હરિધામ સોખડાના ગુણાતીત સ્વામીનો આપઘાત કેસઃ પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવી ઓડિયો ક્લિપ રજુ કરી, જાણો શું છે આ ક્લિપમાં
ગુણાતીત સ્વામીના અપમૃત્યુ અંગે પહેલાથી જ અનેક સવાલો સર્જાયા છે અને હરિભક્તો સાથે તેમના સમર્થકો પણ સ્વામી સાથે અઘટીત થયાની ફરિયાદ કરી ચૂક્યા છે. ત્યારે પરિવારજનોએ પણ સ્વામીના મોત સામે સવાલ ઉઠાવતા મામલો ગરમાયો છે.
હરિધામ સોખડા (Haridham Sokhda) સંત ગુણાતીત ચરણ સ્વામી (Gunatit swami) નો આપઘાત ફરી ચર્ચામાં આવ્યો છે. ગુણાતીત ચરણ સ્વામીની હત્યા કરવામાં આવી હોવાનો સણસણતો આરોપ લગાવ્યો છે ગુણાતીત સ્વામીના ભત્રીજાએ. મુંબઇમાં રહેતા ગુણાતીત સ્વામીના ભત્રીજા, હરસુખ ગાંગડીયાએ દાવો કર્યો છે કે મૃત્યુ અગાઉ સ્વામી વ્યથિત જણાતા હતા અને ટેલિફોનિક વાતચીતમાં તેઓએ કેટલાક લોકો દ્વારા હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ કરી હતી. એટલું જ નહીં પરંતુ ગુણાતીત સ્વામી કંટાળીને મંદિર છોડવા પણ ઇચ્છતા હોવાનો દાવો કરાયો છે. ત્યારે સ્વામીના પરિવારજનોએ વડોદરા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરીને યોગ્ય તપાસ સાથે દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. સાંભળો ગુણાતીત સ્વામીના સંબંધીનો આરોપ.
ગુણાતીત સ્વામીના ભત્રીજા હરસુખ ગાંગડીયાએ એક ઓડિયો ક્લીપ પણ જાહેર કરી છે. જેમાં ગુણાતીત સ્વામીના નિધન પહેલાનો સંવાદ છે. પરિજનોએ આ ઓડિયો ક્લીપ પોલીસ વડાને પુરાવા તરીકે સોંપી છે. આવો સાંભળીએ ટેલિફોનિક વાતચીતમાં ગુણાતીત સ્વામીએ શું ફરિયાદ કરી હતી.
ગુણાતીત સ્વામીના અપમૃત્યુ અંગે પહેલાથી જ અનેક સવાલો સર્જાયા છે અને હરિભક્તો સાથે તેમના સમર્થકો પણ સ્વામી સાથે અઘટીત થયાની ફરિયાદ કરી ચૂક્યા છે. ત્યારે પરિવારજનોએ પણ સ્વામીના મોત સામે સવાલ ઉઠાવતા મામલો ગરમાયો છે. ત્યારે પોલીસ તપાસમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુ અંગે શું ખુલાસો થાય છે તેના પર સૌ હરિભક્તોની નજર મંડાઇ છે.
ગુણાતીત સ્વામીની ભત્રીજા સાથે વાતચીત
સ્વામીનો ભત્રીજો – પ્રેમ સ્વરૂપ સ્વામીને પૈસાની ભુખ છે.
ગુણાતીત સ્વામી – એ તો છે જ ને, સ્વમાન સચવાય અને પૈસા જોઇએ
સ્વામીનો ભત્રીજો – આમા શું છે, તમારા જેવા નિર્દોષ માણસો પિસાય
ગુણાતીત સ્વામી – અત્યારે હું એટલું બધુ સહન કરૂ છું કે રાત્રે ઉંઘી નથી શકતો, હેરાન કરે છે માનસિક રીતે
સ્વામીનો ભત્રીજો – એનો ફોન જપ્ત કરી લીધો હતો, લાઇટ કાપી નાખી હતી ?
ગુણાતીત સ્વામી – ફોન તો બધાના મહીનો બંધ કરાવી દીધા હતા
સ્વામીનો ભત્રીજો – ત્યાગવલ્લભનો ફોન તો ચાલુ હતો ?
ગુણાતીત સ્વામી – એવા તો બીજા કેટલાયના ફોન ચાલુ હતા, અમારે તો કઇ બોલાય એવું છે જ નહીં તો
સ્વામીનો ભત્રીજો – આવતા રહો ને મુંબઇ, અહીં શાંતિથી ખાવા તો મળશે
ગુણાતીત સ્વામી – મારી તો સો ટકા ઇચ્છા છે.
ગુણાતીત સ્વામી – કિશોરભાઇને મે કીધુ હતું કે મને વૃદ્ધાશ્રમમાં મુકી જાઓ. દિવાળી પહેલા કીધુ હતું કે મારી અહીં જિંદગી સલામત નથી. અહીં મારે રોજ રીબાઇ રીબાઇને રહેવાનું, નાના મોટાથી દબાઇને રહેવાનું. વડીલો બહાર દબાવે, નાના રૂમમાં દબાવે.
સ્વામીનો ભત્રીજો – પ્રબોધ સ્વામીને પણ તકલીફ તો પડશે જ
ગુણાતીત સ્વામી – હા એમને પણ તકલીફ જ છે
સ્વામીનો ભત્રીજો – સારૂ ચાલો રૂબરૂ મળીને ચર્ચા કરીશું
ગુણાતીત સ્વામી – ના, ના મારૂ તો હવે મન જ ઉઠી ગયું છે
ગુણાતીત સ્વામી – પ્રબોધ સ્વામીનું જે ચાલ્યુ છે તેને પતાવવાના મૂડમાં છે, પ્રેમસ્વામીને જ ગાદીએ બેસવા જોઇએ, અને પ્રબોધ સ્વામી જૂથને દબાવી દેવાનો મુદ્દો છે
સ્વામીનો ભત્રીજો – તો હેરાનગતિ થતી હોય તો નિકળી જવાય
ગુણાતીત સ્વામી – નિકળી તો જવુ જ છે સો ટકા, પણ સપોર્ટ જોઇએને નિકળવા માટે