અમેરિકાઃ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થઈ શકે છે મોટો ફેરફાર, બાઈડન પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકે છે
આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટુ પરિવર્તન થઈ શકે છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોઈપણ સમયે જો બાઈડન રાષ્ટ્રપતિ પદ માટેની રેસમાંથી બહાર થવાનો નિર્ણય લઈ શકે છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યોજાયેલ ચર્ચામાં જો બાઈડનનું ખરાબ પ્રદર્શન અને કોવિડ પોઝિટિવ હોવાથી, તેમની ઉંમર અને માંદગીને કારણે તેમના પર રાષ્ટ્રપતિપદ માટેની સ્પર્ધામાંથી ખસી જઈને અન્ય માટે માર્ગ મોકળો કરવા માટે દબાણ કરાઈ રહ્યું છે.
અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન આમને-સામને છે. ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે બાઈડન આ ચૂંટણીની રેસમાંથી બહાર થઈ શકે છે, પરંતુ હવે આને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે બાઈડન કોઈપણ સમયે ચૂંટણીમાંથી હટી જવાનો નિર્ણય લઈ શકે છે.
થોડા દિવસો પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન કોવિડ-19 પોઝિટિવ મળી આવ્યા હતા, ત્યારબાદ તેમના પર ચૂંટણીની રેસમાંથી બહાર થવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ બાઈડનના ચૂંટણીની રેસમાંથી બહાર થવાના સમાચારે જોર પકડ્યું છે અને હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, 21મી જુલાઈ સુધીમાં બાઈડન ગમે ત્યારે આ ચૂંટણીમાંથી ખસી જવાનો નિર્ણય લઈ શકે છે.
ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ પણ ચિંતા વ્યક્ત કરી હતી
81 વર્ષીય રાષ્ટ્રપતિ બાઈડનની ઉમરને કારણે તેમની ઉમેદવારી પર સવાલો ઉભા થઈ રહ્યા છે, કારણ કે ડેમોક્રેટિક પાર્ટીના અન્ય ઘણા નેતાઓએ પણ તેમની ઉમેદવારી પર ચિંતા વ્યક્ત કરી છે. કોરોનાને કારણે તેમની ઉમેદવારી પર ખાસ અસર જોવા મળી રહી છે, કારણ કે કોવિડને કારણે તેમને થોડા સમય માટે અલગ રહેવું પડશે અને ડોક્ટરોએ તેમને વધુ બોલવાની પણ મનાઈ કરી દીધી છે, જેના કારણે બાઈડનનો ચૂંટણી પ્રચાર અટકી ગયો છે.
આ હુમલા બાદ ટ્રમ્પને ઘણું સમર્થન મળ્યું
થોડા સમય પહેલા, બાઈડને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો કોઈ ડૉક્ટરે તેમને સીધું કહ્યું કે તેમની કોઈપણ તબીબી સ્થિતિ સારી નથી, તો તેઓ રાષ્ટ્રપતિની રેસમાં ચાલુ રાખવા પર પુનર્વિચાર કરશે. આયોજિત પ્રેસિડેન્શિયલ ડિબેટમાં પણ બાઈડેનનું પ્રદર્શન ખૂબ જ નબળું માનવામાં આવે છે અને આ સિવાય રેલી દરમિયાન ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલા બાદ ટ્રમ્પને અમેરિકન લોકોનો ઘણો સપોર્ટ મળી રહ્યો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ બાઈડનની ઉમેદવારી અંગે પાર્ટી સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી.