પેલેસ્ટાઈનની તરફેણમાં વિશ્વના 124 દેશ, ઈઝરાયેલની મદદે આવ્યા 14 દેશ, ભારતે આપનાવ્યો વચલો માર્ગ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઈન મુદ્દે રજૂ થયેલા પ્રસ્તાવના પક્ષમાં 124 દેશોએ મતદાન કર્યું હતું. અમેરિકા સહિત 14 દેશોએ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું. આમાં ઈઝરાયેલનો પણ સમાવેશ થાય છે. ભારત, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત 43 દેશો, મતદાનથી દૂર રહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઈનમાં ઈઝરાયેલે કરેલા ગેરકાયદે કબજાને હટાવવા અંગેનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)માં પેલેસ્ટાઈન સંબંધિત ઠરાવ પર મતદાન કરવાથી ભારત દૂર રહ્યું. આ ઠરાવમાં માંગ કરવામાં આવી હતી કે, પેલેસ્ટાઈન પર ઈઝરાયેલના ગેરકાયદે કબજાને શક્ય તેટલી વહેલી તકે દૂર કરવામાં આવે અને તે પણ કોઈપણ વિલંબ વગર 12 મહિનાની અંદર. ભારતે આ પ્રસ્તાવ પર મત આપ્યો ન હતો. 124 દેશોએ આ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું. એટલે કે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં, પેલેસ્ટાઈનના કબજે કરેલ વિસ્તાર ખાલી કરવા માટે ઈઝરાયેલને 124 દેશે કહી દીધુ છે.
અમેરિકા સહિત 14 દેશોએ આ પ્રસ્તાવની વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું. ઈઝરાયેલ અને અમેરિકાએ ઠરાવની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. જ્યારે ભારત સહિત 43 દેશોએ મતદાનમાં ભાગ જ લીધો ન હતો. જ્યારે, જે દેશે મતદાનમાં ભાગ લીધો ન હતો તેમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ઇટાલી, નેપાળ, યુક્રેન અને બ્રિટનનો સમાવેશ થાય છે.
ઈઝરાયલે ગેરકાયદેસર કબજો દૂર કરવો જોઈએ
બુધવારે પસાર કરાયેલા ઠરાવમાં માંગ કરવામાં આવી હતી કે, ઇઝરાયેલ કબજા હેઠળના પેલેસ્ટિનિયન ક્ષેત્રમાં કોઈપણ વિલંબ વિના અને વર્તમાન ઠરાવને અપનાવ્યાના 12 મહિનાની અંદર તેની ગેરકાયદેસર હાજરી દૂર કરે. તેમાં એમ પણ કહેવાયું છે કે અધિકૃત પેલેસ્ટાઈન ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કાયદાના કોઈપણ ઉલ્લંઘન માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવવું જોઈએ.
પેલેસ્ટાઈન પ્રસ્તાવમાં શું છે?
પેલેસ્ટાઈન દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ઠરાવમાં ઈઝરાયેલ સરકાર દ્વારા યુએન ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને સંબંધિત યુએન ઠરાવો હેઠળની તેની જવાબદારીઓની અવગણનાની વાત કરવામાં આવી છે અને આ માટે તેની સખત નિંદા કરવામાં આવી છે. આ સાથે એ વાત ઉપર પણ ભાર મુકવામાં આવ્યો હતો કે, આવા ઉલ્લંઘનોથી પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો છે.