Budget 2022: શેર બજાર પર ટેક્સનો માર, કંઇક રાહત આપે સરકાર
હાલ શેર સહિત ઘણી સિક્યોરિટીઝના કારોબાર પર બે પ્રકારનો ટેક્સ લાગે છે. કેપિટલ ગેઇન ટેક્સ અને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટી. રોકાણકારોની માંગ છે કે સરકાર શેર બજારમાં રોકાણ પર લાગતા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને દૂર કરે અથવા તો તેની મર્યાદા વધારીને 2 વર્ષની કરી દેવામાં આવે.
કોરોના કાળમાં બીજું કંઇ ચાલ્યુ હોય કે ન ચાલ્યું હોય પણ શેરબજાર ખુબ ચાલ્યું. જયપુરના માલવીય નગરમાં રહેતા રાધેશ્યામ બંસલે છેલ્લા દોઢથી બે વર્ષમાં ખુબ નફો કર્યો. છેલ્લા બે વર્ષમાં તેમના ઘણાં શેરોએ 50 થી 70 ટકા સુધીનું રિટર્ન આપ્યું. એટલું જ નહીં, તેમણે જે મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમમાં પૈસા લગાવ્યા હતા તેમાં પણ શાનદાર વધારો થયો.
પરંતુ હવે રાધેશ્યામના કપાળે અને બજાર બન્ને પર ચિંતાના વાદળો દેખાઇ રહ્યા છે. મોંઘા વેલ્યૂએશન, સસ્તી મુડી પર અંકુશ અને વ્યાજ દરોમાં વધારો, ઘણાં એવા સમીકરણો એકસાથે બની રહ્યા છે જેના કારણે બજાર ઘટી રહ્યું છે. રાધેશ્યામની નજર હવે બજેટ પર છે. કારણ કે બજારને દિશા અહીંથી જ મળવાની છે.
રાધેશ્યામની જેમ તમામ રોકાણકારની અપેક્ષા છે કે સરકાર એવું બજેટ લાવે કે શેરબજારની તેજીને નજર ના લાગે. સાથે જ સરકાર જે રીતે ટેક્સ લગાવી રહી છે, તેમાં કંઇક રાહત મળી જાય.
કોરોના સંકટ પછી તમામ ઉદ્યોગ ઠપ થઇ ગયા હતા ત્યારે શેરબજાર ઉછાળા મારી રહ્યું હતું. સેન્સેક્સે 2020માં લગભગ 16 ટકા, અને વર્ષ 2021માં અંદાજે 22 ટકાનું રિટર્ન આપ્યું. જ્યારે કોરોના પહેલા વર્ષ 2019માં ફક્ત 14.37 ટકાનું રિટર્ન આપ્યું હતું.
કોરોના કાળ દરમિયાન શેરબજારમાં રોકાણ કરનારાની સંખ્યા ઝડપથી વધી. શેરબજારમાં રોકાણ માટે જરૂરી ડિમેટ ખાતાની સંખ્યા માર્ચ 2019ના 3.6 કરોડથી વધીને નવેમ્બર 2021 સુધી 7.7 કરોડ પહોંચી ગઇ છે.
અત્યારે કેટલો લાગે છે ટેક્સ?
હાલ શેર સહિત ઘણી સિક્યોરિટીઝના કારોબાર પર બે પ્રકારનો ટેક્સ લાગે છે. કેપિટલ ગેઇન ટેક્સ અને સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટી. એક વર્ષથી ઓછા સમયગાળામાં કોઇ શેર કે મ્યુચ્યુઅલ ફંડના યુનિટને વેચો તો 15 ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. તો એક વર્ષથી વધુના ગાળામાં કોઇ શેર કે યૂનિટને વેચવામાં આવે તો 10 ટકાનો એકસાથે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. પરંતુ આ ત્યારે લાગે છે જ્યારે કેપિટલ ગેઇન 1 લાખ રૂપિયાથી વધારે હોય.
એટલે કે 1 લાખથી નીચેના કેપિટલ ગેઇન પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નથી લાગતો. આ ઉપરાંત, દરેક વખતે શેરના ખરીદ-વેચાણ પર એસટીટી લાગે છે. આ શેર 0.001 ટકાથી લઇને 0.125 ટકા સુધી છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યૂનિટના વેચાણ પર 0.25 ટકા ટેક્સ લાગે છે.
