જયા એકાદશીએ આ રીતે કરો ભગવાન વિષ્ણુની પૂજા, નહીં ભોગવવી પડે પ્રેત યોનિની યાતના !
માન્યતા અનુસાર જે ભક્ત આજે આસ્થા સાથે આ વિધિથી શ્રીવિષ્ણુની (Vishnu )આરાધના કરી લે છે, તેને જીવનના દરેક કાર્યમાં સફળતા મળી જાય છે. એટલું જ નહીં, મૃત્યુ બાદ તેને પ્રેત યોનિમાં પ્રવેશવું નથી પડતું. તેને તો સ્વયં શ્રીહરિની શરણ પ્રાપ્ત થાય છે !
મહા મહિનાના સુદ પક્ષમાં આવતી એકાદશી તિથિને જયા એકાદશીના નામે ઓળખવામાં આવે છે. દરેક એકાદશીની જેમ જ જયા એકાદશીમાં પણ ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિધાન દર્શાવાયું છે. મહત્વની વાત એ છે કે આ એકાદશી આજે 1 ફેબ્રુઆરી, બુધવારે એક વિશેષ સંયોગ સાથે આવી છે. માન્યતા અનુસાર આ શુભ સંયોગ એકાદશીથી પ્રાપ્ત થનારા પુણ્યને અનેકગણું વધારી દેશે. ત્યારે આવો જાણીએ કે આ શુભ સંયોગ શું છે ? અને આ દિવસે કઈ રીતે વ્રત કરવાથી મનુષ્યને પ્રેત યોનિથી મુક્તિના આશિષ પ્રાપ્ત થશે ?
જયા એકાદશી માહાત્મ્ય
મહા મહિનાના સુદ પક્ષની એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશી ભીષ્મ એકાદશી અને ભૂમિ એકાદશીના નામે પણ ઓળખાય છે. કહે છે કે જયા એકાદશીએ આસ્થા સાથે શ્રીવિષ્ણુની પૂજા અને વ્રત કરવાથી વ્યક્તિને અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, આ વ્રત મનુષ્યને પ્રેત યોનિ કે પિશાચ યોનિથી મુક્તિના આશિષ પ્રદાન કરે છે. એટલે કે, મૃત્યુ બાદ જીવને ક્યારેય પ્રેત યોનિની યાતના સહન કરવાનો વારો નથી આવતો. તેને પરમગતિની પ્રાપ્તિ થાય છે, અને એટલે જ તો આ એકાદશીને જયા એકાદશીના નામે ઓળખવામાં આવે છે.
સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે જયા એકાદશી
આજે 1 ફેબ્રુઆરી, બુધવારે જયા એકાદશીની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ સર્જાઈ રહ્યો છે. આ યોગનો પ્રારંભ સવારે 07:10 કલાકે થશે. જે મધ્યરાત્રિ 03:23 સુધી રહેશે. કોઈપણ શુભ કાર્ય કરવા માટે આ વણજોયું મુહૂર્ત બની રહેશે. તો, સાથે જ આ દિવસનું એકાદશીનું વ્રત સવિશેષ લાભદાયી બની રહેશે.
જયા એકાદશી વ્રતની પૂજા વિધિ
⦁ જયા એકાદશીએ સ્નાનાદિ કાર્યથી નિવૃત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. પુરુષો પીતાંબર અને સ્ત્રીઓ પીળા રંગની સાડી ધારણ કરશે તો શ્રેષ્ઠ રહેશે.
⦁ ઘરના પૂજાઘરમાં દીવો પ્રજવલિત કરો અને ભગવાન વિષ્ણુ સમક્ષ હાથ જોડીને વ્રત કરવાનો સંકલ્પ લો.
⦁ પૂજા માટે એક બાજઠ તૈયાર કરીને તેના પર પીળા રંગનું વસ્ત્ર પાથરો.
⦁ બાજઠ પર ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તસવીર પ્રસ્થાપિત કરો.
⦁ પ્રભુને ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરાવો. ત્યારબાદ તેમની શાસ્ત્રોક્ત પૂજા કરો.
⦁ ભગવાનને ચંદનથી તિલક કરો અને ત્યારબાદ પીળા રંગના પુષ્પ, ફળ, મીઠાઈ, ધૂપ-દીપ, કુમકુમ, અક્ષત, અત્તર, નૈવેદ્ય અર્પણ કરીને જયા એકાદશીના વ્રતની કથાનું વાંચન કરો.
⦁ શક્ય હોય તો આજના દિવસે જરૂરથી શ્રીવિષ્ણુના સહસ્ત્ર નામ સ્તોત્રનું પઠન કરવું જોઈએ.
⦁ અંતમાં આરતી કરીને નૈવેદ્યને પ્રસાદ રૂપે વહેંચી દેવું જોઈએ.
⦁ આજે સમગ્ર દિવસ ઉપવાસ કરવો. ભોજનમાં માત્ર ફળ જ ગ્રહણ કરવા. જો ઉપવાસ શક્ય ન હોય તો એકટાણું કરી શકાય. અલબત્, આ ભોજન સંપૂર્ણપણે શાકાહારી જ હોવું જોઈએ.
માન્યતા અનુસાર જે ભક્ત આજે આસ્થા સાથે આ વિધિથી શ્રીવિષ્ણુની આરાધના કરી લે છે, તેને જીવનના દરેક કાર્યમાં સફળતા મળી જાય છે. એટલું જ નહીં, મૃત્યુ બાદ તેને પ્રેત યોનિમાં પ્રવેશવું નથી પડતું. તેને તો સ્વયં શ્રીહરિની શરણ પ્રાપ્ત થાય છે !
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)