હવે ATMમાંથી માત્ર રોકડ નહીં પણ તરત જ ડેબિટ-ક્રેડિટ કાર્ડ પણ નીકળશે, SBI સહિત 9 બેંકો કરી રહી છે મોટો બદલાવ!
બેંક ગ્રાહકોએ હવે કાર્ડ મેળવવા માટે ટપાલની કે બ્રાન્ચની રાહ જોવી નહીં પડે. એક નવી એન્ડ્રોઇડ-બેઝ્ડ સિસ્ટમ હેઠળ ATM મશીનમાંથી જ તરત RuPay ડેબિટ, ક્રેડિટ અને NCMC કાર્ડ મેળવી શકાશે. SBI સહિત 9 મોટી બેંકો આ પ્રોજેક્ટનું પરીક્ષણ કરી રહી છે.

હવે ગ્રાહકોને બેંક બ્રાન્ચમાં જવાની કે પછી ટપાલ (પોસ્ટ) દ્વારા કાર્ડ ઘરે આવવાની લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે. એક નવા ATM સોલ્યુશન હેઠળ બેંકો ગ્રાહકને તાત્કાલિક વ્યક્તિગત RuPay કાર્ડ ઇસ્સુ કરી શકશે. આ નવી સિસ્ટમ એક ઓપન-સોર્સ એન્ડ્રોઇડ-બેઝ્ડ ATM સોલ્યુશન છે, જેને મશીનમાંથી જ વ્યક્તિગત રીતે તૈયાર થયેલા RuPay ડેબિટ, ક્રેડિટ અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) મેળવવા સક્ષમ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

સરળ શબ્દોમાં કહીએ તો, હવે તમે ATMનો ઉપયોગ કરીને તરત જ નવું RuPay ડેબિટ, ક્રેડિટ કે NCMC કાર્ડ મેળવી શકશો. આ નવી ટેકનોલોજીથી કાર્ડધારકોની સંખ્યામાં ઝડપથી વધારો થશે અને કાર્ડ પેમેન્ટ ઇકોસિસ્ટમ વધુ ઝડપી બનશે. આ ઉપરાંત, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મેળવવા માટે જે દિવસો સુધી રાહ જોવી પડતી હતી તે ઝંઝટનો કાયમ માટે અંત આવશે.

આજે કાર્ડ જોઈએ છે, હમણાં જ જોઈએ છે... તો તરત ATMમાંથી કાર્ડ મેળવી લો. એટલે કે હવે ATM માત્ર કેશ આપવા પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ ત્યાંથી કાર્ડ પણ નીકળશે અને એ જ કાર્ડથી રોકડ પણ ઉપાડી શકાશે. આ સિવાય, તમે ઇચ્છો તો કાર્ડ વિના પણ UPI દ્વારા આ જ ATM મશીનમાંથી રોકડ ઉપાડી શકો છો.

આ સેવાઓ પણ આપશે નવું ATM: આ આધુનિક ATM મશીનોને ચેક જમા કરાવવા, નવું ખાતું ખોલાવવા અને લોનની અરજી કરવા જેવી સુવિધાઓ આપવા માટે પણ સક્ષમ બનાવવામાં આવી રહ્યા છે. આનાથી બેંકોને આ મશીનોનો ઉપયોગ એક સંપૂર્ણ ડિજિટલ બેંકિંગ સેન્ટર તરીકે કરવાની સુવિધા મળશે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં પૂર્ણ-સેવા ધરાવતી બેંક બ્રાન્ચ શરૂ કરવી કે ચલાવવી વ્યવહારુ ન હોય. બેંકો તેને ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBUs) તરીકે એરપોર્ટ, ટ્રાન્ઝિટ હબ, કોલેજ કેમ્પસ અને કોર્પોરેટ પાર્ક જેવા વધુ ભીડવાળા સ્થળોએ મૂકવાની યોજના પર પણ કામ કરી રહી છે.

