Turkey Earthquake: તુર્કીમાં ભૂકંપમાં એક ભારતીય ગુમ, લોકોએ કહ્યું – ભૂકંપથી બચી ગયા, ભૂખ અને ઠંડીથી મરી જઈશું!
તુર્કીમાં સોમવારે આવેલા ભૂકંપના (Turkey Earthquake) કારણે સર્જાયેલી તબાહીનો સામનો કરવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સીરિયામાં પણ પરિસ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. બંને જગ્યાએ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને 60 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ મૃત્યુઆંક હજુ અટક્યો નથી. બંને દેશોમાં મૃત્યુઆંક 11 હજારને પાર થઈ ગયો છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 8,574 લોકોના મોત થયા છે, જ્યારે સીરિયામાં 2530 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ભૂકંપના આફતગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે. ભૂકંપ પછી સરકારે જે પ્રકારનો પ્રતિસાદ આપવો જોઈતો હતો, તે ન મળતાં ત્યાંના લોકો નારાજ થયા છે.
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોના પરિવારોએ કહ્યું હતું કે બચાવ પ્રયાસોની ગતિ ધીમી હતી. જેના કારણે કાટમાળમાં ફસાયેલા તેમના સ્વજનોને બહાર કાઢવામાં મદદ મળી શકી નથી. એર્દોગને સ્વીકાર કર્યો કે શરૂઆતમાં બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી હતી, પરંતુ ડેમેજ રસ્તાઓ અને એરપોર્ટને કારણે થયેલા વિલંબને જવાબદાર ગણાવ્યો હતો. જ્યારે અન્ય એકે કહ્યું કે અમે ભૂકંપથી બચી ગયા, પણ ભૂખ અને ઠંડીથી મરી જઈશું.
- તુર્કીના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં હવે લગભગ 60,000 સહાયતા કર્મી છે, પરંતુ વિનાશ એટલો વ્યાપક છે કે ઘણા લોકો હજુ પણ મદદ પહોંચવાની રાહ જોઈ રહ્યા છે.
- 2 ડઝનથી વધુ દેશોની રાહત ટીમો તુર્કીના કટોકટી કર્મચારીઓ સાથે કામ કરી રહી છે અને રાહત પુરવઠો આવવાનું ચાલુ છે.
- રાષ્ટ્રપતિએ કહ્યું છે કે અમે અમારા કોઈપણ નાગરિકને રસ્તા પર છોડીશું નહીં. દેશના 8.5 કરોડ લોકોમાંથી 1.3 કરોડ લોકો પ્રભાવિત થયા છે અને તેમને 10 પ્રાંતોમાં ઈમરજન્સી જાહેર કરી છે.
- ભૂકંપના કારણે થયેલી તબાહી બાદ લોકોને હવામાન સાથે પણ લડવું પડે છે. લોકો ઠંડીની રાત્રિમાં શેલ્ટર્સમાં રહેવા માટે મજબૂર છે. ભૂકંપનું કેન્દ્ર ગણાતા ગાઝિયાંટેપમાં તાપમાન -1 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. આગામી દિવસોમાં ગાઝિયનટેપમાં રાત્રિનું તાપમાન -7 ડિગ્રી સુધી રહેશે.
- ત્યાંથી સતત તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં કાટમાળમાં ફસાયેલા લોકોને હજુ પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઘણા નાના નાના બાળકોને 48 કલાક, 52 કલાક અને 56 કલાક પછી કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
- તુર્કી રેડ ક્રેીસેન્ટના પ્રમુખ કેરેમ કિનિકે કહ્યું હતું કે રાહત અને બચાવના પ્રયાસોમાં પહેલા 72 કલાક મહત્તવપૂર્ણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસે કહ્યું હતું કે હજારો ઘાયલો અને હજુ પણ ફસાયેલા લોકો માટે સમય પસાર થઈ રહ્યો છે.
- એનડીઆરએફના ડીજી અતુલ કરવાલે કહ્યું છે કે અમારી પહેલી ટીમ ગઈકાલે સવારે 3 વાગ્યે નીકળી હતી અને 11 વાગ્યે તુર્કી પહોંચી હતી. બીજી ટીમ સાંજે 8 વાગ્યે ત્યાં પહોંચી હતી. કુલ 7 વાહનો,101 બચાવકર્તા જેમાં 5 મહિલા બચાવકર્મી અને 4 સ્નિફર ડોગ સામેલ છે. આ ટીમો પહેલેથી જ રેસ્ક્યૂ ઓપરેશનમાં છે.
- વિદેશ મંત્રાલયના સચિવ (પશ્ચિમ) સંજય વર્માએ કહ્યું કે 1939 બાદ તુર્કીમાં આ સૌથી મોટી કુદરતી આફત છે. અમને તુર્કી તરફથી સહાય માટે પૂછતો એક ઈમેલ મળ્યો અને બેઠકના 12 કલાકની અંદર, દિલ્હીથી તુર્કીની પહેલી SAR ફ્લાઈટ્સ રવાના થઈ. ત્યારબાદ આવી 4 ફ્લાઈટ્સ તુર્કી મોકલવામાં આવી, જેમાંથી 2 એનડીઆરએફની ટીમો અને 2માં મેડિકલ ટીમ હતી. તબીબી પુરવઠો અને સાધનો વહન કરતું વિમાન સીરિયા મોકલવામાં આવ્યું હતું.
- વર્માએ કહ્યું કે અમે તુર્કીના અડાનામાં કંટ્રોલ રૂમ બનાવ્યો છે. 10 ભારતીયો અસરગ્રસ્ત વિસ્તારોના દૂરના ભાગોમાં ફસાયેલા છે પરંતુ તેઓ સુરક્ષિત છે. એક ભારતીય નાગરિક જે બિઝનેસ ટ્રીપ પર હતો તે ગુમ છે. અમે તેના પરિવાર અને બેંગ્લોરમાં તે જ્યાં કામ કરે છે તે કંપનીના સંપર્કમાં છીએ.
- સીરિયામાં ભૂકંપને કારણે લગભગ 250 શાળાઓને નુકસાન થયું છે. 126 શાળાઓને શેલ્ટર્સમાં ફેરવવામાં આવી છે.
આ પણ વાંચો : Turkey Earthquake : કાટમાળ નીચે 55 કલાક દટાયેલ રહ્યો, ખાસ પ્લાન બનાવીને બચાવ્યો જીવ, જુઓ Video