Amavasya : વિવિધ ફળની પ્રાપ્તિ કરાવશે વર્ષની 12 અમાસ, જાણો અંધારી તિથિનો શું છે મહિમા ?
વર્ષ દરમિયાન 12 અમાસ (Amas) આવતી હોય છે. જે દરેકનું એક આગવું જ મહત્વ છે. અને તેનું વ્રત કરવાથી વ્યક્તિને વિધ વિધ ફળની પ્રાપ્તિ થતી હોય છે. જેમ કે, ભૌમવતી અમાસનું વ્રત કરવાથી વ્યક્તિને દેવામાંથી મુક્તિ મળવાની માન્યતા છે.
અમાસની (Amas) તિથિ મહિનામાં એક જ વાર આવે છે. એટલે કે વર્ષમાં કુલ 12 અમાવસ્યા આવતી હોય છે. શાસ્ત્રોમાં અમાસની તિથિના સ્વામી પિતૃદેવને (Pitrudev) માનવામાં આવે છે. આ વખતે અમાસ અને સોમવારનો અદભુત સંયોગ સર્જાયો છે. તમામ અમાવસ્યામાં સોમવતી (Somvati amas) અમાસનું એક આગવું જ મહત્વ છે. ત્યારે આવો, આજે વિવિધ મહિનાની અમાસ અને તેના માહાત્મ્ય વિશે જાણીએ.
ચંદ્રમાની 16મી કલાને ‘અમા’ કહેવામાં આવે છે. ‘અમા’ના અનેક નામ આવે છે, જેમ કે તે અમાવસ્યા, સૂર્ય ચંદ્ર સંગમ, પંચદશી, અમાવસી, અમાવાસી, અમામાસી કે અમાસ કહેવાય છે. અમાવસ્યાના દિવસે ચંદ્ર નથી દેખાતો અથવા ક્ષય અને ઉદય નથી થતો. એટલે તેને અમાવસ્યા કહેવામાં આવે છે. અમાસ એ સૂર્ય અને ચંદ્રના મિલનનો ગાળો છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને એક જ રાશિમાં રહે છે.
- મહત્વની અમાસ
વર્ષ દરમિયાન 12 અમાસ આવે છે. જેમાં સોમવતી અમાસ, ભૌમવતી અમાસ, મૌની અમાસ, શનિ અમાસ, હરિયાળી અમાસ, દિવાળી અમાસ તેમજ સર્વપિતૃ અમાસનો સવિશેષ મહિમા છે.
સોમવતી અમાસ
સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ કહેવાય છે. આ દિવસે વ્રત કરવાથી ચંદ્રનો દોષ દૂર થાય છે. એ દરેક મનોકામના પૂર્ણ કરે છે. મહિલાઓ વિશેષ રીતે પતિના દીર્ઘાયુ માટે સોમવતી અમાસનું વ્રત કરે છે.
ભૌમવતી અમાસ
ભૌમ એટલે મંગળ. મંગળવારે આવતી અમાસને ભૌમવતી અમાસ કહે છે. માન્યતા અનુસાર આ દિવસે વ્રત કરવાથી દેવાનું સંકટ પૂર્ણ થાય છે.
મૌની અમાસ આ અમાસ માઘ માસમાં આવે છે. તેને આધ્યાત્મિક રૂપથી ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે.
શનિ અમાસ શનિવારના દિવસે આવતી અમાસને શનિ અમાસ કહેવામાં આવે છે. આ દિવસે વ્રત કરવાથી શનિ દોષ દૂર થાય છે.
મહાલય અમાસ
શ્રાદ્ધપક્ષમાં આવતી અમાસને સર્વપિતૃ અમાસ કે મહાલય અમાસ કહેવામાં આવે છે. આ દિવસે અન્નદાન અને તર્પણ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. તેમજ તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
હરિયાળી અમાસ
ગુજરાતી પંચાંગ અનુસાર અષાઢ માસની અમાસને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. ઉત્તર ભારતમાં તે શ્રાવણી અમાસનો દિવસ હોય છે. આ અમાસને મહારષ્ટ્રમાં ગટારી અમાસ કહે છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં ચુક્કલા અને ઓરિસ્સામાં ચિતલાગી અમાસ કહે છે. આ દિવસે વૃક્ષારોપણ કરવાનું મહત્વ છે. આ દિવસે પિતૃઓની શાંતિ અર્થે અનુષ્ઠાન પણ કરવામાં આવે છે.
દિવાળી અમાસ
ગુજરાતી પંચાંગ અનુસાર આસો માસની અમાસની તિથિએ દીપોત્સવીની ઉજવણી કરવામાં આવે છે. જે વર્ષનો અંતિમ દિવસ મનાય છે. લોકો તેને દિવાળી અમાસ પણ કહે છે. આ તિથિએ રાત્રિ સૌથી ઘનઘોર હોય છે. મૂળરૂપે આ અમાસ માતા કાલી સાથે જોડાયેલ છે એટલે તેમની પૂજાનું મહત્વ છે. આ દિવસે લક્ષ્મીપૂજાનું પણ મહત્વ છે. કહેવાય છે કે બંને દેવીઓનો આ તિથિએ જ જન્મ થયો હતો.
કુશગ્રહણી અમાસ
કુશ એકત્ર કરવાના કારણે જ તેને કુશગ્રહણી અમાસ કહે છે. પૌરાણિક ગ્રંથોમાં તેને કુશોત્પાટિની અમાસ પણ કહે છે. ગુજરાતી પંચાંગ અનુસાર શ્રાવણી અમાસ જ કુશગ્રહણી અમાસ તરીકે ઓળખાય છે. આ દિવસને પિથૌરા અમાસ પણ કહેવામાં આવે છે. પિથૌરા અમાસના દિવસે દેવી દુર્ગાની પૂજા ઉપાસનાનું પણ મહત્વ છે.
આ સિવાયની અન્ય અમાવસ્યાઓમાં પણ દાન અને સ્નાનનું મહત્વ રહેલું છે. તે અમાસ જે વારે આવે છે તે નામે જ જાણીતી છે. સામાન્ય રીતે 12 મહિનાઓના નામ પર આધારિત હોય છે આ અમાસના નામ.
- શું રાખશો ધ્યાન ?
માન્યતા અનુસાર અમાસની તિથિએ ભૂત-પ્રેત, પિશાચ, નિશાચર જીવજંતુ અને દૈત્ય વધુ સક્રિય હોય છે. એટલે, આવા દિવસે ખાસ સાવધાની રાખવી જોઇએ. આ દિવસે કોઇપણ પ્રકારની તામસી વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ. આ દિવસે માંસાહાર અને મદ્યપાનથી દૂર રહેવું જોઇએ. માંસાહાર અને મદ્યપાન કરવાથી ન માત્ર તમારું શરીર, પણ તમારા ભવિષ્ય પર પણ તેની ખરાબ અસાર પડે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)