Bangladesh Violence : હસીના જે દેશમાં રોકાય તે દેશના દૂતાવાસને ઘેરી લો… બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામીએ કરી જાહેરાત
બાંગ્લાદેશમાં મોટા પાયે હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે એક મોટું રાજકીય સંકટ ઊભું થયું છે. દેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવી દેવામાં આવી છે. સેનાએ દેશમાં વચગાળાની સરકાર બનાવવાનો નિર્ણય લીધો છે. સેનાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ દરમિયાન દેશમાં પ્રતિબંધિત કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન જમાત-એ-ઈસ્લામીએ મોટી જાહેરાત કરી છે.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ દેશની પ્રતિબંધિત વિપક્ષી પાર્ટી જમાત-એ-ઈસ્લામી તરફથી મોટી ચેતવણી સામે આવી છે. જમાત-એ-ઈસ્લામીએ તેના સમર્થકોને, શેખ હસીના જે કોઈ પણ દેશમાં રહે તે દેશના ઢાકામાં આવેલા દૂતાવાસને ઘેરી લેવાની અપીલ કરી છે.
શેખ હસીના હાલ ભારતમાં છે. તેમનું હેલિકોપ્ટર ત્રિપુરામાં લેન્ડ થયું છે. આ પછી તે દિલ્હી આવી રહી છે એવા સમાચાર સામે આવી રહ્યાં છે. જો કે તે ફિનલેન્ડ અથવા તો લંડન જાય તેવી પણ એક માહિતી સામે આવી રહી છે. હસીનાએ હજુ સુધી ભારત પાસે રાજકીય આશ્રય માંગ્યો નથી. તેથી, તે ભારતમાં રોકાય તેવી શક્યતા ઘણી ઓછી છે. માનવામાં આવે છે કે દિલ્હી પહોંચ્યા બાદ તે લંડન જવા રવાના થશે.
પાડોશી દેશમાં શેખ હસીનાની સરકાર ઉથલાવી દેવામાં આવી છે. હસીનાના રાજીનામા બાદ ત્યાંની સેના આગળ આવી અને વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી. બીજી તરફ પ્રદર્શનકારીઓ વડાપ્રધાન આવાસમાં શેખ હસીનાના બેડરૂમ પર પહોંચ્યા હતા. તેઓ રહેઠાણમાં રાખેલી ચીજવસ્તુઓ લૂંટીને ચાલ્યા ગયા હતા. સેનાએ લોકોને શાંતિની અપીલ કરી છે અને કહ્યું છે કે તેમની માંગણીઓ પર વિચાર કરવામાં આવશે.
જમાત-એ-ઇસ્લામી શું છે?
જમાત-એ-ઈસ્લામી બાંગ્લાદેશમાં કટ્ટરવાદી રાજકીય સંગઠન તરીકે ગણવામાં આવે છે. તાજેતરમાં જ વડાપ્રધાને આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો છે.
હસીનાના આ નિર્ણયને વિરોધીઓ માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે દેશ વિરોધ પ્રદર્શનની આગમાં સળગી રહ્યો હતો. માનવામાં આવે છે કે સરકારની કાર્યવાહી બાદ આ કટ્ટરવાદી સંગઠન ખુલ્લેઆમ વિદ્યાર્થીઓ સાથે રસ્તા પર ઉતરી આવ્યું છે.
બાંગ્લાદેશમાં આ રાજકીય પક્ષની ગણતરી પૂર્વ પીએમ ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના સમર્થકોમાં થાય છે. તેની સ્થાપના બ્રિટિશ શાસન હેઠળ અવિભાજિત ભારતમાં 1941 માં કરવામાં આવી હતી. 2018માં હાઈકોર્ટના નિર્ણય બાદ ચૂંટણી પંચે જમાતનું રજીસ્ટ્રેશન રદ કર્યું હતું. આ પછી પાર્ટી ચૂંટણી લડવા માટે યોગ્ય રહી ન હતી.
હિન્દુ લઘુમતીઓને નિશાન બનાવવાનો આરોપ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલામાં આ પાર્ટીનું નામ સામે આવી રહ્યું છે. બાંગ્લાદેશ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. હિન્દુઓ ત્યાં લઘુમતીમાં છે. માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે પણ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામી દ્વારા હિન્દુઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા એક-બે વર્ષમાં દેશમાં અનેક હિંદુઓ પર હુમલાની ઘટનાઓ પણ સામે આવી છે.