DANG : આજે 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day) નિમિત્તે રાજ્યનો આદિવાસી સમુદાય તેની ઉજવણી કરી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ડાંગ જિલ્લામાં આવેલી છે. અહીં 98 ટકા આદિવાસીઓ વસે છે. આટલા વર્ષોમાં તેઓની રહેઠાણ અને પહેરવેશ બદલાયા છે પરંતુ તેઓની વર્ષો જૂની સંસ્કૃતિ આજે પણ જળવાઈ રહી છે.
આદિવાસીઓના વર્ષમાં અનેક તહેવારો ઉજવાય છે અને પ્રસંગોપાત તેઓ પોતાના સંગીત વાદ્યો અને નાચગાન કરતાં રહે છે. ડાંગના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ખૂબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત ઠાકર્યા નાચ, પાવરી નાચ, કાહલ્યા નૃત્ય પ્રખ્યાત છે. તેઓ દરેક નૃત્યમાં પોતાની જાતે બનાવેલાં સંગીત વાદ્યોનો ઉપયોગ કરે છે. જેમાં થાળી વાદ્ય પણ ખૂબજ પ્રખ્યાત છે. જે શુભ અને અશુભ બન્ને પ્રસંગે વગાડવામાં આવે છે.
થાળી વાદ્ય સાથે ડાંગનું પાવરી વાદ્ય પણ આજે દેશવિદેશમાં ખૂબ જાણીતી બન્યું છે. જે મુખ્યત્વે શુભ પ્રસંગોમાં વગાડવામાં આવે છે. ગપણતી ઉત્સવ, નવરાત્રિ અને દિવાળી બાદ ડુંગર દેવની પૂજા સમયે સમગ્ર ડાંગ જિલ્લામાં પાવરી ના શુરો સાંભળવા મળે છે.
ડાંગના લોકો પ્રકૃતિ પૂજક છે. જિલ્લાના દરેક ગામના પાદરે વાઘ દેવ, મોર દેવ, નાગ દેવ, સૂર્ય દેવ અને ચંદ્ર દેવની સ્થાપના જોવામાં મળે છે. વાઘબારસના રોજ અહીંયા વિશેષ પૂજા કરવામાં આવે છે.
આ પણ વાંચો : GIR SOMNATH : શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિરે ભક્તો ઉમટ્યા, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભુલાયા
આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં 8 ઓગષ્ટે 3.85 લાખ લોકોનું રસીકરણ થયું, કુલ રસીકરણનો આંકડો 3.65 કરોડ થયો
Published On - 9:35 am, Mon, 9 August 21