ખિસ્સામાં રાખેલા બોમ્બને પેજર સમજતા હતા હિઝબુલ્લાહના લડવૈયા, કેવી રીતે ઈઝરાયેલે ડીકોડ કર્યો કોડ ?
ઇઝરાયેલ-હમાસ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધ બાદ, હિઝબુલ્લાહ લડવૈયાઓ પેજરનો ઉપયોગ કરી રહ્યા છે. લોકેશન ટ્રેસિંગ ટાળવા માટે આ લડવૈયાઓએ પેજરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેમને બહુ ઓછી ખબર હતી કે, તેમણે પોતાના ખિસ્સામાં જે પેજર રાખ્યું હતું તે એક દિવસ બોમ્બ સાબિત થશે.
મંગળવારે લેબનોનમાં અનેક પેજર્સમાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા, જેના પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે, હિઝબુલ્લાહ લડવૈયાઓના ખિસ્સામાં બોમ્બ રાખવામાં આવ્યા હતા. લેબનોનનું હિઝબુલ્લાહ જૂથ પેજરને સંદેશાવ્યવહારનું સૌથી સુરક્ષિત માધ્યમ માની રહ્યું હતું, પરંતુ તે બોમ્બ સાબિત થશે તેની તેમણે ક્યારેય પણ કલ્પના કરી ના હતી. હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. હકીકતમાં, 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ પર હમાસના હુમલા પછી, હિઝબુલ્લાહના લડવૈયાઓએ મોબાઇલ ફોનના ઉપયોગને બદલે પેજરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતુ.
હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહે અગાઉ જૂથના સભ્યોને સેલફોન ના રાખવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે મોબાઈલનો ઉપયોગ ઇઝરાયેલ દ્વારા તેમની હિલચાલ પર નજર રાખવા માટે થઈ શકે છે. પેજર એક લો-ટેક ઉપકરણ છે. પેજર્સ હિઝબુલ્લાહ લડવૈયાઓને આપવામાં આવ્યા હતા જેથી ઇઝરાયેલી દળો, હિઝબુલ્લાહના લડવૈયાઓનુ લોકેશન શોધી ના શકે.
કેટલાક અહેવાલો અનુસાર, વિસ્ફોટ થયેલા પેજર્સ તાજેતરના મહિનાઓમાં હિઝબુલ્લાહ દ્વારા ખરીદવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે બેટરીના વધુ ગરમ થવાને કારણે પેજરમાં વિસ્ફોટ થઈ શકે છે. જો કે, કેટલાક નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે, એકલી બેટરીના કારણે વિસ્ફોટ થયો ના હોઈ શકે.
પેજર સાથે છેડછાડ કરવામાં આવી હતી?
હિઝબુલ્લાહના લડવૈયાઓ પેજરનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે કરી રહ્યા હતા પરંતુ ઈઝરાયેલે તેને પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો. લેબનીઝ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલે લો-ટેક પેજરમાં રહેલી ખામીઓનો ફાયદો ઉઠાવ્યો હતો. એવું પણ માનવામાં આવે છે કે હિઝબુલ્લાહ સુધી પહોંચતા પહેલા પેજર્સ સાથે ઈલેક્ટ્રોનિક રીતે ચેડા કરવામાં આવ્યા હતા અથવા વિસ્ફોટક ઉપકરણોથી બાંધવામાં આવ્યા હતા.
રાઇઝ એન્ડ કિલ ફર્સ્ટ બુક અનુસાર, ઇઝરાયેલે દુશ્મનોને નિશાન બનાવવા માટે અંગત ફોનમાં વિસ્ફોટકો મૂક્યા છે. હેકર્સ ફોનમાં કોડ મૂકે છે, જેના કારણે તેની બેટરી વધુ ગરમ થાય છે અને વિસ્ફોટ થાય છે. લેબનોનના વિદેશ મંત્રાલયે વિસ્ફોટોને ઇઝરાયેલનો સાયબર હુમલો ગણાવ્યો છે, પરંતુ તેની પાછળનું કારણ સ્થાપિત કરી શક્યું નથી.
અલ જઝીરાએ, લેબનીઝ સુરક્ષા સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે દરેક પેજરમાં 20 ગ્રામથી ઓછા વજનનું વિસ્ફોટક હોય છે. મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટના ચાર્લ્સ લિસ્ટે જણાવ્યું હતું કે, મોસાદે હિઝબુલ્લાહની સપ્લાય ચેઇનમાં પ્રવેશ કર્યા બાદ પેજર સાથે ચેડાં કરવા માટે આ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમણે કહ્યું, દરેક બેટરી સાથે એક નાનું વિસ્ફોટક છુપાયેલું હતું, જેને કોલ અથવા પેજ (સંદેશ) દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.
હિઝબુલ્લાહે શું કહ્યું?
હિઝબુલ્લાહના એક અધિકારીએ કહ્યું કે, આ સુરક્ષા ઘટના પાછળ દુશ્મન (ઈઝરાયેલ)નો હાથ છે. તેણે કહ્યું કે હિઝબુલ્લાના સભ્યો જે નવા પેજર લઈ રહ્યા હતા તેમાં લિથિયમ બેટરી હતી જે કદાચ વિસ્ફોટ થઈ હતી. જ્યારે લિથિયમ બેટરી વધુ ગરમ થાય છે, ત્યારે તે ધુમાડો છોડે છે, પીગળે છે અને આગ પણ પકડે છે. રિચાર્જેબલ લિથિયમ બેટરીનો ઉપયોગ સેલફોન અને લેપટોપથી લઈને ઈલેક્ટ્રિક કાર સુધીની દરેક વસ્તુમાં થાય છે.
લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આ ઘટના બની છે. ગાઝામાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહના સાથી હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ પૃષ્ઠભૂમિમાં, લેબનીઝ જૂથ હિઝબુલ્લાહ અને ઇઝરાયેલી સેના વચ્ચે લગભગ 11 મહિનાથી વધુ સમયથી અથડામણો થઈ રહી છે.