ વેરા જેવા વિવિધ પ્રકારના કર ગ્રામ્યસ્તરે એકત્રિત કરવા 14 હજારથી વધુ ગ્રામ પંચાયતો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહી છે. ગ્રામજનો પોતાનો વેરો ઓનલાઈન ભરી શકે તે માટેની વ્યવસ્થા પણ પ્રગતિમાં છે તેમ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર તેમજ મહેસુલ, કૃષિ, આરોગ્યના અધિક મુખ્યસચિવશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવશ્રી તેમજ ગ્રામવિકાસ અગ્રસચિવ સહિત સંબંધિત વિભાગોના સચિવો પણ સહભાગી થયા હતા.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો