કેન્દ્રીય ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની 90 બેઠકો માટે ચૂંટણીની ત્રણ તબક્કાની તારીખની જાહેરાત કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ જમ્મુ-કાશ્મીરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ, એક પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો.
ઓમર અબ્દુલાએ દાવો કર્યો હતો કે, નેશનલ કોન્ફરન્સનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા માટે પાર્ટીએ જમ્મુ કાશ્મીરની જનતા પાસેથી સૂચનો મંગાવ્યા હતા અને તે સૂચનોના આધારે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવ્યા છે. ઓમર અબ્દુલ્લાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે રાજ્યના દરેક ક્ષેત્રના લોકો પાસેથી સૂચનો માંગ્યા હતા. અમે દરેક સૂચન વાંચીએ છીએ અને લગભગ તમામ સૂચનોને ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યા છે.
જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ટાણે, ફારુક અબ્દુલા અને ઓમર અબ્દુલા સંચાલિત નેશનલ કોન્ફરન્સ પાર્ટીનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ છતો થયો છે. નેશનલ કોન્ફરન્સે પ્રજાના સુચનોને ઢંઢેરામાં સમાવેશ કર્યો હોવાના બહાને, કાશ્મીરમાં દેશ વિરોધી પ્રવૃતિને વેગ મળે તેવા મુદ્દાઓે સમાવવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાંથી પાંચ વર્ષ પૂર્વે બંધારણની કલમ 370 દૂર કરાઈ છે તેનાથી રાજકીય રીતે દુખી થઈ ગયેલા આ પિતા-પુત્રે કાશ્મીરની પ્રજાના નામે ફરીથી 370ની કલમ લાગુ કરાવવાની વાત ઢંઢેરામાં કરી છે.
નેશનલ કોન્ફરન્સે તેના ઢંઢેરામાં 12 ગેરંટીની જાહેરાત કરી છે, જેમાં કલમ 370ની પુનઃસ્થાપના અને જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનો સમાવેશ થાય છે. જૂન 2000માં, ફારૂક અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ સરકારે રાજ્યમાં 1953 પહેલાના બંધારણીય દરજ્જાને પુનઃસ્થાપિત કરવાની માંગણી સાથે વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો. જો કે, તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટે તેને નકારી કાઢી હતી.
નેશનલ કોન્ફરન્સે તેના મેનિફેસ્ટોમાં તમામ રાજકીય કેદીઓને માફી આપવાની જાહેરાત કરી છે. આ એક એવી જાહેરાત છે કે જે લોકો ભારત કરતા પાકિસ્તાન પ્રત્યે વધુ પ્રેમ અને લાગણી દર્શાવતા હોય તેમને જેલમાં ઘકેલ્યા છે. આવા લોકોને જમ્મુ કાશ્મીરમાં વિવિધ રાજકીયપક્ષો રાજકીય કેદી તરીકે ગણે છે જ્યારે સુરક્ષા એજન્સીઓ દેશ વિરોધી પ્રવૃતિ કરનારા દેશદ્રોહી.
કાશ્મીરી પંડિતોની ખીણમાં સન્માનજનક પરત ફરવાનું પણ વચન આપ્યું છે. પાર્ટી દ્વારા તેના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા અન્ય વચનોમાં 200 યુનિટ મફત વીજળી, પાણીની કટોકટીમાંથી રાહત અને આર્થિક રીતે નબળા વર્ગોને દર વર્ષે 12 મફત એલપીજી સિલિન્ડર આપવાની વાતનો સમાવેશ થાય છે. નેશનલ કોન્ફરન્સે સત્તામાં આવ્યાના 180 દિવસમાં એક લાખ યુવાનોને નોકરી આપવા અને સરકારી વિભાગોમાં તમામ ખાલી જગ્યાઓ ભરવાનું વચન પણ આપ્યું છે.
મેનિફેસ્ટો બહાર પાડતા, ઓમર અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાર્ટી ફક્ત તે જ વચનો આપી રહી છે જે તે પૂર્ણ કરી શકે છે. તેમણે મેનિફેસ્ટોને પાર્ટીના શાસનનો રોડમેપ ગણાવ્યો અને કહ્યું કે કલમ 370 અને 35Aને પુનઃસ્થાપિત કરવાની સાથે અમે 5 ઓગસ્ટ, 2019 પહેલાની સ્થિતિ જેવી રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરીશું.
નેશનલ કોન્ફરન્સે મેનિફેસ્ટો તૈયાર કરવા માટે જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ નેતા અબ્દુલ રહીમ રાથેરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં પાર્ટીના શ્રીનગરના સાંસદ આગા સૈયદ રૂહુલ્લા મેહદી અને અન્ય વરિષ્ઠ નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કો 18 સપ્ટેમ્બર, બીજો 25 સપ્ટેમ્બર અને ત્રીજો 1 ઓક્ટોબરે યોજાશે. દરમિયાન 4 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર થશે.