મોટી સમસ્યાનો આવ્યો ઉકેલ: કાર્ડ તાત્કાલિક ઇસ્સુ થવાથી બેંકિંગ સેક્ટરની એક સામાન્ય પણ ઘણી મોટી સમસ્યાનો કાયમી ઉકેલ મળી જશે. આ નવી વ્યવસ્થાથી નવું એકાઉન્ટ ખોલાવવા કે કાર્ડ માટે અરજી કરવા અને છેલ્લે કાર્ડ હાથમાં મળવા વચ્ચેનો દિવસોનો સમય બચી જશે. ગ્રાહકને સેવા કેન્દ્ર પર જ કાર્ડ મળી જવાથી તેઓ તેમની બેંકિંગ સેવાઓનો ઉપયોગ ખૂબ જ ઝડપથી શરૂ કરી શકશે.

9 બેંકો સાથે મળીને કરી રહી છે મૂલ્યાંકન: આ પહેલ હાલમાં મૂલ્યાંકન (ટેસ્ટિંગ) પ્રક્રિયા હેઠળ છે, જેમાં 9 બેંકો નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) અને ATM ઉત્પાદકો સાથે મળીને આ ટેકનિકલ મોડેલનું મૂલ્યાંકન કરી રહી છે. આ 9 બેંકોમાં નીચે મુજબની બેંકો સામેલ છે: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા (BOB), પંજાબ નેશનલ બેંક (PNB), યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંક (UCO Bank), સ્લાઇસ સ્મોલ ફાઇનાન્સ બેંક, એરટેલ પેમેન્ટ્સ બેંક, જાહેર ક્ષેત્રની મોટી સરકારી બેંકો અને ખાનગી પેમેન્ટ-કેન્દ્રિત સંસ્થાઓ બંનેની ભાગીદારીથી આ નવી સિસ્ટમ વિવિધ પ્રકારના બેંકિંગ મોડેલ અને ગ્રાહક વર્ગોમાં કેવી રીતે કામ કરશે તે સમજવામાં મદદ મળશે.

આ પહેલ ભારતના બેંકિંગ માળખામાં આવી રહેલા મોટા પરિવર્તનને દર્શાવે છે, જ્યાં સામાન્ય ભૌતિક સેવાઓને ડિજિટલ સિસ્ટમ સાથે જોડવામાં આવી રહી છે. ફક્ત રોકડ ઉપાડવા કે જમા કરવાના મશીન તરીકે કામ કરવાને બદલે, નેક્સ્ટ જનરેશન ATM હવે કાર્ડ, પેમેન્ટ અને અન્ય મહત્વની બેંકિંગ સેવાઓ મેળવવાનું કેન્દ્ર બનવા જઈ રહ્યા છે.

જો મોટા પાયે લાગુ થશે તો શું ફાયદો થશે? જો આ વ્યવસ્થા મોટા પાયે લાગુ થશે, તો નવા ગ્રાહકોને બેંક સાથે જોડવાનું અત્યંત સરળ અને ઝડપી બનશે. આ ઉપરાંત વધુ અવરજવરવાળા અને બેંકિંગ સુવિધાથી વંચિત એવા ગ્રામીણ કે અંતરિયાળ વિસ્તારો સુધી સરળતાથી બેંકિંગ સેવાઓ પહોંચાડી શકાશે. બેંકો માટે પણ આ એક ઉત્તમ વૈકલ્પિક ડિસ્ટ્રિબ્યુશન ચેનલ સાબિત થશે, કારણ કે આજના સમયમાં ગ્રાહકો ઝડપી અને સેલ્ફ-સર્વિસ પદ્ધતિથી નાણાકીય સેવાઓ મેળવવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
લાઈટ બિલ ભરતાં પહેલાં આ 5 બાબતો ખાસ ચકાસો, ઘરે આવેલું બિલ સાચું છે કે ભૂલભરેલું ? મિનિટોમાં કરો તપાસ
