ભારત સરકાર કોલસાની આયાત શૂન્ય સ્તરે લઈ જશે, દેશની સૌથી મોટી કોલ માઇનિંગ કંપની COAL INDIA માટે રોડ મેપ તૈયાર કરાયો
ભારત તેની કોલસાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. નાણાકીય વર્ષ 2023માં ભારત(India)ની કોલસાની આયાત(Coal Import) 30 ટકાના ઉછાળા સાથે 162.46 મિલિયન ટન રહી હતી. કોકિંગ કોલમાં 5.44 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે અને તે 54.46 મિલિયન ટન રહ્યો છે.
ભારત તેની કોલસાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. નાણાકીય વર્ષ 2023માં ભારત(India)ની કોલસાની આયાત(Coal Import) 30 ટકાના ઉછાળા સાથે 162.46 મિલિયન ટન રહી હતી. કોકિંગ કોલમાં 5.44 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે અને તે 54.46 મિલિયન ટન રહ્યો છે. સરકારનો પ્રયાસ સ્થાનિક કોલસાનું ઉત્પાદન વધારવા અને આયાત નહીંવત કરવાનો છે. કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ કોલસાના ઉત્પાદનમાં વધારો કરવા અને દેશની સૌથી મોટી કોલ માઇનિંગ કંપની કોલ ઇન્ડિયાની ભાવિ યોજનાઓ અંગે નિવેદન આપ્યું છે. આ ઉપરાંત ભવિષ્યની યોજનાઓ વિશે જણાવ્યું હતું. જણાવી દઈએ કે પીએમ મોદીના શાસનને 9 વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળા દરમિયાન સ્થાનિક કોલસાનું ઉત્પાદન લગભગ બમણું થયું છે.
ભારતમાં પર્યાપ્ત કોલસા અનામત
કોલસા મંત્રીએ કહ્યું કે ભારત વિશ્વના ટોચના કોલસા અનામત દેશોમાંનો એક છે. આમ છતાં અમે આટલા મોટા પાયે કોલસાની આયાત કરતા હતા જે સારી બાબત નથી. છેલ્લા નવ વર્ષમાં દેશનું કોલસાનું ઉત્પાદન લગભગ બમણું થઈ ગયું છે. વર્તમાન કોલસા ઉત્પાદન ક્ષમતા વાર્ષિક આશરે 900 મિલિયન ટન છે જે 2013-14માં 500 મિલિયન ટન પ્રતિ વર્ષ હતી.
ઉત્પાદન વધારવા પર ભાર મુકાયો
અમારો પ્રયાસ કોલ ઈન્ડિયાનું ઉત્પાદન વધારવા અને કેપ્ટિવ ઉત્પાદનને મજબૂત કરવાનો છે. કોમર્શિયલ કોલસાનું ઉત્પાદન શરૂ કરવા માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષનો લક્ષ્યાંક 1000 મેટ્રિક ટન એટલે કે 1000 મિલિયન ટન કોલસા ઉત્પાદનનો છે. 2030 સુધીમાં તેને 1500 મિલિયન ટન સુધી લઈ જવાના પ્રયાસો કરવામાં આવશે. અમે 2025-26 સુધીમાં થર્મલ કોલસાની આયાત બંધ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. આ સાથે અનેક નાના પાડોશી દેશોમાં નિકાસ કરવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. અમે બાંગ્લાદેશ, નેપાળ જેવા દેશોમાં પણ કોલસાની નિકાસ કરીએ છીએ.
કોલસાનો પૂરતો જથ્થો
વરસાદ પહેલા કોલસાના સ્ટોક અંગે મંત્રીએ કહ્યું કે થર્મલ પાવરમાં કોલસાનો સ્ટોક 34-35 મેટ્રિક ટન છે, જે લગભગ 15 દિવસનો સ્ટોક છે. કોલ ઈન્ડિયાનો સ્ટોક 65-66 MT છે. છેલ્લા બે મહિનામાં નોન-રેગ્યુલેટેડ સેક્ટરને 39 મેટ્રિક ટન કોલસો સપ્લાય કરવામાં આવ્યો છે. કોલસા મંત્રીએ કહ્યું કે હું દેશને વિશ્વાસ અપાવવા માંગુ છું કે છેલ્લા 9 વર્ષમાં કોલસાની કોઈ અછત નથી. આ વર્ષે પણ થર્મલ પાવર અને NRS પર કોઈ પ્રતિબંધ નથી. ઈંધણ પુરવઠા કરારનો નિર્ણય કોલ ઈન્ડિયાના બોર્ડ પાસે છે.
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…