Dharoi Dam: ધરોઈ ડેમ એલર્ટ સ્ટેજ નજીક પહોંચ્યો, સાબરમતીમાં આવકમાં થયો સતત વધારો, દાંતીવાડા, વાત્રક અને ગુહાઈમાં નોંધાઈ આવક
Dam Water Level: ઉત્તર ગુજરાતના જળાશયોમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા પાણીની આવક નોંધાઈ છે. ઉપરવાસમાં વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પાણી આવતા જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં વરસાદને પગલે સાબરમતી નદીમાં નવા પાણીની આવકમાં વધારો નોંધાયો છે.
ઉત્તર ગુજરાત અને ઉપરવાસમાં વરસાદને પગલે સાબરમતી નદીમાં નવા પાણીની આવકમાં વધારો નોંધાયો છે. રવિવારે સાંજે 7 કલાકથી સતત પાણીની આવક નોંધપાત્ર રહી છે. જેને લઈ ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. અરવલ્લી જિલ્લાના વાત્રક અને સાબરકાંઠાના ગુહાઈ તેમજ હાથમતી જળાશયમાં પણ પાણીની આંશિક આવક નોંધાઈ છે. દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક નોંધાતા ડેમ હવે છલોછલ થવા તરફ છે.
છેલ્લા બે ત્રણ દિવસથી ધરોઈ ડેમની આવકમાં વધારો થયો છે. ડેમની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વધારો થયો છે. સોમવારે સવારે પણ પાણીની આવક નોંધપાત્ર રહેવાને લઈ હવે ડેમ વોર્નિંગ સ્ટેજથી ટૂંક સમયમાં જ એલર્ટ સ્ટેજમાં પહોંચી જશે. આમ સાબરમતીના નદી કાંઠાના જિલ્લા અને મામલતદાર કચેરીઓને આ અંગેની જાણકારી આપી એલર્ટ રહેવા માટે સૂચના કરાશે.
ધરોઈ ડેમ એલર્ટ સ્ટેજ નજીક
પાણીની આવકમાં વધારો થવાને લઈ હવે ધરોઈ ડેમની સપાટી 616.20 ફૂટ પર પહોંચી છે. આમ રુલ લેવલથી વર્તમાન જળ સપાટી માત્ર પોણા બે ફૂટ દૂર છે. આમ દરવાજા ખોલવાની સ્થિતિની નજીક જળ સપાટી પહોંચવા આગળ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલી આવક આગામી 24 થી 48 કલાક આમ જ વધતી રહેશે, તો ધરોઈ ડેમ રુલ લેવલ પર પહોંચી શકે છે. ઉપરવાસ રાજસ્થાન વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાવાને લઈ પાણીની આવકમાં વધારો નોંધાયો છે. અંતિમ 24 કલાક દરમિયાન ધરોઈ ડેમ નજીકના સતલાસણા વિસ્તારમાં પણ અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.
હાલમાં ધરોઈ ડેમનો જળ સંગ્રહ 78.33 ટકા સવારે 8 કલાક સુધી નોંધાયેલો છે. આમ જળ સંગ્રહની સ્થિતિ 80 ટકા એ પહોંચતા જ તે એલર્ટ સ્ટેજ પર પહોંચશે. આમ 80 ટકા જળ જથ્થો થવાને લઈ નદી કાંઠા વિસ્તારના જિલ્લાઓને સૂચનાઓ જારી કરવામાં આવશે. જે સૂચના ડેમની સ્થિતિને લઈ આપવામાં આવશે. વધુ પાણીની આવક વધવા લાગે તો, નદી કાંઠા વિસ્તારના લોકોને સાવચેતી જાળવવા માટે જણાવવામાં આવી શકે છે.
ધરોઈ ડેમની વર્તમાન સ્થિતિ (સવારે 09.00 કલાક મુજબ)
- હાલની સપાટી-616.20
- રુલ લેવલ-618.04
- મહત્તમ સપાટી-622.04
- હાલની જળસંગ્રહ સ્થિતી-78.33
દાંતીવાડા ડેમની સ્થિતિ
બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા ડેમમાં પાણીની આકમાં વધારો થયો છે. સોમવારે સવારે 1800 ક્યુસેકની આવક હતીએ સવારે 7 કલાકે વધીને 2702 ક્યુસેક થઈ છે. દાંતીવાડા ડેમમાં પણ સતત આશિંક આવક નોંધાવાને લઈ ડેમના જળસંગ્રહમાં વધારો થયો છે. દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 86.34 ટકા છે. જે 90 ટકાએ પહોંચતા ડેમ હાઈ એલર્ટ સ્ટેજમાં પહોંચશે. ડેમનુ જળસ્તર 182.59 મીટર છે. જ્યારે રુલ લેવલ 182.50 મીટર છે. આમ હવે ડેમમાં વધુ આવક વધવાની સ્થિતિમાં પાણી બનાસ નદીમાં છોડવાનો નિર્ણય લઈ શકાય છે. જોકે હાલ તો ડેમ ભરાઈ જવાને લઈ રાહત સર્જાઈ છે.
વાત્રક, હાથમતી અને ગુહાઈમાં આવક નોંધાઈ
અરવલ્લીના વાત્રક ડેમમાં સોમવારે સવારે આવક નોંધાઈ છે. વાત્રક ડેમમાં સવારે 6 કલાકથી આવકની શરુઆત થઈ હતી. શરુઆતમાં 640 ક્યુસેક અને બાદમાં 1520 ક્યુસેક આવકની શરુઆત થઈ હતી. સવારે 9 કલાકની સ્થિતિ મુજબ વાત્રક ડેમ હાલમાં 48.88 ટકા ભરાયેલો છે. ડેમની વર્તમાન જળ સપાટી 132.32 મીટર છે, જ્યારે રુલ લેવલ 134.50 મીટર છે.
હાથમતી જળાશયમાં 250 ક્યુસેક આવક નોંધાઈ હતી. જ્યારે સવારે 9 કલાકે તે આવક 125 ક્યુસેક થઈ હતી. જળાશયમાં જળસંગ્રહ 41.82 ટકા નોંધાયો છે. હાલની જળ સપાટી 178.13 મીટર પહોંચી છે. જ્યારે સંપૂર્ણ સપાટી 180.75 મીટર છે. ગુહાઈમાં 100 ક્યુસેક આવક નોંધાઈ છે. ગુહાઈ ડેમનો જળ સંગ્રહ 52.22 ટકા નોંધાયો છે.