મેચ ફિક્સિંગ પર ICCની મોટી કાર્યવાહી, બે ખેલાડીઓ પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ફરી એકવાર ફિક્સિંગને લઈને મોટી કાર્યવાહી કરી છે. ICCએ બે ખેલાડીઓ પર 5 વર્ષ માટે ક્રિકેટ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. એક ક્રિકેટર ICC ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાની કલમ 2.1.1નો ભંગ કરવા બદલ દોષિત ઠર્યો છે.
ક્રિકેટ જગતમાં ફરી એકવાર ફિક્સિંગનો મામલો સામે આવ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે એક સાથે બે અલગ-અલગ લીગમાં ફિક્સિંગના કારણે ICCએ મોટી કાર્યવાહી કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટર સિવાય ICCએ પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડી પર 5 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આ બંને કિસ્સા કાબુલ પ્રીમિયર લીગ અને અબુ ધાબી T10 લીગથી પ્રકાશમાં આવ્યા છે.
ICC ભ્રષ્ટાચાર વિરોધી કલમ 2.1.1નો ભંગ
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મેચ ફિક્સિંગના આરોપમાં અફઘાનિસ્તાનના ટોપ ઓર્ડર બેટ્સમેન ઈહસાનુલ્લાહ જનાત પર 5 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. આ વર્ષની શરૂઆતમાં કાબુલ પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ દરમિયાન ઈહસાનુલ્લાહ જનાતે ACB અને ICCના ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાનું ઉલ્લંઘન કર્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ACBએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જનાત ICC ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાની કલમ 2.1.1નો ભંગ કરવા બદલ દોષિત ઠર્યો છે અને તેના પર પાંચ વર્ષ માટે ક્રિકેટ સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેણે આરોપો સ્વીકારી લીધા છે અને ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની કબૂલાત કરી છે.
અફઘાન ક્રિકેટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એમ પણ કહ્યું છે કે ACBની ભ્રષ્ટાચાર વિરોધી એકમ ભ્રષ્ટ પ્રવૃત્તિઓ માટે અન્ય ત્રણ ખેલાડીઓની પણ તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં જો આ ખેલાડીઓ સામે આરોપો ઘડવામાં આવે છે તો તેમના પર પ્રતિબંધ પણ લાગી શકે છે. ઈહસાનુલ્લાહ જનાતની વાત કરીએ તો તે અફઘાનિસ્તાન માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે. આ 26 વર્ષીય બેટ્સમેને અફઘાનિસ્તાન માટે 3 ટેસ્ટ, 16 ODI અને એક T20 મેચ રમી છે.
અબુ ધાબી લીગમાં કોના પઆર થઈ કાર્યવાહી?
પુણે ડેવિલ્સ ટીમના બેટિંગ કોચ અશર ઝૈદી અને ડેવિલ્સના સહ-માલિકો પરાગ સંઘવી અને કૃષ્ણ કુમાર ચૌધરીને 2021 અબુ ધાબી T10 લીગમાં ભ્રષ્ટ પ્રવૃત્તિઓ કબૂલ્યા બાદ ICC દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અશર ઝૈદી પર પાંચ વર્ષ માટે તમામ ક્રિકેટ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય અમીરાત ક્રિકેટ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી કોડના બે ઉલ્લંઘનને સ્વીકાર્યા બાદ સંઘવી અને ચૌધરીને બે વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ઝૈદી, સંઘવી અને ચૌધરી એ આઠ લોકોમાં સામેલ છે જેમના પર સપ્ટેમ્બર 2023માં અમીરાત બોર્ડ વતી ICC દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: IND vs SL: 45 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ જોયા આટલા ખરાબ દિવસ, રોહિત-ગંભીરે કલ્પના પણ નહીં કરી હોય