નવરાત્રી (Navratri) દરમિયાન આદ્યશક્તિના પૂજન અને તેમની ઉપાસનાનો મહિમા છે. માઈ ભક્તો 9 દિવસ દેવીનું અનુષ્ઠાન કરતા હોય છે. નિત્ય દેવીની પૂજા કરતા હોય છે. લોકો 9 દિવસ દેવીની ઉપાસના કરે છે. ત્યારે દેવીના પૂજન પહેલાં, દેવીના અનુષ્ઠાન પૂર્વે ખાસ તૈયારી પણ કરવી પડતી હોય છે. કેટલીક ખાસ સામગ્રીની જરૂર પણ પડતી હોય છે. ત્યારે આજે આ જ પૂજાની સામગ્રીની આપણે વાત કરીશું. જાણીશું કે સ્થાપન પૂર્વે કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે ? કઈ કઈ વસ્તુઓની તૈયારી કરવી જોઈએ ? આવો જાણીએ કે દેવીના સ્થાપન પૂર્વે, દેવીના અનુષ્ઠાન પૂર્વે શું કરશો તૈયારી.
પૂજન પૂર્વે શું તૈયારી કરશો ? દેવી ઉપાસનામાં તેમના નિત્ય થતાં પૂજનનું વિશેષ મહત્વ છે. તે માટે પહેલેથી જ સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઈએ. 1. મા દુર્ગાની એક તસવીર કે મૂર્તિની સ્થાપના માટે તૈયાર કરી લેવી. 2.જે સ્થાન પર સ્થાપન કરવાનું છે ત્યાં પાથરવા માટે લીલા રંગનું કપડું તૈયાર રાખવું. 3. દેવીને અર્પણ કરવા માટે લાલ રંગની સાડી કે ચુંદડી ખરીદી લેવી. 4. માને અર્પણ કરવા પુષ્પ કે પુષ્પ માળા તૈયાર રાખવી. 5. નાડાછડી, ચોખા, લવિંગ, એલચી, પાન, સોપારી અને કપુર જેવી પૂજનની સામગ્રી સાથે રાખવી. 6.સ્થાપન દરમિયાન અખંડ દીપ પ્રજવલ્લિત કરવા માટે દીવો અને ઘી તૈયાર રાખવા.
માતાને શૃંગારમાં શું કરશો અર્પણ ? માતાને અર્પણ કરવા માટે લાલ સાડી કે લાલ રંગની ચુંદડી તૈયાર કરી લેવી. ત્યારબાદ તમામ સૌભાગ્ય દ્રવ્યો પણ તૈયાર રાખવા. જેમકે બંગડી, સિંદુર, ચાંદલા, કાજલ, મહેંદી, મંગળસૂત્ર વગેરે.
અનુષ્ઠાનમાં કળશની સ્થાપના માટે કઈ વસ્તુઓની પડશે જરૂર ? કળશની સ્થાપના માટે સૌથી પહેલાં એક કળશ અને નારિયેળ લો. કળશ કોઈ ધાતુ કે માટીનો પણ આપ લઈ શકો છો. તેને બાંધવા માટે નાડાછડી પણ સાથે રાખો. કળશમાં ભરવા માટે ગંગાજળ કે શુદ્ધ જળ લેવું. ત્યારબાદ કેસર, જાયફળ જેવા દ્રવ્યોનો પણ ઉપયોગ થતો હોય છે. કળશના પૂજન માટે કંકુ લેવું. કળશની નીચે રાખવા માટે ઘઉં કે ચોખા પણ લેવાં.
જવારા માટે કઈ કઈ વસ્તુઓની પડશે જરૂર ? જવારા એ તો સ્વયં દેવીનું સ્વરૂપ મનાય છે ! ત્યારે જવારા વાવવા માટે પણ ખાસ તૈયારી કરવાની હોય છે. સૌપ્રથમ જવારા વાવવા માટે એક માટીનું વાસણ લેવું. સ્વચ્છ માટી અને શુદ્ધ જળ લેવું. જ્યારે વાવવા માટે ઘઉં કે જુવાર જેવા અનાજનો ઉપયોગ કરવો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ પુષ્પથી પ્રસન્ન થશે આદ્યશક્તિ ! જાણો દેવીના કયા રૂપને કયુ પુષ્પ કરશો અર્પણ આ પણ વાંચોઃ નવરાત્રી એટલે આદ્યશક્તિના નવ રૂપની આરાધનાનો અવસર ! જાણો કયા દિવસે દેવીના કયા રૂપની કરશો ઉપાસના