Budget 2026: બજેટને લઈ મોટું સસ્પેન્સ ! 1 ફેબ્રુઆરી રવિવાર છે તો શું બજેટની તારીખ બદલાશે?
કેન્દ્રીય બજેટ 2026, 1 ફેબ્રુઆરી રવિવારના રોજ રજૂ થવાની સંભાવના છે. જોકે રવિવાર હોવાના કારણે લોકોમાં અસમંજસ છે કે શું રવિવારે બજેટ રજૂ થશે.

કેન્દ્રીય બજેટ 2026 રવિવાર, 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદના બજેટ સત્ર અને બજેટ રજૂ કરવાની તારીખ અંગેનો અંતિમ નિર્ણય બુધવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં લેવામાં આવશે. અહેવાલો મુજબ, બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. નાણા મંત્રાલયે બજેટ સંબંધિત તૈયારીઓ લગભગ પૂર્ણ કરી લીધી છે અને તારીખોને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશ કેન્દ્રીય બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. જોકે, આ વખતે બજેટની તારીખને લઈને થોડી મૂંઝવણ જોવા મળી રહી છે. કારણ કે 1 ફેબ્રુઆરીના રોજ રવિવાર છે અને સામાન્ય રીતે સરકારી કચેરીઓ રજાના દિવસે બંધ રહે છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે શું સરકાર રવિવારે બજેટ રજૂ કરશે કે પછી તારીખમાં ફેરફાર કરવામાં આવશે?
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે બજેટ રજૂ કરવાની છે. સરકારી વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, સરકાર રવિવાર હોવા છતાં 1 ફેબ્રુઆરીના રોજ જ બજેટ રજૂ કરવાની તૈયારીમાં છે. જોકે, આ અંગે હજી સુધી સત્તાવાર રીતે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ સસ્પેન્સનો અંત લાવવા માટે બુધવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાનાર છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA)ની આ બેઠકમાં સંસદના બજેટ સત્રની તારીખો અને બજેટ રજૂ કરવાની તારીખને અંતિમ મંજૂરી આપવામાં આવશે. જો સમિતિ આ પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો તે દેશના ઇતિહાસમાં એક દુર્લભ પ્રસંગ બનશે, જ્યારે રજાના દિવસે સંસદ બોલાવીને બજેટ રજૂ કરવામાં આવશે. અગાઉ પણ ખાસ પરિસ્થિતિઓમાં રવિવારે બજેટ રજૂ થયાનું ઉદાહરણ છે, તેથી આ નિર્ણય અશક્ય માનવામાં આવતો નથી.
બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થવાની શક્યતા
બજેટ સત્રના કામચલાઉ સમયપત્રક મુજબ, સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. આ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન કરશે. ત્યારબાદ 29 જાન્યુઆરીએ દેશનો આર્થિક સર્વે રજૂ થવાની સંભાવના છે, જેમાં દેશની આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે.
અહેવાલો અનુસાર, 30 અને 31 જાન્યુઆરીએ રજા રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં જો સરકાર 1 ફેબ્રુઆરીની તારીખને જાળવી રાખે છે, તો બજેટ રવિવારે રજૂ થઈ શકે છે. આ દિવસ સામાન્ય જનતા માટે પણ ખાસ બની શકે છે, કારણ કે રજાના કારણે લોકો ઘરે બેઠા નાણાં પ્રધાનનું આખું બજેટ ભાષણ ધ્યાનપૂર્વક સાંભળી શકશે અને તેમના નાણાકીય જીવન પર તેની અસર સમજી શકશે.
વિનાશ નહીં આત્મ સન્માનનો ઈતિહાસ, સોમનાથ પર PM મોદીએ લખ્યો બ્લોગ
