રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ મૃત:પાય થવાની સ્થિતિમાં, 10 વર્ષમાં 1400 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થઈ, ચાલુ વર્ષે 80 શાળાઓએ બંધ કરવા DEOને અરજી
સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામ આધારિત ગ્રાન્ટ આપવાની નીતિ (Grant policy) શરૂ કરવામાં આવી. આ નીતિને કારણે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ શાળાઓને તાળાં લાગ્યા છે.
ગુજરાત (Gujarat) માં ગ્રાન્ટેડ શાળાઓના (Granted schools) એકાએક બંધ થઈ રહી છે. સરકારની ગ્રાન્ટ નીતિને કારણે ગ્રાન્ટેડ શાળાઓને તાળાં લાગી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 1400 જેટલી ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગ્યા છે. સરકાર તરફથી અપાતી અપૂરતી ગ્રાન્ટ અને ગ્રાન્ટ નીતિને કારણે સંચાલકો કંટાળીને શાળાઓ બંધ કરવા માટે મજબુર બન્યા છે. ચાલુ વર્ષે 80 જેટલી ગ્રાન્ટેડ શાળાઓએ શાળા બંધ કરવા DEOને અરજી કરી છે. સરકાર દ્વારા અપાતી અપૂરતી ગ્રાન્ટ, મોંઘવારી (Inflation) અને ખર્ચમાં વધારો, શિક્ષકોની ભરતી અને ગ્રાન્ટ નીતિમાં બદલાવ ના કરતા આ સ્થિતિ સર્જાઈ છે. સંચાલક મંડળ દ્વારા અનેક વખત રજુઆત કરવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી.
ગ્રાન્ટની સામે ખર્ચ વધારે
હાલ સરકાર દ્વારા ધોરણ 9 અને 10ના બે વર્ગ હોય તો મહિને 6 હજાર અને વર્ષે 72 હજારની ગ્રાન્ટ આપવામાં આવે છે. 72 હજારની ગ્રાન્ટ સામે શાળા સંચાલકને બે વર્ગ માટે અંદાજે 2 લાખ જેટલો વાર્ષિક ખર્ચ થાય છે. આમ ગ્રાન્ટની સામે ખર્ચ વધારે ભોગવવો પડે છે. ગ્રાન્ટેડ શાળાઓને સૌથી મોટો ખર્ચ લાઈટ બિલ અને AMC વેરો તેમજ મકાન ભાડા પેટે થતો હોય છે. ગ્રાન્ટેડ શાળાનો એક વર્ષ ચલાવવા સરકાર દ્વારા અપાતા 30,000 રૂપિયા સામે એકવર્ષ ચલાવવા ગ્રાન્ટેડ શાળાના સંચાલકને 2 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
ગ્રાન્ટેડ શાળાઓને મળતી રકમ માત્ર શાળાઓના ઈન્ટરનેટ ખર્ચ 10,000 રૂપિયા, પરીક્ષા ખર્ચ એક વર્ગના વિદ્યાર્થીઓ પેટે અંદાજે 20,000 રૂપિયા પાછળ જ ખર્ચાઈ જાય છે. આ ઉપરાંત સફાઈ કામદાર, ચોકીદાર, CCTV કેમેરા મેન્ટેઈનન્સ, શિક્ષકોને ચૂકવવું પડતું ભથ્થું, સરકારી ઉત્સવોમાં શિક્ષક હાજર રહે તો તેનો ખર્ચ, વાલીઓની મીટિંગ થાય એ ખર્ચ, વિદ્યાર્થીઓ માટે ઇત્તરપ્રવૃત્તિઓ પાછળ થતો ખર્ચ અંદાજે 75 હજાર રૂપિયા સુધી જઈ પહોંચતો હોય છે. સરકાર તરફથી અપાતી ગ્રાન્ટ નહી પોસાતા 1400 ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોએ શાળાઓને તાળા મારવા માટે મજબુર બન્યા છે.
ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવાનું મુખ્ય કારણ
1991 બાદ સરકારે નિયમોને નેવે મૂકી આડેધડ ખાનગી શાળાઓને મંજૂરી આપવાનું શરૂ કર્યું. જ્યાં શાળાઓ હોય ત્યાં પણ નવી ખાનગી શાળાઓને મંજૂરી આપી. જેના કારણે ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી. ખાનગી શાળાઓમાં શિક્ષણ ઉપરાંત ઇત્તર પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. જેના કારણે વાલીઓએ ખાનગી શાળાઓ તરફ આંધળી દોટ મૂકી. 1999માં સરકારે ઠરાવ કરી ગ્રાન્ટમાં વધારો કરવા જણાવ્યું હતું. છતાં પણ છેલ્લા 23 વર્ષથી ગ્રાન્ટમાં કોઈ વધારો કર્યો નથી. ખર્ચમાં હજારો ટકાનો વધારો થયો પણ ગ્રાન્ટમાં કોઈ વધારો થયો નથી.
સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામ આધારિત ગ્રાન્ટ આપવાની નીતિ શરૂ કરવામાં આવી. આ નીતિને કારણે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ શાળાઓને તાળાં લાગ્યા છે. જે શાળાઓનું પરિણામ 30 ટકાથી નીચું આવે તેવી શાળાઓને એક પણ રૂપિયો ગ્રાન્ટ મળતી નથી.
2009માં રાજ્ય સરકારે શિક્ષકો અને આચાર્યની ભરતી કરવાની સત્તા સંચાલકો પાસેથી છીનવી પોતાના હસ્તક લીધી અને સરકારે શિક્ષકોને પગાર અને નોકરીનું રક્ષણ આપ્યું. જેના કારણે શિક્ષકોને સંચાલકોનો કોઈ ડર રહ્યો નથી અને સરકાર દ્વારા ભરતી કરવામાં આવતી નથી. પૂરતા શિક્ષકો અને આચાર્યો ના હોવાને કારણે શાળાઓના પરિણામ પર અસર પડે છે. પરિણામ ઓછું આવતા ગ્રાન્ટ મળતી નથી.
આ પણ વાંચોઃ Sokhda Haridham : સ્વામી ગુણાતીત ચરણના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો, સ્વામીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી