ઇઝરાયલની જેલોમાં ક્યાં ગુનામાં કેદ છે આ દેશના હજારો નાગરિકો, કેમ બનાવ્યા છે બંધક ?
હમાસ અને ઇઝરાયલ વચ્ચે હાલ અસ્થાયી યુદ્ધન વિરામનો પ્રથમ તબક્કો શનિવારે પુરો થાય છે. આ પહેલા હમાસે એવુ કામ કર્યુ છે, જે ઇઝરાયલના ગુસ્સાને ફરી હવા આપી શકે છે. ખરેખર 600 થી વધુ પેલેસ્ટાઈની કેદીઓની મુક્તિના બદલે હમાસે તેમને તેલ અવીવના ચાર બંધકોના શબ સોંપ્યા છે. જેના પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ નારાજગી વ્યક્ત કરી છે.

ગાઝી પટ્ટીના આતંકી ગૃપ હમાસે હાલમાં ચાર ઈઝરાયલના બંધકોના શબ પરત કર્યા, જેના બદલામાં ઈઝરાયલે 600 થી વધુ કેદીઓને પરત કરવા પડ્યા. જે તેલ અવીવની જેલોમાં કેદ હતા. સીઝફાયરનો પ્રથમ તબક્કો 1લી માર્ચે પુરો થશે. એ પહેલા આ છેલ્લી હોસ્ટેજ એક્સચેન્જ છે. આ ઘટનાક્રમ વચ્ચે હમાસની બર્બરતા ઉપરાંત એ વાતો પણ થઈ રહી છે કે આખરે આટલી મોટી સંખ્યામાં પેલેસ્ટાઈનીઓ ક્યા ગુનામાં ઈઝરાયેલની કસ્ટડીમાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પગ મુક્તાની સાથે જ, ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં થોડા સમય માટે નાનકડો વિરામ આવ્યો છે. યુદ્ધવિરામનો આ તબક્કો આગામી થોડા દિવસોમાં સમાપ્ત થશે. આ પહેલા શરતો મુજબ બંધકો અને કેદીઓની લેવડ-દેવડ કરવામાં હતી. પરંતુ હમાસે સેંકડો કેદીઓના બદલામાં બંધકોના મૃતદેહ સોંપ્યા હતા.
આ ઘટના બાદ ટ્રમ્પ પણ ગિન્નાયા છે. વ્હાઈટ હાઉસમાં પ્રેસ સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યુ કે હમાસે ચાર યુવાનોના શબ મોકલ્યા. તેમના મોત એમ જ તો નહીં થયા હોય ? આ દરેક બાબતો ખૂબ વ્યથિત કરનારી છે. આ અગાઉ પણ ટ્રમ્પે ધમકીના સૂરમાં કહ્યુ હતુ કે હમાસ જો સત્વરે અને સકુશળ તમામ બંધકોને નહીં પરત નહીં સોપે તો તેઓ ચૂપ નહીં રહે.
ટ્રમ્પની ચેતવણી વચ્ચે હમાસ ત્રણ ચરણોમાં સીજફાયર માટે સહમત થયુ
- પહેલા સ્ટેપ અંતર્ગત 19 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી ગાઝા પટ્ટીમાં યુદ્ધ વિરામ રહેશે.
- બીજા ફેઝ માટે નક્કી થયુ હતુ કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધી બધુ બરાબર રહેશે તો વાતચીત આગળ વધશે. જો કે વાતચીત શરૂ જ ન થઈ.
- ત્રીજા તબક્કામાં ગાઝા પટ્ટીનું પુનર્વસન કરવામાં આવશે. આ એક લાંબો તબક્કો હોઈ શકે છે. આ સમય દરમિયાન ઇઝરાયેલ કેટલાક વધુ કેદીઓને હમાસને સોંપશે.
- શા માટે ઈઝરાયલની જેલમાં કેદ છે પેલેસ્ટાઈની લોકો
7 ઓક્ટોબર, 2023 ના રોજ, હમાસે ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો, જેમાં એક હજારથી વધુ નાગરિકો માર્યા ગયા. સાથે જ આતંકવાદી જૂથે લગભગ 250 લોકોને બંધક બનાવ્યા હતા. આ લોકોને છોડવાના બદલે તે ઈઝરાયેલની જેલમાં બંધ કેદીઓને મુક્ત કરાવી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇઝરાયેલ પ્રિઝન સર્વિસ (IPS)એ પણ મોટી સંખ્યામાં કિશોરોને જેલમાં રાખ્યા છે. અહીં સરેરાશ દર પાંચમાંથી એક વ્યક્તિ જેલમાં જાય છે, જ્યારે પુરુષોના કિસ્સામાં આ સંખ્યા દર પાંચમાંથી બે થઈ જાય છે.
ઇઝરાયેલમાં કામ કરતી માનવાધિકાર સંસ્થા હેમોકેડના જણાવ્યા અનુસાર આ વર્ષે જાન્યુઆરી સુધી ત્યાંની જેલોમાં 10 હજારથી વધુ પેલેસ્ટિનિયન કેદ હતા. 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ તેમની સંખ્યામાં વધારો થયો હતો. આ એવા લોકો છે કે જેમના પર ઈઝરાયેલને શંકા છે અથવા જેમણે હમાસના સમર્થનમાં કોઈ પ્રવૃત્તિ કરી છે. આમાંથી લગભગ એક તૃતીયાંશને ટ્રાયલ વિના અટકાયતમાં રાખવામાં આવ્યા છે.
યુનાઈટેડ નેશન્સના ડેટા વધુ ડરાવે છે. 1967માં જ્યારે ઈઝરાયેલે આરબ દેશો સાથે લડાઈ કરીને જેરુસલેમ, ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંક (પશ્ચિમ કાંઠા) પર કબજો કર્યો હતો, ત્યારથી લઈને અત્યાર સુધીમાં લગભગ 8 લાખ પેલેસ્ટિનિયનોની ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સમગ્ર ગાઝા પટ્ટીની વસ્તી લગભગ 22 લાખ છે, જે મુજબ અટકાયત કરાયેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે.
આમાંની ઘણી ધરપકડો આરોપો અથવા ટ્રાયલ વિના કરવામાં આવી હતી, જેને એડમિનિસ્ટ્રેટિવ ધરપકડ કહેવામાં આવે છે. આ તેલ અવીવની એક વિવાદાસ્પદ પોલિસી છે, જેના હેઠળ કોઈ પણ વ્યક્તિની કોઈપણ આરોપો અથવા ટ્રાયલ વિના અનિશ્ચિત સમય માટે અટકાયત કરી શકાય છે. તે સામાન્ય રીતે 6 મહિના માટે હોય છે પરંતુ તેને લશ્કરી આદેશો હેઠળ લંબાવી શકાય છે. આમાં કોઈ જાહેર સુનાવણી થતી નથી, પુરાવા ગુપ્ત રહે છે અને વકીલને પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવતી નથી.
ઈઝરાયેલનું કહેવું છે કે નેશનલ સિક્યોરિટીના દૃષ્ટિકોણથી આ નીતિ જરૂરી છે, ખાસ કરીને એવા કિસ્સાઓમાં કે જ્યાં ગુપ્તચર સ્ત્રોતોની સુરક્ષાને કારણે સાર્વજનિક રીતે પુરાવા રજૂ કરી શકાતા નથી. પરંતુ આ ગુપ્તતા તેના ઈરાદા પર સવાલો ઉભા કરતી રહી છે.
શા માટે જેલમાં ધકેલી દેવાયા?
વિજય પછી તરત જ, ઇઝરાયેલે મિલિટરી ઓર્ડર 101 જારી કર્યો. તેમાં ઘણી એવી બાબતોને અપરાધની શ્રેણીમાં રાખવામાં આવી હતી, જેને મોટાભાગના દેશો અભિવ્યક્તિની સ્વતંત્રતા માને છે.
- ઇઝરાયેલના કબજા હેઠળના સ્થળોએ પ્રદર્શનો પર પ્રતિબંધ
- ઈઝરાયલ વિરોધી નારા લગાવી શકાય નહીં.
- રાજકીય સામગ્રી છાપી કે વહેંચી શકાતી નથી.
- ઈઝરાયેલ વિરોધી સંગઠનોને કોઈપણ પ્રકારનું સમર્થન ન આપી શકાય.
મિલિટરી ઓર્ડર 101 પછી પણ ઘણા સુધારા કરવામાં આવ્યા. હાલમાં, ગાઝા પટ્ટીમાં ઘણી છૂટછાટ છે, જ્યારે વેસ્ટ બેંકમાં હજુ પણ મોટાભાગના નિયમો અમલમાં છે. ત્રણ વર્ષ પછી, બીજો આદેશ આવ્યો, જેમાં લશ્કરી અદાલતો બનાવવામાં આવી. તેમનો ઉદ્દેશ્ય કેસોનો ઝડપથી અને વધુ માનવીય રીતે નિકાલ કરવાનો હતો. NGOનો સતત એવો આરોપ રહ્યો છે કે આ પછી એક પછી એક ઘણા સૈન્ય આદેશો આવ્યા, જેમાં પેલેસ્ટિનિયનીના નાગરિક અને રાજકીય અભિવ્યક્તિઓ પર અંકુશ લગાવવામાં આવ્યો.
હાલ કેટલી જેલો છે ?
હાલમાં, તેલ અવીવમાં 30 જેલો અને અટકાયત કેન્દ્રો છે જ્યાં પેલેસ્ટિનિયનોને રાખવામાં આવે છે. ચોથા જિનીવા કન્વેન્શન અનુસાર, વહીવટી વિસ્તારોમાંથી લોકોનું અપહરણ કરીને તેમને ત્યાં રાખવા એ ખોટું છે, પરંતુ ઈઝરાયેલ કથિત રીતે આની અવગણના કરી રહ્યું છે અને વેસ્ટ બેન્ક અથવા ગાઝા પટ્ટીના લોકોને જેલમાં રોકી રહ્યુ છે.
કેટલા માઈનોર કેદીઓ ?
ઇઝરાયેલની જેલોમાં પેલેસ્ટિનિયન કેદીઓની સંખ્યા સમયાંતરે વધતી અને ઘટતી રહે છે. આમાં બાળકો પણ સામેલ છે. યુનાઈટેડ નેશન્સે આ અંગે ઘણા અહેવાલો આપ્યા હતા.આમાંના એક અહેવાલ, ‘સિચ્યુએશન ઓફ હ્યુમન રાઈટ્સ ઈન પેલેસ્ટીયન ટેરિટરીઝ ઓક્યુપાઈડ’ દાવો કરે છે કે તેલ અવીવે પણ પેલેસ્ટિનિયન બાળકોની ધરપકડ કરવાનું ચાલુ રાખ્યું. દર વર્ષે ઇઝરાયેલની સેના 18 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 700 લોકો પર કાર્યવાહી કરે છે. પથ્થરમારો એ સૌથી સામાન્ય ગુનો છે, જેના કારણે લાંબી જેલની સજા પણ થઈ શકે છે, જો તે સાબિત થઈ શકે કે પથ્થરમારો કરનારે વાહન અથવા ઘરની અંદર લોકોને મારવાના ઈરાદાથી આવું કર્યું હતું. તમને જણાવી દઈએ કે 2011થી અત્યાર સુધીમાં પથ્થરબાજીને કારણે અનેક ઈઝરાયેલના લોકોના જીવ ગયા છે.