સુરતમાં ડૉક્ટરે રિસેપ્શનિસ્ટ યુવતીની છેડતી કરતા પરિવારજનોએ ચેમ્બરમાં ઘુસીને માર્યો માર- જુઓ Video
સુરતના કાપોદ્રા વિસ્તારમાં વધુ એક છેડતીની ઘટના બની. ડૉક્ટર દ્વારા રિસેપ્સનિસ્ટ યુવતીની છેડતી કરવામાં આવી હોવાનો પીડિતાએ આક્ષેપ કર્યો. આ સાથે જ લોકો દ્વારા ડોક્ટરને તેની જ ઓફિસમાં ઘૂસીને આ મામલે માર મારવામાં આવ્યો. જે ઘટના સીસીટીવીમાં કેદ છે. સૌ પ્રથમ આપને CCTV બતાવીએ.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો કતારગામ વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક્સરે અને સોનોગ્રાફીમાં રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરે છે. યુવતી રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે. આ યુવતીએ સરથાણા વિસ્તારમાં ફ્લોરલ વુમન હોસ્પિટલ ચલાવતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર પ્રતીક માવાણી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. ડોક્ટર દ્વારા હાથ પકડી અને અભદ્ર રીતે સ્પર્શ કરી છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ડોક્ટર દ્વારા છેડતી કરવામાં આવી હોવાની બાબત યુવતીએ પોતાના પરિવારજનોને જણાવી હતી. ત્યારબાદ યુવતીના પરિવારજનો ડૉક્ટરની ઓફિસમાં આવ્યા હતા. છેડતી બાબતે પુછવામાં આવતા ડૉક્ટરે તમે રૂપિયા પડાવવા આવ્યા છો એવું કહેતા યુવતીના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને ડૉક્ટરને માર મારવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ. ડૉક્ટરને માર મારવાના પગલે માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.