Ahir Surname History : અષાઢી બીજના દિવસે નવું વર્ષ ઉજવે છે કચ્છી આહીર, ભારતમાં 1.8 કરોડની વસ્તી ધરાવતા આહીર સમુદાયના અટકનો ઈતિહાસ જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે. કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે આહીર અટકનો અર્થ શું થાય તે જાણીશું

આહીર શબ્દનો મૂળ અર્થ ગૌપાલક અથવા ગોવાળિયા છે. આહિરો પરંપરાગત રીતે પશુપાલન અને કૃષિ સાથે સંકળાયેલા રહે છે. સરળ ભાષામાં કહીએ તો જે લોકો પશુપાલન સાથે સંકળાયેલા હોય છે.

આહીર જાતિનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે અને હિંદુ પૌરાણિક સાહિત્ય તથા ઇતિહાસિક પુરાવાઓમાં તેનું ઉલ્લેખ જોવા મળે છે. આહીરો પોતાને શ્રીકૃષ્ણના વંશજ યાદવો માને છે. ભગવાન કૃષ્ણ પોતે ગોવાળિયા હતા અને ગોકુલમાં ગોપ-ગોપીઓ વચ્ચે મોટા થયા હતા. તેથી, આહીર જાતિ પોતાને કૃષ્ણ અને યાદવ સંસ્કૃતિનો વારસદાર માને છે.

આહીરોની ઐતિહાસિક ઉત્પત્તિ પર વિભિન્ન ઇતિહાસકારો એકમત નથી. પણ મહાભારત અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં યુગમાં પણ યાદવોનાં અસ્તિત્વ હતું.

આહીર જાતિ ભારતમાં ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને બિહાર જેવા રાજ્યોમાં વસવાટ કરે છે. ગુજરાતમાં તેઓ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં જોવા મળે છે.

ગુજરાતમાં આહીર જાતિના અનેક ઉપવર્ગો છે જેમ કે, મચ્છુ નદી ને કાંઠે વસ્યા તેથી મચ્છોયા કહેવાયા.સોરઠમાં રહેવા લાગ્યા તેથી સોરઠીયા કહેવાયા.કચ્છના વાગડ વિસ્તારના પરાવથર પંથકમાં વસ્યા તે પરાવથરિયા કહેવાયા. તેમજ પાંચાલમાં વસ્યા તે પંચોળી કહેવાયા.

આહીર સમાજને મજબૂત શરીરશક્તિ અને મહેનતુ લોકો તરીકે ઓળખવામાં આવે છે. દૂધ અને દહીંનો વ્યવસાય, પશુપાલન અને ખેતી એ મુખ્ય વ્યવસાય રહ્યાં છે. તેઓ શૌર્યપૂર્ણ અને સ્વાભિમાની સ્વભાવ ધરાવે છે. અનેક આહીરોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો છે.

ભગવદ્ગોમંડલમાં જણાવ્યા અનુસાર બાબરીઆને મળતી જાતનો ગોવાળ; ગોપ; ભરવાડ; રબારી. તેઓની બે જાત: મત્સોયા અને સોરઠિયા. સિંધના સુમરા વંશકના હોવાનું અને કૃષ્ણની સાથે સોરઠ આવી ગિરનારના ડુંગરની પડોશમાં વસ્યાનું આહીર માટે મનાય છે.

આહીર અટક/જાતિ માત્ર એક પશુપાલક સમુદાય નથી, પરંતુ એક પ્રાચીન અને ગૌરવશાળી વારસાવાળી જાતિ છે, જેને ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત છે. તેઓ શ્રીકૃષ્ણના સંસ્કાર અને જીવનમૂલ્યોના વારસદાર માનવામાં આવે છે. ( નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
