શ્રમિક પરિવારો માટે રાજ્ય સરકારનો નિર્ણય, શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત 155 નવા વિતરણ કેન્દ્રોનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ- તસ્વીરો
અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 55 હજાર શ્રમિકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરતા ધનતેરસના શુભ દિવસથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 155 નવા વિતરણ કેન્દ્રોનો પ્રારંભ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજનાને શ્રમિકોને સમર્પિત કરતા જણાવ્યુ કે આ યોજનાથી બાંધકામના શ્રમિકોને 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળી રહેશે.

રાજ્યના શ્રમિકોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કરતા શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 155 નવા વિતરણ કેન્દ્રોનો પ્રારંભ કરાવ્યો.

આ નવા વિતરણ કેન્દ્રો અંતર્ગત અમદાવાદમાં 49, સુરતમાં 22, ગાંધીનગરમાં 8, વડોદરામાં 9 કેન્દ્રોની શરૂઆત થઇ છે. તો ભાવનગરમાં 2, જામનગરમાં 10, ભરૂચમાં 3, મહેસાણા અને રાજકોટમાં 5-5 વિતરણ કેન્દ્રોનો પ્રારંભ થયો છે.

અમદાવાદમાં પંડિત દીનદયાળ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ નવા અન્નપૂર્ણા કેન્દ્રનો શુભારંભ કરાવ્યો. આ કાર્યક્રમ બાદ હવે રાજ્યભરમાં 273 કડીયાનાકા ખાતેથી શ્રમિકોને પૌષ્ટિક ભોજન મળશે.

બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે તેવી આ યોજનામાં જોગવાઇ છે. હાલમાં 118 ભોજન કેન્દ્રોથી 55 હજારથી વધુ શ્રમિકોને લાભ મળતો હતો. હવે નવા ભોજન વિતરણ કેન્દ્રો શરુ થતાં દરરોજ 75 હજારથી વધુ શ્રમિકોને તેનો સીધો લાભ મળશે.

શ્રમિક અન્નપૂર્ણ કેન્દ્રના ઉદ્ધાટન સમયે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિતરણ કેન્દ્રની મુલાકાત લીધી,,,અને શ્રમિકોને પિરસાતા ભોજનની જાત તપાસ પણ કરી...સાથે જ શ્રમિકો સાથે તેઓએ ભોજન પણ આરોગ્યો. મુખ્યપ્રધાન સાથે ભોજન બાદ શ્રમિકો ખુશ જણાયા.

આ પ્રસંગે સીએમએ જણાવ્યુ કે આજે મે ભોજન લીધુ છે. આજે બધુ સારુ હોય પણ હંમેશા સારુ રાખવુ તે અંગેની ટકોર પણ સીએમએ કરી. સાથે જ અન્નપૂર્ણા યોજના સાથે સંજીવની રથ પણ નજીકમાં મળી રહે તે સારી વ્યવસ્થા હોવાનું જણાવ્યુ.