દાહોદમાં ક્રુરતાનો ભોગ બનેલી અબળા સન્માનભેર જીવી શકે એ માટે પોલીસે કર્યુ આ સરાહનીય કામ- Video
દાહોદના સંજેલીમાં કેટલાક નરાધમોની ક્રુરતાનો ભોગ બનેલી મહિલા સન્માનભેર જીવી શકે તે માટે પોલીસ મદદે આવી છે. બર્બરતાનો ભોગ બનેલી મહિલાને સ્વાભિમાનથી જીવી શકે તે માટે તેને આત્મનિર્ભર બનાવવા પોલીસે શાકભાજી અને ફ્રુટની દુકાન શરૂ કરાવી આપી છે.
દાહોદના સંજેલીમાં થોડા દિવસ પહેલા એક 35 વર્ષિય મહિલા સાથે ક્રુરતા આચરવામાં આવી હતી. તેના જ પરિવારના સભ્યોએ તેને અર્ધનગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવી સરઘસ કાઢ્યુ હતુ. આ ઘટના અંગે ખુદ હાઈકોર્ટે પણ સુઓમોટો લીધી છે. ત્યારે મહિલા સન્માનભેર અને સ્વાભીમાનથી જીવી શકે તે માટે પોલીસ તેની મદદે આવી છે. પોલીસે મહિલાને શાકભાજી અને ફ્રુટની દુકાન શરૂ કરાવી આપી છે. ફતેહપુરા બસ સ્ટેન્ડ નજીક આત્મગૌરવ નામની આ દૂકાન હવે પીડિત મહિલા ચલાવશે. દાહોદના જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા અને ડીવાયએસપી ડી.આર.પટેલે આ દુકાનનું ઉદ્યાટન કર્યું હતું.. પોલીસની આ સરાહનીય કામીગીરીની ચારેકોર પ્રશંસા થઇ રહી છે.
મહત્વનું છે કે ગત સપ્તાહે દાહોદના સંજેલીમાં પ્રેમ પ્રકરણ મામલે પરિણીતાના સાસરિયાઓએ માનવતાને પણ લજવે તેવી ક્રૂર સજા પરિણીતાને આપી હતી. 28 જાન્યુઆરીના રોજ પીડિત મહિલા જ્યારે અન્ય વ્યક્તિના ઘરે હતી. ત્યારે તેના સાસરી પક્ષના જ પંદર જેટલાં લોકો એકાએક ધસી આવ્યા હતા. તેમણે મહિલાને ઘરમાંથી ખેંચીને બહાર કાઢી હતી. મહિલાને અમાનુષી માર મરાયો હતો. ત્યારબાદ તેને નિર્વસ્ત્ર કરી સાંકળથી બાઈક સાથે બાંધવામાં આવી હતી. અને પછી એ જ અવસ્થામાં ગામમાં ફેરવવામાં આવી હતી. મહિલા આજીજી કરતી રહી પણ, ન આરોપીઓને દયા આવી કે ન તો મહિલાને બચાવવા કોઈ આગળ આવ્યું. ખુદ આરોપીઓએ જ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. હવે આ જ મહિલા આત્મનિર્ભર બની સન્માન સાથે જીવી શકે તે માટે પોલીસે તેને શાકભાજી અને ફ્રુટની દુકાન શરુ કરાવી આપી છે. ફેતપુરા બસ સ્ટેન્ડ નજીક આત્મગૌરવ નામની આ દૂકાન હવે પીડિત મહિલા ચલાવશે.