કેન્દ્ર સરકારે આજે બુધવારે સંસદમાં વક્ફ સુધારા બિલ 2024 રજૂ કર્યું છે. આવી સ્થિતિમાં, આપણામાંથી ઘણાબધા લોકો જાણવા માંગે છે કે, તાજમહેલ અને કુતુબ મિનાર જેવા સ્મારકો વક્ફ બોર્ડ દ્વારા નિયંત્રિત છે કે અન્ય કોઈ સંસ્થા દ્વારા. તાજેતરમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ એક આંતરિક સર્વેક્ષણ હાથ ધર્યું છે. તેમાં વિગતો સામે આવી છે કે ભારતમાં 250 સંરક્ષિત સ્મારકો હાલમાં વકફ મિલકતો તરીકે નોંધાયેલા છે. તેમાં ફિરોઝ શાહ કોટલા ખાતેની જામા મસ્જિદ, આરકે પુરમમાં આવેલ છોટી ગુમતી મકબરો, હૌઝ ખાસ મસ્જિદ અને ઇદગાહ જેવા દિલ્હીના મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ASI રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ વકફ મિલકતો સદીઓ જૂની છે. ઉદાહરણ તરીકે, ૧૯૦૯માં અહમદનગરમાં અહેમદ શાહના મકબરાને ASI દ્વારા સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ૨૦૦૬માં તેને વકફ મિલકત તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે, ૧૯૦૯માં બેલગામમાં સફા મસ્જિદને સંરક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ ૨૦૦૫માં તેને વકફ મિલકત તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું હતું.
વકફ એક્ટ 1995 મુજબ, વકફનો અર્થ ધાર્મિક અથવા સખાવતી હેતુઓ માટે મિલકતને કાયમી ધોરણે સમર્પિત કરવાનો છે. વકફ મિલકતોમાં ઇમારતો, દરગાહ/મઝાર, કબ્રસ્તાન, ઈદગાહ, ખાનકાહ, મદરેસા, મસ્જિદો, પ્લોટ, તળાવ, શાળાઓ અને દુકાનોનો સમાવેશ થાય છે.
વકફ મિલકતો એવી મિલકતો છે જે મુસ્લિમ સમુદાયના લોકો સખાવતી કાર્યો માટે દાન કરે છે. દરેક રાજ્યમાં વક્ફ બોર્ડ અસ્તિત્વમાં છે, જે આવી તમામ મિલકતોનું સંચાલન કરે છે. વકફ મિલકતો કાયમી ધોરણે વેચી શકાતી નથી કે ભાડે આપી શકાતી નથી.
વક્ફ બોર્ડ 9.4 લાખ એકર જમીન અને 8.7 લાખ મિલકતોનું સંચાલન કરે છે. તેમની અંદાજિત કિંમત રૂ. 1.2 લાખ કરોડ છે, જે વક્ફ બોર્ડને ભારતનો ત્રીજો સૌથી મોટો જમીન માલિક બનાવે છે. ભારતીય રેલવે પ્રથમ સ્થાને છે અને ભારતીય સેના બીજા સ્થાને છે.