Ahmedabad : મોજશોખ માટે 2 કોલેજના મિત્રોએ સરકારી શાળામાંથી કરી 40 લેપટોપની ચોરી, 2ની ધરપકડ
ચોરી થવાની ઘટના અવારનવાર આવતી રહેતી હોય છે. ત્યારે અમદાવાદની એક શાળામાં ચોરી ઘટના બની હતી. સ્કૂલમાંથી મોટા પ્રમાણમાં લેપટોપની ચોરી થતા પોલીસે ઘટનાની ગંભીરતા સમજી અલગ અલગ જગ્યા ઉપર લેપટોપ ચોરની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લેપટોપ ચોરીમાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદમાં 30 ઓગસ્ટના રોજ બપોરના સમયે ચાંદખેડા વિસ્તારમાં સરકારી ચાવડી પાસે આવેલી જગતપુર અનુપમ સરકારી સ્કૂલમાંથી 40 જેટલા લેપટોપની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. જો કે પોલીસ ફરિયાદ મળ્યા બાદ શોધખોળ હાથ ધરતા બંને આરોપી પકડમાં આવી ગયા છે.
પોલીસ ફરિયાદને આધારે ચાંદખેડા પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા લેપટોપ ચોરી કરનારા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાધે પટેલ અને અક્ષિતસિંહ વાઘેલા નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપી પાસેથી પોલીસે એક લેપટોપ, 31 ક્રોમબુક લેપટોપ, 38 નંગ ચાર્જર તેમજ 15 નંગ હેડફોન મળી 3.47 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે.
શા માટે અનુપમ સરકારી સ્કૂલમાંથી કરી ચોરી ?
પકડાયેલા આરોપી રાધે પટેલ અને અક્ષતસિંહ વાઘેલાની પૂછપરછ કરતા સામે આવ્યું કે બંને આરોપીઓએ પ્રાથમિક સ્કૂલના કોમ્પ્યુટર રૂમનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી રૂમની અંદર આવેલી લોખંડની તિજોરીનું તાળું તોડી તિજોરીમાં રાખેલું એક લેપટોપ અને 40 ક્રોમબુક લેપટોપની ચોરી કરી હતી. બંને આરોપીઓ તેના એક મિત્ર ધ્રુવીશ શાહ કે જે સરકારી સ્કૂલોમાં કોમ્પ્યુટર અને લેપટોપ મેન્ટેનન્સનું કામ કરવાનો કોન્ટ્રાક્ટ રાખે છે. તેઓની સાથે અનેક વખત અનુપમ પ્રાથમિક સ્કૂલમાં આવ્યા હતા અને તેમણે જોયું હતું કે કોમ્પ્યુટર રૂમમાં ઘણા બધા લેપટોપ પડેલા છે.
જેથી બંને મિત્રોએ સ્કૂલમાં ચોરી કરવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો અને 30મી ઓગસ્ટ બંને મિત્રોએ તિજોરી માંથી લેપટોપની ચોરી કરી હતી. આ બંને મિત્રો લેપટોપની ચોરી કરી સમયાંતરે બજારમાં વેચાણ કરી પૈસા મેળવવાની ફિરાકમાં હતા. જે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને ચોર મિત્રોને ધરપકડ કરી લીધી છે.
બંને કોલેજીયન મિત્રોએ આપ્યો ચોરીને અંજામ
લેપટોપ ચોર બંને આરોપીઓ પૈકી અક્ષિતસિંહ વાઘેલા બીકોમનો અભ્યાસ કરે છે જ્યારે રાધે પટેલ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે. બંને મિત્રોએ મોજશોખ માટે પૈસાની જરૂર હોવાથી ચોરી કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ પહેલીવાર જ ચોરીને અંજામ આપ્યો હતો અને પોલીસ હાથે પકડાઈ ચૂક્યા છે. ત્યારે હવે પોલીસે બંને આરોપી મિત્રોની ધરપકડ કરી આ ચોરીની ઘટનામાં વધુ કોઈ વ્યક્તિ સંડવાયેલું છે કે કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરી છે.