Sai Sudharsan Batting: સાઈ સુદર્શનનુ ગુજરાત ટાઈટન્સ માટે ધમાલ મચાવ્યા બાદ હજુ તોફાન જારી, 5 માંથી 4 ઈનીંગમાં અડધી સદી!
TNPL: ગુજરાત ટાઈટન્સ ટીમ વતી રમતા IPL 2023 માં ખૂબ ધમાલ સાઈ સુદર્શને મચાવી હતી. હવે તે તામીલનાડુ પ્રીમિયર લીગમાં ધમાલ મતાવી રહ્યો છે. પાંચમાંથી ચાર ઈનીંગમાં તેણે અડધી સદી નોંધાવી છે.


સાઈ સુદર્શન IPL માં ગુજરાત ટાઈટન્સનો હિસ્સો છે. હાર્દિક પંડ્યા અને કોચ આશિષ નેહરાએ તેની પર ભરોસો બતાવ્યો હતો. સુદર્શને પણ પોતાની પર રાખેલા ભરોસાને પૂરવાર કરી બતાવ્યો હતો. તેણે શાનદાર રમત IPL માં દર્શાવી હતી. હવે સાઈ સુદર્શન તામિલનાડુમાં રમાઈ રહેલી TNPL માં ધમાલ મચાવી રહ્યો છે.

સુદર્શન ધમાલ મચાવતી બેટિંગ કરીને હરીફ ટીમને પરેશાન કરી રહ્યો છે. લાયકા કોવાઈ કિંગ્સ તરફથી રમી રહેલા સુદર્શને અત્યાર સુધીમાં ચાર અડધી સદી નોંધાવી છે. આ અડધી સદી તેણે સિઝનમાં અત્યાર સુધીની પાંચ ઈનીંગમાંથી ચાર ઈનીંગમાં જમાવી છે. આમ માત્ર સળંગ પાંચ અડધી સદીથી તે ચૂક્યો છે.

રવિવારે સાઈ સુદર્શને તોફાની અડધી સદી નોંધાવી હતી. ડિંડીગુલ ડ્રેગન્સ સામે ઉતરતા તેણે 83 રન ફટકાર્યા હતા. સુદર્શને આ યોગદાન માટે માત્ર 41 બોલનો સામનો કર્યો હતો. સુદર્શને આ દરમિયાન 4 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા હતા. ડિંડીગુલ સામે સુદર્શનની ટીમ 59 રનથી વિજયી બની હતી.

સિઝનમાં તેણે રમેલી અગાઉની ચાર ઈનીંગ પર નજર કરીએ તો, સુદર્શને બાલસી ત્રિચી સામે 7 રન નોંધાવ્યા હતા. ચેપોક સુપર ગિલ્લીસ સામે અણનમ 64 રન નોંધાવ્યા હતા. નેલ્લાઈ રોયલ કિંગ્સ સામે 90 રન નોંધાવ્યા હતા. આ રન તેણે 52 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. જ્યારે ત્રિપુર તામિઝાંસ સામે 45 બોલમાં 86 રનની ઈનીંગ રમી હતી.

IPL 2023 ની સિઝનમાં ગુજરાત ટાઈટન્સ માટે સુદર્શનનુ પ્રદર્શન પર નજર કરીએ. સુદર્શને સિઝનમાં 8 મેચ રમી હતી અને જેમાં તેણે 362 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેની સરેરાશ 51.71 ની રહી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં સુદર્શને 96 રનની ઈનીંગ રમી હતી.

ગુજરાત ટાઈટન્સ સાથે સાઈ સુદર્શન 20 લાખ રુપિયાની બેઝ પ્રાઈઝ પર જોડાયો હતો. જ્યારે TNPL માં તે 21.50 લાખ રુપિયાના સેલરીથી જોડાયો હતો. સુદર્શનની આ સેલેરી ટૂર્નામેન્ટની સૌથી વધારે છે. એટલે કે સૌથી મોંઘો ખેલાડી સુદર્શન છે.

































































