Ahmedabad : પાલિકાની બેદરકારીનો વધુ એક નમૂનો, TDR પોલીસી લાગુ ન કરાતાં 2700 હેરિટેજ મકાનો સામે જોખમ
હેરિટેજ મકાનોની જાળવણી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 2015-16માં ટ્રેડેબલ ડેવલોપમેન્ટ રાઈટ એટલે કે ટીડીઆર પોલિસી અમલમાં મૂકી હતી. આ પોલિસી જાહેર થયાના 6 વર્ષ બાદ પણ કોર્પોરેશન દ્વારા તેનો અમલ થયો નથી.
Ahmedabad શહેરમાં હેરિટેજ મકાનોની જાળવણી માટે કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. હેરિટેજ મકાનોની જાળવણી માટે કોર્પોરેશને ટીડીઆર પોલિસી લાગુ કરી નથી. રાજ્ય સરકારે ટીડીઆર પોલિસી લાગુ કરવા આદેશ કર્યો હોવા છતાં પોલિસી લાગુ કરાઈ નથી. જેના કારણે શહેરના 2700 જેટલા હેરિટેજ મકાનો સામે જોખમ ઉભું થયું છે.
હેરિટેજ મકાનોની જાળવણી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 2015-16માં ટ્રેડેબલ ડેવલોપમેન્ટ રાઈટ એટલે કે ટીડીઆર પોલિસી અમલમાં મૂકી હતી. આ પોલિસી જાહેર થયાના 6 વર્ષ બાદ પણ કોર્પોરેશન દ્વારા તેનો અમલ થયો નથી. શહેરમાં આવેલા હેરિટેજ મકાનોની સંયુક્ત ટીડીઆર 500 કરોડથી પણ વધુ થાય છે.
પરંતુ કોર્પોરેશન દ્વારા આ પોલિસીનો અમલ કરવામાં ન આવતા શહેરના 2700થી વધુ હેરિટેજ મકાનો સામે જોખમ ઉભું થયું છે. હેરિટેજ મકાન માલિકોએ ટીડીઆર પોલિસીનો અમલ કરવા માટે 1200થી વધુ અરજીઓ કરી છે. પરંતુ કોર્પોરેશન દ્વારા ટીડીઆર આપવામાં ના આવતા અનેક મકાનો જર્જરિત હાલતમાં છે.
ખાડીયામાં આવેલ 2772 નંબરના હેરિટેજ મકાન મલિક દિવ્યેશ શાહને મકાન ખાલી કરીને અન્ય જવાનો વારો આવ્યો છે. ત્રણ વર્ષથી રીનોવેશન માટે અરજી કરે છે પણ ટીડીઆર મળતાં નથી. ટીડીઆરના મકાનને તાળું મારવાની ફરજ પડી છે.
કેટલાક હેરિટેજ મકાન માલિકો પાસે મકાનોના રિસ્ટોરેશન કે રીનોવેશન માટે પૈસા ખર્ચી શકે તેમ નથી. ટીડીઆર પોલિસીનો અમલ કરવામાં આવે તો હેરિટેજ મકાન માલિકો ટીડીઆર સર્ટિફિકેટ વટાવી હેરિટેજ વારસાને જાળવી શકે છે. અત્યારે હેરિટેજ મકાનના રિસ્ટોરેશન કે રીનોવેશન માટે ચારથી પાંચ પ્રકારની મંજૂરીઓ મેળવવી પડે છે.
આ મંજૂરીઓ મેળવવા માટે જ એકથી દોઢ લાખનો ખર્ચ કરવો પડે છે. ટીડીઆર મેળવવાની પ્રક્રિયા ખર્ચાળ અને જટિલ હોવાથી 30 ટકા હેરિટેજ મકાનો જ ટીડીઆર સર્ટિફિકેટ મેળવી શક્યા છે. આ અંગે હેરિટેજ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે ટીડીઆર પોલિસીનો અમલ શરૂ થઈ ગયો છે. અરજદારને તકલીફ ના પડે તે માટે સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
કોર્પોરેશન દ્વારા મકાનની હેરિટેજ વેલ્યુના આધારે ટીડીઆર સર્ટિફિકેટ આપવામાં આવે છે. ટીડીઆરના આધારે મકાન માલિકને એફએસઆઈ આપવામાં આવે છે. મકાન માલિકો વધારાની એફએસઆઈ બિલ્ડરોને વેચી પૈસા મેળવી શકે તે મુજબની પોલિસી બનાવવામાં આવી છે. પરંતુ કોર્પોરેશન દ્વારા ટીડીઆર પોલીસીનો યોગ્ય અમલ ના થતા હજારો મકાન માલિકો જર્જરિત હેરિટેજ મકાનોને રીનોવેશન કરવાને બદલે તાળાં મારીને જતા રહ્યા છે. જેના કારણે હજારો હેરિટેજ મકાનો સામે જોખમ ઉભું થયું છે.