Ashes 2021: એશિઝ ડે-નાઇટ ટેસ્ટ પર કોરોનાનો પડછાયો, ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ બહાર, સ્ટિવ સ્મિથ સંભાળશે જવાબદારી
સ્ટીવ સ્મિથ (Steven Smith) પહેલા પણ સુકાની રહી ચૂક્યો છે અને હવે ફરી એકવાર આ જવાબદારી તેના ખભા પર આવી ગઈ છે. આ શ્રેણી પહેલા તેને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia vs England) વચ્ચે એશિઝ સિરીઝ-2021 (Ashes Series 2021) ની બીજી ટેસ્ટ મેચ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે, પરંતુ આ મેચ શરૂ થતા પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ ડે-નાઈટ ફોર્મેટમાં એડિલેડ (Adelaide) માં રમાવાની છે. પરંતુ તે પહેલા બુધવારે રાત્રે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ (Australian Cricket Team) ના કેપ્ટન પેટ કમિન્સ (Pat Cummins) રેસ્ટોરન્ટમાં એક કોરોના સંક્રમિત વ્યક્તિના નજીકના સંપર્કમાં આવ્યો હતો. આમ તેને ક્લોઝ કોન્ટેક્ટ તરીકે ઓળખ કરવામાં આવી હતી.
આ કારણે તે આ મેચમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું છે કે કમિન્સ એડિલેડની એક રેસ્ટોરન્ટમાં ભોજન કરી રહ્યો હતો, તે દરમિયાન તેની બાજુના ટેબલ પર બેઠેલી વ્યક્તિ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
કમિન્સ તરત જ રેસ્ટોરન્ટમાંથી નીકળી ગયા અને અધિકારીઓને જાણ કરી. તેના સ્થાને સ્ટીવ સ્મિથ (Steven Smith) ને ફરી એકવાર ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમનું સુકાની બનવાની તક મળી છે. તે જ સમયે, મિશેલ નાસરને તેની ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી છે.દક્ષિણ ઓસ્ટ્રેલિયાના આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે કમિન્સ તે વ્યક્તિના નજીકના સંપર્કમાં હતા અને તેથી તેને સાત દિવસ માટે આઇસોલેશનમાં રહેવાની જરૂર છે.
CONFIRMED: Pat Cummins has been ruled out of the Adelaide Test.
Steve Smith will captain.
Michael Neser will debut. #Ashes
— cricket.com.au (@cricketcomau) December 16, 2021
ટેસ્ટ નેગેટિવ આવ્યો
જ્યારે કમિન્સને આ વાતની ખબર પડી તો તે તરત જ આ અંગે ગંભીર બની ગયો. તેનો પીસીઆર ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પુષ્ટિ કરી છે કે કમિન્સે બાયો-સિક્યોરિટી પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું નથી અને આશા વ્યક્ત કરી છે કે તે મેલબોર્નમાં રમાનારી બોક્સિંગ-ડે ટેસ્ટ મેચમાં પરત ફરશે.
કમિન્સના જવાથી ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો છે કારણ કે તેની બોલિંગ પર અસર પડશે. તેના બે શ્રેષ્ઠ ઝડપી બોલર આ મેચમાં નહીં રમે. જોશ હેઝલવુડ પહેલાથી જ ઈજાના કારણે આ મેચમાં નથી રમી રહ્યો. અને હવે કમિન્સ પણ આ મેચમાં ભાગ લેશે નહીં. આ બંને ઓસ્ટ્રેલિયાના મુખ્ય બોલરોમાં સામેલ છે અને તેમના જવાથી ટીમ પર ચોક્કસ અસર થશે.
સ્મિથને ત્રણ વર્ષ બાદ કેપ્ટનશીપ મળી
સ્મિથ ત્રણ વર્ષ બાદ ફરી ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. 2018માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગના વિવાદમાં ફસાયા બાદ સ્મિથને પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. તેના પર બે વર્ષનો કેપ્ટનશિપ અને એક વર્ષ રમવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ત્યારથી સ્મિથે ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરી નથી. આ શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેને વિવાદોને કારણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને આ કારણોસર કમિન્સને કેપ્ટન અને સ્મિથને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.