Gujarat : હવે ગુજરાતી ભાષા ફરજીયાત ! શિક્ષણ પ્રધાન કૂબેર ડિંડોર વિધાનસભા ગૃહમાં રજૂ કરશે વિધેયક
રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર વિધાનસભા ગૃહમાં ફરજીયાત ગુજરાતી ભાષામાં શિક્ષણ અને અભ્યાસ બાબતનું બિલ રજૂ કરશે.
હવેથી જો તમારા બાળકોએ ગુજરાતમાં ભણવું હશે તો ફરજીયાત ભણવી પડશે ગુજરાતી ભાષા. રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર વિધાનસભા ગૃહમાં ફરજીયાત ગુજરાતી ભાષામાં શિક્ષણ અને અભ્યાસ બાબતનું બિલ રજૂ કરશે. જે અંતર્ગત ગુજરાતભરની તમામ શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ફરજીયાત ભણાવવું પડશે.રાજ્યમાં ચાલતી દરેક બોર્ડ સ્કૂલોને આ નિયમ લાગુ પડશે. 2023-24ના શૈક્ષણિક વર્ષથી ફરજિયાત ગુજરાતીનો નવો કાયદો લાગુ થશે. ગુજરાતીને વધારાની ભાષા તરીકે ભણાવવા સરકારે ઠરાવેલા પુસ્તકોનું અનુકરણ કરવુ પડશે.
ગુજરાતી નહીં ભણાવે તો દંડનીય કાર્યવાહી થશે
જો કોઈ વ્યાજબી કારણો હશે તો લેખિત વિનંતીના આધારે મુક્તિ અપાશે. જો કોઈ પણ શાળા ગુજરાતી નહીં ભણાવે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે સરકાર દ્વારા શાળાઓને ગુજરાતી ભાષા ફરજીયાત ભણાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જે બાદ પણ કેટલીક શાળાઓ ગુજરાતી ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી, પરંતુ હવે વિધાનસભામાં બિલ પસાર થાય બાદ આ મુદ્દે કાયદો બની જશે અને ગુજરાતી નહીં ભણાવનારી શાળાઓ સામે કાર્યવાહી કરાશે.
બિલમાં અનેક મહત્વની જોગવાઇઓ કરવામાં આવી
આપને જણાવી દઈએ કે, ગુજરાતીમાં ફરજીયાત અભ્યાસ અંગેના બિલમાં અનેક મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ વખત નિયમનો ભંગ કરનારી શાળાઓને 50 હજારનો દંડ ફટકારવામાં આવશે. બીજી વખત નિયમનો ભંગ કરવામાં આવશે તો 1 લાખનો દંડ કરવામાં આવશે. ત્રીજી વખત નિયમનો ભંગ થશે તો શાળાને 2 લાખનો દંડ કરાશે. અને જો ત્રણથી વધુ વખત નિયમોનો ભંગ કરવામાં આવશે તો જે-તે શૈક્ષણિક સંસ્થાની માન્યતા જ રદ્દ કરવામાં આવશે.