મહિલા ન્યૂઝ એન્કરે હિજાબ ના પહેર્યો તો ઈરાનના રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યું આપવાનો કર્યો ઈન્કાર
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ એક ઈન્ટરવ્યુમાં હાજર થવાનો માત્ર એટલા માટે ઈન્કાર કર્યો હતો કારણ કે મહિલા એન્કરે 'હિજાબ' પહેરવાની તેમની અપીલને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.
ઈરાનમાં મહસા અમીનીના (Mahsa Amini) મોત બાદ ‘હિજાબ’ને (Hijab) લઈને ગુસ્સો વધી ગયો છે. ઈરાનના વિવિધ શહેરોની શેરીઓમાં હિજાબના વિરોધમાં હિજાબ, સ્કાર્ફ સળગાવવામાં આવી રહ્યાં છે. હિંસા ઉપર ઉતરી આવેલા ટોળા કારને આગ લગાડી રહ્યાં છે. એટલુ જ નહી પોલીસ સ્ટેશનોને પણ આગ લગાડવામાં આવી રહી છે. વિરોધ દરમિયાન મહિલાઓ પણ જાહેરમાં હિજાબ સળગાવી રહી છે. પોલીસ કસ્ટડીમાં અમીનીના મોત બાદ દેશભરમાં ગુસ્સાની આગ ફાટી નીકળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓછામાં ઓછા 50 શહેરો વિરોધ પ્રદર્શનનો સામનો કરી રહ્યા છે. જ્યાં આખું તેહરાન ‘હિજાબ’ વિરુદ્ધ એક થઈ ગયું છે, તો બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ (Ebrahim Raisi) એક ઈન્ટરવ્યુમાં માત્ર એટલા માટે હાજર થવાનો ઈન્કાર કરી દીધો કારણ કે મહિલા ન્યૂઝ એન્કરે ‘હિજાબ’ પહેરવાની ના પાડી દીધી હતી.
વાસ્તવમાં, રાયસીનો ઇન્ટરવ્યુ અમેરિકામાં અનુભવી મહિલા ન્યૂઝ એન્કર સાથે નક્કી કરવામાં આવ્યો હતો. આ ઈન્ટરવ્યુ ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં થવાનો હતો. રાષ્ટ્રપતિ ઇબ્રાહિમનો સીએનએનના ક્રિસ્ટીયના અમનપોર (Christiane Amanpour) દ્વારા ઇન્ટરવ્યુ લેવાનો હતો, જે મૂળ ઈરાની વંશના છે. જો કે, છેલ્લી ક્ષણે રાષ્ટ્રપતિએ ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે બ્રિટિશ-ઇરાની પત્રકાર ક્રિસ્ટીયન માથું ઢાંકવા માટે સંમત ન હતા. ટ્વીટર પર આ વાતનો ખુલાસો કરતાં ક્રિસ્ટીયને કહ્યું કે, ‘કેટલાક અઠવાડિયાના આયોજન, આઠ કલાકની લાઇટિંગ, કેમેરા અને અનુવાદના સાધનો પછી અમે બધા તૈયાર હતા, પરંતુ ઇન્ટરવ્યુની માત્ર 40 મિનિટ પહેલાં જ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમના એક સહાયક આવ્યા, તેમણે મને કહ્યું કે રાષ્ટ્રપતિ મને હેડસ્કાર્ફ પહેરવાનું કહ્યું છે કારણ કે મોહરમ અને સફરનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે.
‘કોઈ રાષ્ટ્રપતિએ આવું કહ્યું નથી’
ક્રિસ્ટીયના અમનપોરે વધુમાં કહ્યું, ‘મેં નમ્રતાપૂર્વક આમ કરવાની ના પાડી. અમે ન્યૂયોર્કમાં છીએ, જ્યાં હેડસ્કાર્ફ પર કોઈ કાયદો કે પરંપરા નથી. મેં તેમને (સહાયક) કહ્યું કે ઈરાનની બહારના ઈન્ટરવ્યુમાં ઈરાનના કોઈ પણ રાષ્ટ્રપતિએ તેમને ક્યારેય હેડસ્કાર્ફ પહેરવાનું કહ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં રાયસીનો આ પહેલો ઈન્ટરવ્યુ હતો, જે થઈ શક્યો નહીં. તમને જણાવી દઈએ કે ઈરાનમાં દેખાવોની શરૂઆત દેશની નૈતિકતા પોલીસ દ્વારા કડક રીતે લાગુ કરાયેલ ડ્રેસ કોડના ઉલ્લંઘનના આરોપમાં ધરપકડ કરાયેલી યુવતી મહેસા અમીનીના મૃત્યુ પરના આક્રોશનું પરિણામ છે.
This was going to be President Raisi’s first ever interview on US soil, during his visit to NY for UNGA. After weeks of planning and eight hours of setting up translation equipment, lights and cameras, we were ready. But no sign of President Raisi. 2/7
— Christiane Amanpour (@amanpour) September 22, 2022
આ પ્રદર્શનમાં 10થી વધુ લોકોના મોત થયા હતા
અમેરિકા, યુરોપિયન યુનિયન અને યુનાઈટેડ નેશન્સે અમીનીના મોતની આકરી નિંદા કરી છે. પોલીસનું કહેવું છે કે તેણીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેના પરિવારજનોએ આ અંગે શંકા વ્યક્ત કરી છે. સ્વતંત્ર યુએન નિષ્ણાતોએ ગુરુવારે જણાવ્યું હતું કે અહેવાલો દર્શાવે છે કે પોલીસે પુરાવા આપ્યા વિના તેને ખરાબ રીતે મારી હતી. તેમણે દોષિતોને જવાબદાર ઠેરવવા નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. દેશભરમાં ફેલાયેલા દેખાવોમાં 10થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.