Winter Special Laddu Recipe : બાજરીની રોટલી ખાઈને કંટાળી ગયા છો ? તો આજે જ ઘરે બનાવો બાજરીના લાડુ
શિયાળામાં બાજરીનું સેવન કરવાથી અનેક લાભ થાય છે. ત્યારે બાજરીમાં ફાઈબર, કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ, ઓમેગા થ્રી અને પ્રોટીન જેવા સ્વસ્થ પોષક તત્વોથી ભરપૂર ઉર્જાનો સ્ત્રોત છે. ફાસ્ટ ફૂડ અને બિનઆરોગ્યપ્રદ મીઠાઈ ખાવાની જગ્યાએ બાજરીના લાડુનું પણ સેવન કરી શકો છો.

બાજરીના લાડુ બનાવવા માટે બાજરીનો લોટ, ગુંદર, ગોળ અથવા ખજૂર, છીણેલું નારિયેળ, બદામ, કાજુ, અખરોટ અને મિક્સ સીડ્સ, ઘી સહિતની સામગ્રીની જરુરત પડશે.

હવે એક પેનમાં ઘી લો. તેમાં ગુંદર ઉમેરી જ્યાં સુધી ફૂલી જાય ત્યાં સુધી તળી લો. ગુંદરને હાથથી ક્રશ કરો અથવા મિક્સરમાં ક્રશ કરી દો. ત્યારબાદ ફરી એક વાર પેનમાં સફેદ તલને શેકી લો. ધ્યાન રાખો કે તલ શેકતા સમયે બળી ન જાય.

તલને ઠંડા પાડવા એક પ્લેટમાં કાઢી દો. હવે ફરી એક પેનમાં ઘીમાં ડ્રાય ફ્રુટ અને બીજને શેકી તેનો બહાર કાઢી લો. ત્યારબાદ ફરી એક વાર પેનમાં ઘી ઉમેરી બાજરીનો લોટ શેકી લો.

હવે કઢાઈમાં ઘી લઈ તેમાં ગોળ ઓગાળી લો. તેમાં બાજરીનો લોટ ઉમેરી તેમાં શેકેલા સૂકા ડ્રાયફ્રુટ અને મિક્સ સીડ્સ ઉમેરી બરાબર મિક્સ કરો. નારિયેળ પાઉડર, ગુંદર, એલચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી દો.

બાજરીના લાડુ માટે તૈયાર કરેલા મિશ્રણમાંથી તમે લાડુ અથવા ચોરસ ટુકડામાં કાપીને સ્ટોર કરી શકો છો. તમે ગોળની જગ્યાએ ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

































































