Paris Olympics 2024 : શું વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે? સ્પોર્ટ્સ કોર્ટમાં પહોંચ્યો મામલો, આજે આવશે નિર્ણય
Paris olympics 2024 : કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકની ફાઈનલમાંથી અયોગ્ય ઠેરવવા સામે સ્પોર્ટ્સ કોર્ટમાં અપીલ કરી છે. વધારે વજનના કારણે તેને ફાઈનલ પહેલા ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. આ અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) આજે પોતાનો નિર્ણય આપશે.
Paris Olympics 2024 માં મેડલ જીતવાની દાવેદાર રહેલી ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટે રમતની સર્વોચ્ચ અદાલતમાં પોતાની ગેરલાયકાત સામે અપીલ કરી છે. વિનેશે મહિલા કુસ્તીની 50 કિગ્રા વર્ગની ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું. જેની ફાઈનલ 7 ઓગસ્ટ બુધવારના રોજ રમવાની હતી, પરંતુ ફાઈનલ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેને અયોગ્ય ઠેરવવામાં આવી હતી.
આ કારણે તે માત્ર ફાઈનલમાંથી જ નહીં પરંતુ સમગ્ર મેડલની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. વિનેશ ફોગાટે હજુ પણ હાર માની નથી. તેમણે આ નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે.
વિનેશ ફોગાટે આ નિર્ણય સામે અપીલ કરી હતી
વિનેશ ફોગાટે અયોગ્યતા સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી છે. વિનેશે પહેલા ફાઈનલ માટે ફરીથી આવવાની અપીલ કરી અને પછી તેમાં ફેરફાર કરીને સિલ્વર મેડલ વહેંચવાની માગ કરી. આ દરમિયાન CAS એ મેલનો જવાબ આપ્યો છે. CAS હવે આ મામલે પોતાનો નિર્ણય ગુરુવારે આપશે. મતલબ કે વિનેશ ફોગાટ ઓછામાં ઓછું સિલ્વર મેડલ અપાવવા માગે છે. જો CAS વિનેશની તરફેણમાં ચુકાદો આપે છે તો IOC વિનેશને સિલ્વર મેડલ આપવો પડશે.
વિનેશ ફોગાટે અગાઉ ફાઈનલ મેચ રમવાની માગ કરી હતી પરંતુ તેણે ફાઇનલમાં સામેલ કરવાની અપીલ પર સીએએસએ કહ્યું કે, તે ફાઈનલને રોકી શકે નહીં. જેના પછી ફોગાટે સંયુક્ત સિલ્વર મેડલની માગ કરી છે. હવે CASએ કહ્યું છે કે, તે 8 ઓગસ્ટ ગુરુવારે તેનો વચગાળાનો નિર્ણય આપશે.
CAS શું છે?
CAS એ રમતગમતના વિવાદોના ઉકેલ માટે 1984માં સ્થાપિત એક સ્વતંત્ર સંસ્થા છે. તેનું વડુમથક સ્વિટ્ઝર્લેન્ડના લૌસનેમાં છે અને તેની કોર્ટ ન્યૂયોર્ક સિટી અને સિડનીમાં છે, જ્યારે ઓલિમ્પિકના યજમાન શહેરોમાં કામચલાઉ કોર્ટની સ્થાપના કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વિનેશ ફોગાટે પેરિસમાં જ અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે CAS કોઈપણ રમત સંગઠનથી સ્વતંત્ર છે. CAS ઘણા રમત વિવાદોમાં અંતિમ નિર્ણય ધરાવે છે. કેટલાક સંજોગોમાં સ્વિટ્ઝર્લેન્ડની ફેડરલ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવે છે.