સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ અનેક પાલિકા થઈ બિનહરીફ, હાલોલ, બાંટવા, જાફરાબાદ નગરપાલિકા પર ભાજપનો કબજો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી પહેલા જ અનેક પાલિકાઓ બિનહરીફ થતા ભાજપનો ભગવો લહેરાયો છે. જેમા જાફરાબાદ, પંચમહાલની હાલોલ અને બાંટવાનો સમાવેશ થાય છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પહેલા જ ભારે ઉથલપાથલ જોવા મળી છે. રાજકોટનાં ઉપલેટામાં કોંગ્રેસના 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપનાં 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. અમરેલીની જાફરાબાદ પાલિકામાં 28માંથી 16 ઉમેદવારો બિનહરીફ થતા ચૂંટણી પહેલા જ ભગવો લહેરાયો છે. આ રીતે જ જૂનાગઢની બાંટવા પાલિકામાં 24માંથી 15 બેઠકો પર કોંગ્રેસનાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપનો વિજય થયો છે. પંચમહાલની હાલોલ પાલિકા પણ ભાજપે સર કરી છે. 36માંથી 21 બેઠકો બિનહરીફ થતા ભાજપનો દબદબો જોવા મળ્યો.
આ તરફ ધોરાજીમાં પણ ખેલા ન થઇ જાય તે માટે આમ આદમી પાર્ટીએ 28 જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. તો અમદાવાદ જિલ્લાની સાણંદ પાલિકામાં ઓપરેશન લોટસ ન થાય તે માટે કોંગ્રેસે 24 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા. છે. રાજકોટના ઉપલેટામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. અંતિમ દિવસે જ કૂલ 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. વોર્ડ નંબર 6 ની ભાજપની પૂર્ણ પેનલ બિનહરીફ જાહેર થઈ છે. આ રીતે ભાજપે કોંગ્રેસના પૂર્વ MLA લલિત વસોયાના ગઢમાં ગાબડું પાડ્યુ છે. આ તરફ કોંગ્રેસે તેમના ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ પરત લેવડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
જાફરાબાદ નગરપાલિકા બિનહરીફ જાહેર
જ્યારે અમરેલીમાં પણ જાફરાબાદ પાલિકામાં ચૂંટણી પહેલા જ ભાજપનો વિજય થયો છે. પાલિકામાં 28 પૈકી ભાજપનાં 16 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ સાથે જ નગરપાલિકા કબજે કરવામાં પાછળ સફળ રહી છે. બિનહરીફ ચૂંટાયેલા સદસ્યો ધારાસભ્ય હીરા સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં ઢોલ નગારા સાથે જીતની ઉજવણી કરવામાં આવી હતી.
બાંટવા માત્ર 9 બેઠકો પર મતદાન થશે
એ જ પ્રકારે જુનાગઢના બાંટવામાં નગરપાલિકામાં ભાજપનો બહુમતીના જોરે દબદબો યથાવત રહ્યો છે. 6 વોર્ડની 24 બેઠકમાંથી 15 બેઠકો પર બિનહરીફ થતા ભાજપનો વિજય થયો છે. ગઈકાલે કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જે બાદ આજે કોંગ્રેસના વધુ 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. હવે બાંટવામાં 9 બેઠકો પર ચૂંટણી યોજાશે.
હાલોલ નગરપાલિકાની 36 પૈકી 21 બેઠકો બિનહરીફ
આ તરફ પંચમહાલની હાલોલ નગરપાલિકા પણ ભાજપના કબજામાં આવી છે. હાલોલ પાલિકામાં કૂલ 9 વોર્ડની 36 બેઠકોમાથી 21 બેઠકો બિનહરીફ થઈ છે. અલગ અલગ વોર્ડમાં થઈને કૂલ 21 ઉમેદવારો બિનહરીફ થયા છે. પાલિકાના વોર્ડ નંબર 2,3, અને 5 સંપૂર્ણપણે બિનહરીફ થયા છે. હાલોલના ભાજપના MLA જયદ્રથસિંહ પરમારે ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારોનો આભાર માન્યો હતો. હાલોલમાં થયેલા વિકાસના કામોને ધ્યાને રાખી લોકોએ સમર્થન જાહેર કર્યુ છે.
અમરેલી, જાફરાબાદ, ધોરાજી, હાલોલ નગરપાલિકા પર ભાજપે કબજો કરતા હવે ઉમેદવાર બચાવો અભિયાન શરૂ થયુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય કાવાદાવાને જોતા ધોરાજીમાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. ફોર્મ મંજૂર થયા બાદ 28 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા હતા. ભાજપ- કોંગ્રેસના નેતાઓ ફોર્મ પરત ખેંચવા દબાણ કરતા હોવાનો આરોપ AAP શહેર પ્રમુખે લગાવ્યો છે. આર્થિક પ્રલોભનો પણ આપી હોવાનો પ્રમુખે દાવો કર્યો છે.
આ જ પ્રમાણે અમદાવાદની સાણંદ નગરપાલિકામાં પણ કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલ્યા છે. ફોર્મ મંજૂર થયા બાદ તમામ ઉમેદવારોને બહાર લઈ જવાયા છે. કોઈ ઉમેદવાર ફોર્મ પરત ન ખેંચી લે તે માટે આ યુક્તિ અપનાવી છે. 24 ઉમેદવારોના બે અલગ અલગ ગ્રુપ બનાવી અજ્ઞાત સ્થળે રખાયા છે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારો સાણંદ પરત ફરશે. કોંગ્રેસના ઉમેદવારો અને પરિવાર પર ભાજપ દબાણ કરતું હોવાનો દાવો કરાયો છે.