શેરબજારમાં ગયા વર્ષે આવેલી શાનદાર તેજીમાં ઘણાં નાના રોકાણકારોએ જબરજસ્ત રોકાણ કર્યું છે. જેના કારણે સરકારને પણ સારૂએવું ટેક્સ કલેક્શન પ્રાપ્ત થયું છે. ચાલુ નાણાકીય વર્ષ એટલે કે 2021-22 માટે સરકારે એસટીટીથી 12 હજાર 500 કરોડ રૂપિયા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરંતુ 16 ડિસેમ્બર સુધીમાં જ 17 હજાર 329 કરોડ રૂપિયા પહોંચી ગયું જે લક્ષ્યથી 40 ટકા વધારે છે. એટલું જ નહીં, કોવિડની પહેલાના નાણાકીય વર્ષ 2019-20ના એસટીટી કલેક્શનથી 8 હજાર 130 કરોડ રૂપિયા વધુ છે.
વર્ષ 2018 પહેલા, શેરના વેચાણ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નહતો લાગતો. પરંતુ બજેટ 2018માં એવી જોગવાઇ કરવામાં આવી કે જો કોઇ રોકાણકારને શેરના એટલે કે ઇક્વિટીના વેચાણ કે ઇક્વિટી આધારીત મ્યુચ્યુઅલ ફંડ્સના યૂનિટ વેચવાથી 1 લાખ રૂપિયાથી વધુનો નફો થાય તો તેણે 10 ટકાનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડશે. આ જોગવાઇ 1 એપ્રિલ 2018થી જ લાગુ છે.
બજાર નિષ્ણાંત અંશુમાન ખન્ના કહે છે કે મૂડિ બજારોને વધુ સહારો આપવા માટે અમને આશા છે કે સરકાર ઇક્વિટીઝ અને એફપીઆઇ પર કેપિટલ ગેઇન ટેક્સ લગાવવાનો નિર્ણય પાછો ખેંચશે. આમ કરવાથી થતા નુકસાનની ભરપાઇ સરકાર એસટીટીનો રેટ વધારીને કરી શકે છે. જો સરકાર આવું કરે છે તો બજારમાં મોટી સંખ્યામાં રોકાણ આવશે અને ઇકોનોમીને ફાયદો થશે.
બસ, આટલી છે અપેક્ષા !
રાધેશ્યામ બંસલ પણ ઇચ્છે છે કે, સરકાર શેર બજારમાં રોકાણ પર લાગતા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને દૂર કરે અથવા તો તેની મર્યાદા વધારીને 2 વર્ષની કરી દેવામાં આવે. એટલે કે 2 વર્ષ પછી વેચવામાં આવતા શેર પર એલટીસીજી ટેક્સ લાગે. તેમણે કહ્યું કે આ ટેક્સ શેર બજારમાં લોંગ ટર્મ રોકાણ કરનારાને નિરાશ કરે છે. બંસલનું કહેવું છે કે જો કોઇ ટ્રેડિંગ કરે છે એટલે કે ડેઇલી ખરીદ-વેચાણ કે ટૂંકાગાળામાં શેરને ખરીદીને પૈસા કમાય છે તો તેના પર ટેક્સ લગાવવાનું તો ઠીક છે પરંતુ જે લોંગ ટર્મ રોકાણકાર છે તેમને સરકારે પ્રોત્સાહિત કરવા જોઇએ. તેમને આશા છે કે આ વખતે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામન લાંબાસમયથી ચાલી રહેલી રોકાણકારોની આ માંગને પૂરી કરશે.
આ પણ વાંચોઃ Budget 2022 : શેરબજારની કમાણી ઉપર કેટલો ટેક્સ લાગે છે? જાણો શું છે નાણાં મંત્રી તરફ રોકાણકારોની અપેક્ષાઓ
આ પણ વાંચોઃ Budget 2022 : આ એપ્લિકેશન બજેટની દરેક માહિતી આપશે,જાણો તમે ક્યાંથી જોઈ શકશો BUDGET LIVE