ઈશાન કિશન T20 વર્લ્ડ કપ પણ નહીં રમે ! ટીમમાંથી બહાર થવાનું આ છે કારણ
લગભગ 3 વર્ષ પહેલા ઈશાન કિશને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું અને ત્યારથી તેને ભવિષ્યનો સ્ટાર માનવામાં આવી રહ્યો હતો. જો કે, ટીમમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે રિષભ પંત, સંજુ સેમસન અને કેએલ રાહુલ સ્પર્ધામાં હતા છતાં ઈશાને પોતાની અલગ પહેચાન બનાવી. તેમ છતાં ટીમમાં તેનું સ્થાન ક્યારેય નિશ્ચિત ન રહ્યું, આવું ફરી એકવાર થયું છે અને હવે વર્લ્ડ કપ ગુમાવવાનો વારો આવ્યો છે.
બાંગ્લાદેશ સામે 126 બોલમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચનાર ઈશાન કિશન એ મેચ બાદ બીજી મેચમાં પ્લેઈંગ 11માં સથાં ન મળ્યું, જે બાદ તે સતત ટીમ ઈન્ડિયા તરફથી રમતો રહ્યો, પરંતુ તેનું થયાં ક્યારેય નિશ્ચિત ન રહ્યું. આવું ફરી એકવાર થયું છે, જેના કારણે હવે ઈશાન કિશનના T20 વર્લ્ડ કપમાં રમવઆ અંગે ફરી પ્રશ્નાર્થ ઊભા થયા છે.
અફઘાનિસ્તાન સામે T20 શ્રેણીમાં કિશનને તક ન મળી
BCCIએ 7 જાન્યુઆરીના દિવસે અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. જેમાં સિનિયર ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીની T20 ટીમમાં વાપસી થઈ હતી પરંતુ ઈશાન કિશનને સ્થાન આપવામાં આવ્યું ન હતું. જે બાદ હવે તેની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી પર સંકટના વાદળો ઘેરાયા છે.
આફ્રિકામાં પ્લેઈંગ 11માંથી બહાર રહ્યો
વર્લ્ડકપ બાદ ઈશાને ઓસ્ટ્રેલિયા સામે T20 સિરીઝની પ્રથમ 3 મેચમાં 2 અડધી સદી ફટકારી હતી અને ત્યારબાદ તેને આગામી 2 મેચોમાં આરામ આપવામાં આવ્યો હતો. જે બાદ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર તેને ત્રણેય T20 મેચમાં બેન્ચ પર બેસવું પડ્યું અને હવે તે ટીમનો ભાગ પણ નથી. હવે સવાલ એ છે કે ઈશાન કિશનના પ્લેઈંગ 11 અને ટીમ ઈન્ડિયામાંથી બહાર થવાનું કારણ શું છે?
માનસિક થાક અને ક્રિકેટમાંથી બ્રેક
ODI વર્લ્ડ કપની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ ચર્ચા હતી કે ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ ઈશાન કિશનને T20 ફોર્મેટમાં નંબર ત્રણ બેટ્સમેન તરીકે વિચારી રહ્યું છે. આવી સ્થિતિમાં તેને પસંદ ન કરવો આશ્ચર્યજનક છે. વાસ્તવમાં તેનું કારણ છેલ્લા એક વર્ષની સ્થિતિ છે. ઈશાન કિશને ગયા મહિને અચાનક જ ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ઈશાને ખરેખર માનસિક થાકને કારણે ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો હતો.
ટીમમાં પસંદગી, પ્લેઈંગ-11માંથી બહાર
આ થાકનું કારણ પણ એ જ વર્તન છે જેમાંથી તેને પસાર થવું પડ્યું છે. BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે ઈશાન ટીમમાં પોતાના સ્થાનથી ખુશ નથી. ઈશાનનું દુ:ખ એ હતું કે તેને લગભગ દરેક શ્રેણી અને દરેક પ્રવાસ માટે પસંદ કરવામાં આવી રહ્યો હતો પરંતુ તેને રમવાની માત્ર થોડી જ તકો મળી રહી હતી. આ કારણોસર તેણે અચાનક બ્રેક લેવાનું નક્કી કર્યું અને હાલમાં તે રજા લઈને સમય પસાર કરી રહ્યો છે.
સ્પર્ધા વધી, તકો ઘટી
ઈશાન છેલ્લા ત્રણ વર્ષથી વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે પરંતુ તેના માટે સતત સ્પર્ધા રહી છે. રિષભ પંત સાથે આ સ્પર્ધા પહેલાથી જ હતી અને પછી અચાનક કેએલ રાહુલે પણ વિકેટકીપર-બેટ્સમેન તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. બીજી તરફ ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ સારું પ્રદર્શન કરી રહ્યા છે, એવામાં ઈશાન માટે સ્પર્ધા વધી ગઈ.
શું ઈશાન માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ?
આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું ઈશાન માટે ટીમ ઈન્ડિયાના દરવાજા બંધ છે? શું ઈશાન હવે T20 વર્લ્ડ કપ 2024માં નહીં રમે? આનો જવાબ હજુ આપી શકાય તેમ નથી, પરંતુ ઈશાનનું આ વલણ BCCIને ચોક્કસથી પસંદ નહીં આવ્યું હોય. આવી સ્થિતિમાં ઈશાનની T20 વર્લ્ડ કપમાં સ્થાન મળવાની શક્યતા ઓછી જણાઈ રહી છે.
આ પણ વાંચો : રોહિત શર્માની T20 ટીમમાં કપ્તાન તરીકે વાપસી, આ ગુજ્જુ ખેલાડીનું સપનું થશે ચકનચૂર!