પુરીમાં ક્યાં આવેલું છે પ્રભુ જગન્નાથજીનું જન્મસ્થાન ?
પુરીના શ્રીમંદિરમાં પ્રભુ જગન્નાથજી તેમના ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે ભક્તોને દર્શન દઈ રહ્યા છે. પણ, શું તમને એ ખબર છે કે પુરીમાં જગન્નાથજીનું જન્મસ્થાન ક્યાં આવેલું છે ?
ભારતના મુખ્ય ચારધામમાં પુરીનો (PURI) સમાવેશ થાય છે. બદરીનાથ ધામ એ સતયુગનું, રામેશ્વરમ્ એ ત્રેતાયુગનું, દ્વારકા એ દ્વાપરયુગનું તેમજ પુરીજગન્નાથ એ કળિયુગનું મહાધામ મનાય છે. જગન્નાથજી એ કળિયુગના દેવતા તરીકે પૂજાય છે અને એ જ કારણ છે કે શ્રદ્ધાળુઓને મન પુરીજગન્નાથ ધામના દર્શનનો મહિમા છે. પુરીના શ્રીમંદિરમાં પ્રભુ જગન્નાથ તેમના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે બિરાજમાન થયા છે. અને ભક્તોને દર્શન દઈ તેમના સઘળા કષ્ટોનું શમન કરી રહ્યા છે. પણ, શું તમને એ ખબર છે કે પુરીમાં જગન્નાથજીનું જન્મસ્થાન ક્યાં આવેલું છે ?
અમદાવાદમાં જેમ રથયાત્રાના દિવસે ભગવાન સરસપુર તેમના મામાના ઘરે જાય છે, તે જ પ્રમાણે પુરીમાં પ્રભુ તેમની માસીના ઘરે જાય છે. પ્રભુની માસીનું આ ઘર એટલે મુખ્ય મંદિરથી 2 કિ.મી.ના અંતરે આવેલું દેવી ગુંડિચાનું મંદિર. રથયાત્રા બાદ પ્રભુ પૂરાં સાત દિવસ સુધી દેવી ગુંડિચાના મંદિરમાં જ રોકાય છે. અઠવાડિયા સુધી જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજી માસીના લાડ માણે છે. પણ, ઘણાં ઓછાં લોકોને એ ખ્યાલ છે કે વાસ્તવમાં તો આ ગુંડિચા મંદિર જ ‘જગન્નાથજીનું જન્મસ્થાન’ છે !
પુરીજગન્નાથ ધામની યાત્રા દેવી ગુંડિચાના દર્શન વિના અપૂર્ણ મનાય છે. કારણ કે, જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીની મૂર્તિઓનું સર્વ પ્રથમ નિર્માણ ગુંડિચા મંદિરમાં જ થયું હતું ! દંતકથા અનુસાર સમુદ્રમાંથી પ્રાપ્ત થયેલાં શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી ‘દારુ’ એટલે કે કાષ્ઠને સર્વપ્રથમ પુરીના આ જ સ્થાન પર લવાયા હતા. અહીં જ વિશ્વકર્માએ વૃદ્ધ મૂર્તિકારનું રૂપ લઈ મૂર્તિઓનું નિર્માણ કર્યું હતું. રાજા ઈન્દ્રધુમ્ને સમય પૂર્વે જ દ્વાર ખોલી દેતાં મૂર્તિઓ અપૂર્ણ રહી ગઈ. જો કે, ત્યારબાદ આ જ સ્થાન પર મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોવાની કથા પણ પ્રચલિત છે. અને એ જ કારણ છે કે પુરીમાં આ સ્થાન જગન્નાથજીના જન્મસ્થાન તરીકે ખ્યાત છે.
પ્રચલિત કથા અનુસાર અહીં સર્વ પ્રથમ મંદિરનું નિર્માણ રાજા ઈન્દ્રધુમ્નના પત્ની દેવી ગુંડિચાએ કરાવ્યું હતું. જેને લીધે આ સ્થાન ગુંડિચા દેવી મંદિરના નામે પ્રસિદ્ધ થયું. લોકવાયકા તો એવી પણ છે કે મુખ્ય મંદિરથી આ સ્થાનક સુધી રથયાત્રાનો પ્રારંભ પણ ખુદ દેવી ગુંડિચાએ જ કરાવ્યો હતો. જેને લીધે જ રથયાત્રા ‘ગુંડિચા યાત્રા’ તરીકે પણ ઓળખાય છે. અને પ્રભુ ખુદ માસીના લાડ લેવાં દર વર્ષે અષાઢી બીજે અહીં પહોંચે છે.
તો, હવે જ્યારે તમે પણ પુરીજગન્નાથમાં પ્રભુ જગન્નાથજીના દર્શને જાવ, ત્યારે પ્રભુના જન્મસ્થાનના દર્શને જવાનું ન ભૂલતા. કારણ કે, ગુંડિચા મંદિરના દર્શન બાદ જ તો પૂર્ણ થશે તમારી પુરીધામની યાત્રા.
આ પણ વાંચો : જાણો છો રથયાત્રામાં મગનો પ્રસાદ શા માટે અપાય છે ?