WI vs IND: ભારતીય સુકાની રોહિત શર્માની કમાલની બેટિંગ વડે નોંધાવ્યો રેકોર્ડ, જયવર્ધનેને પાછળ છોડ્યો!
India Vs West Indies: ભારતીય સુકાની રોહિત શર્માએ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલ ટેસ્ટની બંને ઈનીંગમાં અડધી સદી નોંધાવી હતી. સુકાનીએ ડોમિનિકામાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સદી નોંધાવી હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પોર્ટ ઓફ સ્પેનમાં સિરીઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચનુ પરિણામ અંતિમ દિવસે સામે આવશે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે ભારતને નિમંત્રણ આપ્યુ હતુ. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનીંગમાં 438 રન નોંધાવ્યા હતા. જ્યારે બીજી ઈનીંગમાં 181 રન બે વિકેટના નુક્શાન પર નોંધાવીને દાવ ડિક્લેર કરી દીધો હતો. રોહિત શર્માએ બંને ઈનીંગમાં અડધી સદી નોંધાવી હતી.
સુકાની રોહિત શર્માએ પ્રથમ ઈનીંગમાં શાનદાર 80 રન નોંધાવ્યા હતા. જ્યારે બીજી ઈનીંગમાં તોફાની અડધી સદી નોંધાવી હતી. અંતિમ દિવસે હવે વરસાદનુ વિઘ્ન નહીં નડે તો વેસ્ટ ઈન્ડિઝને તેના જ ઘરમાં ક્લીન સ્વિપ કરાશે. ભારતીય સુકાનીએ કેરેબિયન પ્રવાસમાં બંને ટેસ્ટ મેચમાં સારી બેટિંગ કરી છે. સિરીઝમાં સૌથી વધુ રન નોંધાવનારા બેટરમાં તેનુ નામ નોંધાયુ છે.
રોહિતની બેટિંગ કમાલની રહી
છેલ્લા 29 મહિનાથી ટેસ્ટ ક્રિકેટમાં જોવામાં આવી રહ્યુ છે કે, રોહિત શર્માની બેટિંગ સારી રહી છે. તેની બેટિંગ ખાસ રહી છે. અંતિમ 29 મહિનામાં એક પણ વાર રોહિત શર્મા સિંગલ ડિઝિટ પર પોતાની વિકેટ ગુમાવી નથી. વર્ષ 2021 ના ફેબ્રુઆરી મહિનાથી રોહિત શર્મા ટેસ્ટમાં બેટિંગ કરતા 2 આંકડાનો સ્કોર જરુર નોંધાવવામાં સફળ રહ્યો છે. તે અડધી સદી અને સદી પણ આ દરમિયાન નોંધાવી ચૂક્યો છે.
2021 થી અત્યાર સુધીમાં 30 ઈનીંગ રોહિત રમી ચુક્યો છે અને એક પણ વાર તે સિંગલ ડિઝિટમાં પેવેલિયન પરત ફર્યો નથી. આ મામલામાં હવે શ્રીલંકાના માહેલા જયવર્ધનેને પાછળ છોડી દીધો છે. જેણે આ કામ 29 ઈનીંગ રમીને કર્યુ હતુ.
બંને ઈનીંગમાં અડધી સદી
ઓપનર રોહિત શર્માએ પ્રથમ ઈનીંગ દરમિયાન પોર્ટ ઓફ સ્પેનમાં અડધી સદી નોંધાવી હતી. તેણે 143 બોલનો સામનો કરીને 80 રન નોંધાવ્યા હતા. રોહિત શર્માની બેટિંગ જોતા એક સમયે વધુ એક સદી કેરેબિયન પ્રવાસમાં નોંધાવાની આશા હતી. પરંતુ રોહિત બોલ્ડ થઈને પરત ફર્યો હતો. બીજી ઈનીંગમાં 44 બોલનો સામનો કરીને રોહિત શર્માએ 57 રન નોંધાવ્યા હતા. રોહિત શર્માએ બીજી ઈનીંગ આક્રમક બેટિંગ કરતા 3 છગ્ગા અને 5 ચોગ્ગા નોંધાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાના સુકાની અને ઓપનર રોહિત શર્માએ ડોમિનિકામાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 103 રન નોંધાવ્યા હતા. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની શાનદાર ભાગીદારી રમતને લઈ ભારતીય ટીમ એક ઈનીંગથી જીત મેળવવામાં સફળ રહી હતી.