અંબાણીની સ્કૂલ : એક ફેશન ડિઝાઇનરે યુનિફોર્મ ડિઝાઇન કર્યો, જ્યારે એક સેલિબ્રિટી શેફે કેન્ટીનનું મેનુ કર્યું નક્કી
નીતા અંબાણીએ 2003માં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના કરી હતી. આ સ્કૂલમાં બોલિવૂડ સેલિબ્રિટીઝ, IAS ઓફિસર્સ અને જાણીતા બિઝનેસમેનના બાળકો અભ્યાસ કરે છે. તાજેતરમાં આ શાળામાં વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના વીડિયોએ નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે.
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ દેશની સૌથી પ્રતિષ્ઠિત અને મોંઘી શાળાઓમાંની એક છે. તાજેતરમાં યોજાયેલા વાર્ષિક કાર્યક્રમને કારણે શાળા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. કારણ કે આ વાર્ષિક કાર્યક્રમમાં બોલિવૂડની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યાથી લઈને શાહરૂખ ખાનના પુત્ર અબરામ સુધી, બોલિવૂડની ઘણી હસ્તીઓના બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે.
IAS ઓફિસર્સના બાળકો પણ ભણે છે
કેટલાકે આ શાળામાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. અંબાણીની સ્કૂલમાં માત્ર બોલિવૂડ સેલિબ્રિટી જ નહીં પરંતુ IAS ઓફિસર્સ અને જાણીતા બિઝનેસમેનના બાળકો પણ અભ્યાસ કરે છે. અંબાણીની શાળાના કાર્યક્રમનો વીડિયો જોયા બાદ નેટીઝન્સ આ શાળાની ફી અને ત્યાં ભણાવતા શિક્ષકોના પગાર વિશે જાણવા ઉત્સુક છે.
ગીત, મેનુ અને યુનિફોર્મ ડિઝાઈન વિશે જાણો
ધીરુભાઈ અંબાણીની શાળામાં દરેક વસ્તુ ખૂબ જ ખાસ છે. આ શાળાના વિદ્યાર્થીઓના ગણવેશ પણ દેશના સૌથી પ્રખ્યાત ફેશન ડિઝાઇનરે ડિઝાઇન કર્યો છે. આ ડિઝાઈનર બીજું કોઈ નહીં પણ મનીષ મલ્હોત્રા છે. શાળાની કેન્ટીનનું મેનુ ખાસ શેફ સંજીવ કપૂરે પોતે તૈયાર કર્યું છે. નીતા અંબાણીએ 2003માં આ સ્કૂલની સ્થાપના કરી હતી.
દેશની અનેક જાણીતી અને મોટી હસ્તીઓના યોગદાનને કારણે આ શાળા હવે ચર્ચામાં છે. આ શાળામાં બધું જ બારીકાઈથી આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી સ્કૂલનું ગીત જાવેદ અખ્તર દ્વારા લખવામાં આવ્યું છે અને શંકર-એહસાન-લોય ત્રિપુટીએ કમ્પોઝ કર્યું છે.
આરાધ્યા બચ્ચનનું શાળામાં પ્રદર્શન
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ એક લાખ 30 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી છે અને સ્કૂલની ઈમારત સાત માળની છે. આરાધ્યા બચ્ચન, અબરામ ખાન, કરણ જોહરના બે બાળકો યશ અને રૂહી, શાહિદ કપૂરના બાળકો, કરીના કપૂરનો દીકરો તૈમૂર આ સ્કૂલમાં અભ્યાસ કરે છે.