Champions Trophy : PCB બોસ મોહસીન નકવી ચેમ્પિયન્સ ટ્રોફી પર ખોટું બોલ્યા? ટૂર્નામેન્ટની તૈયારીઓ પર ઉઠયા સવાલ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફી માટે 3 સ્થળો નક્કી કર્યા છે, જે લાહોર, રાવલપિંડી અને કરાચીના સ્ટેડિયમ છે. આ સ્થળો પર નવા બાંધકામ અને સમારકામનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે, જેના માટે ICCએ 31 ડિસેમ્બરની સમયમર્યાદા આપી છે. જેને હવે બહુ ઓછો સમય આકી છે. આ બધા વચ્ચે ઈન્ટરનેટ પર વાયરલ થયેલ સ્ટેડિયમની એક તસવીરે પાકિસ્તાનના જુઠ્ઠાણાની પોલ ખોલી નાખી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને છેલ્લા ઘણા અઠવાડિયાથી મડાગાંઠ ચાલી રહી છે. PCB દ્વારા આયોજિત થનારી આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન જવાના ઈન્કારને કારણે આ સંઘર્ષ ચાલી રહ્યો છે. જો કે, હવે એક ઉકેલ મળી ગયો છે અને હાઈબ્રિડ મોડલ પર સર્વસંમતિ સધાઈ છે. એટલે કે ટીમ ઈન્ડિયા પોતાની મેચ પાકિસ્તાનની બહાર રમશે. જ્યારે ICCએ આ ઉકેલથી રાહતનો શ્વાસ લીધો છે, ત્યારે પાકિસ્તાન તરફથી આવી રહેલી તસવીરે કદાચ તેના તણાવમાં વધારો કર્યો છે. આ તસવીર એવા સ્ટેડિયમની છે જે હજુ સુધી તૈયાર નથી થયું, જેના કારણે સવાલો ઉઠી રહ્યા છે કે શું PCB ટૂર્નામેન્ટનું આયોજન કરી શકશે?
સ્ટેડિયમને લઈ સવાલો ઉભા થયા
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ટુર્નામેન્ટ માટે લાહોર, રાવલપિંડી અને કરાચીને સ્થળ બનાવ્યા છે. ટૂર્નામેન્ટને જોતા પાકિસ્તાની બોર્ડે ત્રણેય સ્ટેડિયમને રિપેર કરીને તેને આધુનિક લુક આપવાનો નિર્ણય લીધો હતો, જેના માટે તે કરોડો રૂપિયા ખર્ચી રહ્યો છે. આ માટે તેને ICC તરફથી 31મી ડિસેમ્બરની ડેડલાઈન પણ મળી છે, જેના કારણે કામ સતત ચાલી રહ્યું છે. આમાં સૌથી મહત્વપૂર્ણ લાહોરનું ગદ્દાફી સ્ટેડિયમ છે, જ્યાં પાકિસ્તાની બોર્ડનું હેડક્વાર્ટર પણ આવેલું છે, પરંતુ હવે આ સ્ટેડિયમને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.
16 days to go to the ICC’s deadline, this is the Gaddafi Stadium in Lahore, apparently 90% complete. Do we think it’ll be done on time? pic.twitter.com/fZGrKjteUz
— Aatif Nawaz (@AatifNawaz) December 18, 2024
PCB બોસ સ્ટેડિયમ વિશે ખોટું બોલ્યા?
પાકિસ્તાની બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ હાલમાં જ દાવો કર્યો હતો કે સ્ટેડિયમ તૈયાર કરવાનું લગભગ 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તાજેતરની તસવીરે આ દાવા પર સવાલો ઉભા કર્યા છે. પાકિસ્તાની મૂળના અંગ્રેજ કોમેન્ટેટર આતિફ નવાઝે 18 ડિસેમ્બરના રોજ ગદ્દાફી સ્ટેડિયમનો ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં સ્ટેડિયમના મોટા ભાગોમાં હજુ પણ બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. વર્તમાન પરિસ્થિતિમાં આ કામ 31મી ડિસેમ્બરની સમયમર્યાદા સુધીમાં પૂર્ણ થશે કે કેમ તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. સવાલ એ પણ ઉઠે છે કે શું મોહસીન નકવીએ 90 ટકા કામ પૂરું થઈ ગયું હોવાનો ખોટો દાવો કર્યો હતો?
શું સ્ટેડિયમ સમયસર તૈયાર થશે?
હવે નજર એ રહેશે કે પાકિસ્તાની બોર્ડ સમયસર કામ પૂરું કરી શકશે કે કેમ? અને જો આવું ન થાય તો ICC તેના પર કોઈ પગલાં લેશે કે નહીં? જ્યાં સુધી ટૂર્નામેન્ટના આયોજનની વાત છે, ગુરુવારે 19 ડિસેમ્બરે ICCએ એક મોટી જાહેરાત કરી અને હાઈબ્રિડ મોડલને મંજૂરી આપી. આ મુજબ 2028 સુધી ભારત અને પાકિસ્તાનમાં રમાનારી તમામ ICC ટૂર્નામેન્ટમાં તટસ્થ સ્થળોની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે કે ભારત અને પાકિસ્તાન એકબીજાના દેશમાં કોઈ મેચ રમશે નહીં.
આ પણ વાંચો: ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના કારણે પૃથ્વી શો ડ્રોપ થયો? ટીમમાંથી બહાર થવાનું સાચું કારણ સામે આવ્યું