Ganesh-Chaturthi-2021 : જાણો જયપુરના મોતી ડૂંગરી ગણેશજીનો મહિમા, લાડુના પ્રસાદથી પ્રસન્ન થાય છે આ એકદંતા

દર વર્ષે મોતી ડૂંગરી ગણેશજીના સાનિધ્યે મેળો લાગે છે. જેમાં ભક્તો તેમની મનોકામનાપૂર્તિના ભાગ રૂપે વિઘ્નહર માટે લાડુ લઈને મંદિરે આવે છે. આ લાડુઓની સંખ્યા એટલી બધી હોય છે કે આખું મંદિર જ લાડુથી ભરાઈ જાય છે ! નાના, મોટા અને અત્યંત વિશાળ કદના લાડુ સૌ કોઈને દંગ કરી દે છે.

Ganesh-Chaturthi-2021 : જાણો જયપુરના મોતી ડૂંગરી ગણેશજીનો મહિમા, લાડુના પ્રસાદથી પ્રસન્ન થાય છે આ એકદંતા
ગણેશ ભક્તોને મોતી ડૂંગરી ગણેશજી પર દ્રઢ આસ્થા

રાજસ્થાનના જયપુરથી (jaipur) લગભગ 6 કિલોમીટરના અંતરે મોતી ડૂંગરી (moti dungri) કરીને સ્થાન આવેલું છે. મોતી ડુંગરી એ તેના પર આવેલા બીરલા મંદિર અને ભવ્ય કિલ્લા માટે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. અને આ કિલ્લાની તળેટીમાં જ આવેલું છે મંગલમૂર્તિનું ‘મંગલમય’ સ્થાનક. એટલે કે, મોતી ડૂંગરી ગણેશજીનું મંદિર. મોતી ડૂંગરી ગણેશજીના મંદિરને બહારથી નીહાળતા તો એમ જ લાગે કે જાણે કોઈ નાનકડો રાજમહેલ હોય. પણ, વાસ્તવમાં આ મંદિર એ નાગરશૈલી અને પાશ્ચાત્ય સ્થાપત્ય શૈલીનું મિશ્રિત સર્જન છે. મંદિર વધારે ભવ્ય તો નથી, પરંતુ, સુંદર ભાસે છે. અને એનાથીયે સુંદર તો છે મંદિરના ગર્ભગૃહમાં સિંહાસન પર આરૂઢ થયેલાં મોતી ડૂંગરી ગણેશજી.

અહીં સ્થાનકની મધ્યે વિઘ્નહર્તાનું અત્યંત મહાકાય રૂપ સ્થાપિત થયું છે. ભાગ્યે જ કોઈ મંદિર મધ્યે વક્રતુંડના આવાં વિશાળકાય રૂપના દર્શન થતાં હશે. મંગલમૂર્તિનું આ રૂપ ખૂબ જ વિશાળ અને માયા લગાવનારું છે. સિંહાસન પર આરૂઢ સિંદૂરી ગણેશજીનું રૂપ અત્યંત દિવ્ય ભાસે છે. તેમની આ દિવ્યતાથી ખેંચાઈને જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મોતી ડૂંગરીના સાનિધ્યે ઉમટી પડે છે.

મોતી ડૂંગરી ગણેશજીની મૂર્તિ લગભગ 500 વર્ષ પ્રાચીન મનાય છે. પ્રચલિત કથા કંઈક એવી છે, કે મેવાડના માવલીના રાજા ઘણાં વર્ષો બાદ તેમના મહેલે પરત ફરી રહ્યા હતાં. તે સમયે તેમણે ગુજરાતમાં એક ભવ્ય ગણેશ પ્રતિમાનું નિર્માણ કરાવ્યું. તે મૂર્તિને ગાડામાં સ્થાપિત કરી તેમણે નક્કી કર્યું, કે ગાડાના પૈડાં જ્યાં સૌથી પહેલાં થંભશે ત્યાં તે આ ભવ્ય ગણેશ પ્રતિમાનું સ્થાપન કરશે. કહે છે કે ગાડું સર્વ પ્રથમ જયપુરના એ જ ડુંગર પાસે આવીને અટક્યું કે જ્યાં આજે વિઘ્નહર્તા બિરાજમાન છે. આ ડુંગર તેના મોતી જેવાં આકારને લીધે મોતી ડૂંગરીના નામે ઓળખાતો. અને પછી તો તેમની જ ઈચ્છાથી અહીં વિદ્યમાન થયેલાં ગજાનન પણ મોતી ડૂંગરી ગણેશના નામે જ ખ્યાત બન્યા.

Know the glory of Moti Dungari Ganeshji of Jaipur this Ekdanta is pleased with the offerings of laddu

આ ગણેશજીને તો અત્યંત પ્રિય છે લાડુ !

ગજાનન ગણેશજીને લડ્ડુ અત્યંત પ્રિય હોવાનું તો સૌ કોઈ જાણે જ છે. અને એટલે જ જ્યારે પણ ભક્તો કોઈ ગણેશ મંદિરે જતાં હોય ત્યારે તેઓ લાડુ પ્રસાદ તો અચૂક તેમની સાથે લઈને જતા જ હોય છે. પણ દર વર્ષે ગણેશ ચતુર્થીના અવસર પર મોતી ડૂંગરીના સાનિધ્યે મેળો લાગે છે. જેમાં ભક્તો તેમની મનોકામનાપૂર્તિના ભાગ રૂપે વિઘ્નહર માટે લાડુ લઈને આવે છે. આ લાડુઓની સંખ્યા એટલી બધી હોય છે કે આખું મંદિર જ લાડુથી ભરાઈ જાય છે ! નાના, મોટા અને અત્યંત વિશાળ કદના લાડુ સૌ કોઈને દંગ કરી દે છે. વિશ્વમાં એક માત્ર મોતી ડૂંગરીમાં જ યોજાતા આ અનોખાં ઉત્સવને નિહાળવા ભક્તો સદૈવ આતુર રહેતા હોય છે.

માન્યતા અનુસાર મંદિરમાં જોવા મળતા લાડુની સંખ્યા અને તેના વિશાળ કદ જ એ અભિવ્યક્ત કરવા પૂરતાં હોય છે કે ગજાનને કેટલાં ભક્તોની મનોકામના અહીં પૂર્ણ કરી છે. અને એટલે જ તો ભક્તો વારંવાર મોતી ડૂંગરીના આશિષ લેવાં અહીં ઉમટી પડતા હોય છે.

 આ પણ વાંચો : દૂર્વા અર્પણ કરવા માત્રથી ગજાનન થઈ જાય છે પ્રસન્ન ! જાણો, કેમ વિનાયકને અત્યંત પ્રિય છે દૂર્વા ?

આ પણ વાંચો : શ્રીગણેશ કેમ કહેવાયા એકદંત ? જાણો ગજાનનના એકદંત બનવાની ચાર રોચક કથા

Click on your DTH Provider to Add TV9 Gujarati