Champions Trophy : ગોવામાં ભારત-બાંગ્લાદેશ મેચ પર સટ્ટો રમતા ત્રણ ગુજરાતીની પોલીસે કરી ધરપકડ
ગુરુવારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચ પર ગોવામાં સટ્ટો રમાઈ રહ્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસે એક ઘર પર દરોડા પડ્યા અને ઘટનાસ્થળેથી ત્રણ યુવાનોની ધરપકડ કરી. તેમની પાસેથી એક લેપટોપ અને ચાર મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત સાથે મેદાન પર બેટ અને બોલની જબરદસ્ત એક્શન શરૂ થઈ ગઈ છે. બધી ટીમો મજબૂત રમત રમીને ટાઈટલ જીતવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ આ સાથે ભારતમાં ઘણી જગ્યાએ સટ્ટાબાજીની ‘ગંદી રમત’ પણ શરૂ થઈ ગઈ છે. ગોવા પોલીસે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પર સટ્ટો લગાવવાનો પ્રયાસ કરતા ત્રણ યુવાનોની ધરપકડ કરી છે. પોલીસને માહિતી મળી હતી કે પણજી નજીક પિલાર્ન ગામમાં ભાડાના મકાનમાં કેટલાક યુવાનો ભારત-બાંગ્લાદેશ મેચ પર સટ્ટો રમી રહ્યા છે. માહિતી મળતા જ પોલીસે દરોડો પાડ્યો અને ઘટનાસ્થળેથી ત્રણ યુવાનોની ધરપકડ કરી હતી.
સટ્ટો રમતા ત્રણ યુવાનોની ધરપકડ
PTIના અહેવાલ મુજબ, ગુરુવારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ્યારે ભારત-બાંગ્લાદેશ મેચ ચાલી રહી હતી, ત્યારે પિલાર્ન ગામમાં ભાડાના બંગલામાં ત્રણ યુવાનો મેચ પર સટ્ટો રમતા પકડાયા હતા. દરોડા દરમિયાન પોલીસે રિઝવાન ભાશ (20), આસિફ ઝિયાઉદ્દીન (25) અને મકસૂદ મોદાન (28)ની ધરપકડ કરી હતી. ત્રણેય ગુજરાતના રહેવાસી છે.
ચાર મોબાઈલ અને એક લેપટોપ જપ્ત
શુક્રવારે સવારે એક પોલીસ અધિકારીએ આ સટ્ટાબાજી કેસ વિશે માહિતી આપી હતી. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર વિશ્વસનીય માહિતી મળ્યા બાદ પોલીસે ગોવામાં એક ઘર પર દરોડા પડ્યા અને ત્રણ યુવાનોની ધરપકડ કરી હતી. પોલીસે યુવકો પાસેથી એક લેપટોપ, ચાર મોબાઈલ ફોન અને એક રાઉટર જપ્ત કર્યું છે. જેની કિંમત 1.1 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (DICS) ખાતે રમાઈ હતી. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 49.4 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ પાંચ, હર્ષિત રાણાએ ત્રણ અને અક્ષર પટેલે બે વિકેટ લીધી. ભારતે 229 રનનો લક્ષ્યાંક 46.3 ઓવરમાં 21 બોલ બાકી રહેતા અને 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓપનર શુભમન ગિલે 129 બોલમાં 101 રનની અણનમ ઈનિંગ રમી હતી. હવે ટીમ ઈન્ડિયાનો બીજો મુકાબલો 23 ફેબ્રુઆરીએ દુબઈમાં જ પાકિસ્તાન સાથે થશે.
આ પણ વાંચો: IND vs PAK: ટીમ ઈન્ડિયા સામે પાકિસ્તાન આ ખેલાડીને કરશે બહાર ! જાણો ભારત સામે કેવી હશે પાકિસ્તાનની પ્લેઈંગ 11