રાહુલ ગાંધીએ અમેઠીને બદલે રાયબરેલીથી ઉમેદવારી નોંધાવતા રાજકીય ચર્ચાઓ શરુ થઇ ગઇ છે. રાહુલ ગાંધીને આશા છે કે તેમનું આ પગલું ચારેય વિરોધીઓને હરાવી દેશે. જો કે રાહુલ ગાંધીના નામાંકન બાદ રિયલ લાઈફમાં ચેસ ચેમ્પિયન રહી ચૂકેલા ગેરી કાસ્પારોવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમને સલાહ આપી હતી.
રશિયન ગ્રાન્ડમાસ્ટર ગેરી કાસ્પારોવ ભૂતપૂર્વ વર્લ્ડ ચેસ ચેમ્પિયન, લેખક અને રાજકીય કાર્યકર્તા છે. તેઓ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મુખ્ય ટીકાકારોમાંના એક છે. તેણે એક સમયે પુતિનને વિશ્વનો સૌથી ખતરનાક માણસ ગણાવ્યો હતો.
ગેરી કાસ્પારોવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે ટોચના પદ માટે પડકાર આપતા પહેલા, તમારે પહેલા તમારી પરંપરાગત બેઠક રાયબરેલીથી જીતવુ જોઈએ. ગેરીની આ પોસ્ટને કટાક્ષ તરીકે પણ જોવામાં આવી રહી છે, કારણ કે એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે ભારતીય રાજકારણીઓમાં ચેસનો શ્રેષ્ઠ ખેલાડી કોણ છે, જેના પર તેમણે કહ્યું કે, ‘હું’.
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ શુક્રવારે બપોરે રાયબરેલી લોકસભા સીટ માટે અંતિમ દિવસે નામાંકન સમાપ્ત થવાના માત્ર એક કલાક પહેલા ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે તેમણે લગભગ 2 વાગ્યે ઉમેદવારી નોંધાવી, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે હાજર હતા.
વર્ષ 2004માં રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા અને પ્રથમ 10 વર્ષ જ્યારે UPAની સરકાર હતી, ત્યારે તેમને સરળતાથી સફળતા મળી હતી, પરંતુ છેલ્લા 10 વર્ષ તેમના માટે ખૂબ જ પડકારજનક રહ્યા હતા. તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપની સ્મૃતિ ઈરાનીને એક લાખથી વધુ મતોથી હરાવ્યા હતા, પરંતુ 2019ની ચૂંટણીમાં, સ્મૃતિ કોંગ્રેસના આ ગઢને તોડવામાં સફળ રહી અને 55,000 મતોથી જીતી ગઈ. જો કે, અમેઠી સિવાય રાહુલ ગાંધી કેરળના વાયનાડથી પણ લડી રહ્યા હતા અને ત્યાં તેઓ જીત્યા હતા.