Ahmedabad: અમદાવાદના પોશ ગણાતા સિંધુ ભવન માર્ગ પર દોઢ-દોઢ ફુટ સુધી ભરાયા પાણી- જુઓ તસ્વીરો
Ahmedabad: અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુ ભવન માર્ગ પર ઠેર ઠેર પાણી ભરાયા છે. જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. ફરી એકવાર તંત્રની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડ્તા દૃશ્યો જોવા મળ્યા છે.

અમદાવાદના પોશ વિસ્તારોમાં જેની ગણના થાય છે એ સિંધુ ભવન માર્ગ ભારે વરસાદને પગલે જળમગ્ન બન્યો છે. અહીં ઠેર ઠેર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

સિંધુભવન માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી સહન કરવાનો વારો આવ્યો. કેટલાક વાહનચાલકોના વાહનો બંધ પડી જતા તેમને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી હતી.

શહેરના પોશ વિસ્તારની જો આ દશા હોય તો અન્ય વિસ્તારોનું તો શું કહેવુ એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. માર્ગો પર ભરાયેલા પાણીએ ડ્રેનેજની વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે.

મોડલ માર્ગ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ દેખાઈ રહ્યા છે. સમગ્ર માર્ગ જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.

માત્ર સિંધુભવન માર્ગ નહી અમદાવાદ શહેરના અનેક વિસ્તારો આ પ્રકારે જાણે જળસમાધિ લીધી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે જે તંત્રની પ્રિમોન્સુન કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા કરે છે.

દર ચોમાસાએ અમદાવાદના માર્ગો આ જ રીતે થોડા વરસાદમાં જ જળમગ્ન બને છે. લોકો પારાવાર હાલાકી સહન કરે છે છતા સ્માર્ટ સિટી ગણાતા શહેર પાસે ડ્રેનેજનો કોઈ માસ્ટર એક્શન પ્લાન જોવા મળતો નથી.