Surat : અલથાણ પોલીસે વૃદ્ધની દુકાન પચાવી પાડનાર 3 આરોપીને જેલના સળિયા ગણતા કરી દીધા, ફરિયાદીને દુકાન પરત અપાવી
સુરત પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. અલથાણ પોલીસની ટીમે વૃદ્ધની લાખોની કિંમતની દુકાન પણ પરત અપાવી હતી અને દુકાન પચાવી પાડનાર ઇસમ અને તેના સાગરીતો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સુરતમાં એક સીનીયર સીટીઝનની દુકાન બે વર્ષથી પચાવી પાડવામાં આવી હતી. એટલું જ નહી બે વર્ષથી ભાડું પણ ચુકવ્યું ન હતું. તેમજ સીનીયર સીટીઝન પાસે કોરા કાગળ પર સહી કરાવી દુકાનનો દસ્તાવેજ કરાવવી આપવા અને 10 લાખ રોકડા આપે તો જ દુકાન ખાલી કરવાની ધમકીઓ અપી હતી.
જો કે આખરે વૃદ્ધે પોલીસ ની મદદ લીધી હતી. અલથાણ પોલીસની ટીમે વૃદ્ધની લાખોની કિંમતની દુકાન પણ પરત અપાવી હતી અને દુકાન પચાવી પાડનાર ઇસમ અને તેના સાગરીતો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : Surat : રાંદેરમાં સિટી બસના ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત, જુઓ Video
સુરત પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. તે પછી નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન હોય કે પછી વિરિષ્ઠ નાગરીકોની સમસ્યા હોય. સુરત પોલીસ દ્વારા બનતી તમામ મદદ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. જેમાં અલથાણ પોલીસે એક લાચાર સીનીયર સીટીઝનની પચાવી પાડેલી દુકાન પરત અપાવી છે.
ગેરકાયદેસર દુકાન પચાવી
મળતી માહિતી મુજબ સુરતના રૂદરપુરા વિસ્તારમાં રહેતા પ્રવીણચંદ્ર પ્રાણજીવનદાસ સોરઠીયા [ઉ.77] ની પોતાની માલકીની દુકાન વીઆઈપી પ્લાઝા,શ્યામ મંદિર પાસે આવેલી છે. તેઓની આ દુકાન આરોપી સ્વપ્નીલ રમેશભાઈ સુરતીને ભાડા કરાર આધારે 1-04-2021 થી આપી હતી. પરંતુ આરોપીએ આજ દિન સુધી દુકાનનું ભાડું આપ્યું ન હતુ. એટલું જ નહી દુકાન પણ ખાલી કરી ન હતી.
આ ઉપરાંત આરોપીએ ગેરકાયદેસર રીતે દુકાન પર કબજો જમાવી દીધો હતો. વૃદ્ધે પોતાની માલિકીની દુકાન ખાલી કરવાનું કહેતા આરોપીએ તેના સાગરીતો સાથે ભેગા મળીને વૃદ્ધને ચપ્પુ બતાવી કોરા કાગળ પર સહી કરાવી દુકાનનો દસ્તાવેજ કરી આપવા અથવા તો 10 લાખ રોકડા આપે તો જ દુકાન ખાલી કરીશ તેવી ધમકીઓ આપી હતી.
આરોપીઓને ગણાવ્યા જેલના સળિયા
વૃદ્ધ અવસ્થામાં પોતાની દુકાન પચાવી લેતા વૃદ્ધ લાચાર બન્યા હતા. અને આખરે અલથાણ પોલીસ મથકે જઈને પોતાની આપવીતી પોલીસને જણાવી હતી. આ સમગ્ર મામલે પોલીસે વૃદ્ધની ફરિયાદ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
પોલીસે આ ઘટનામાં વૃદ્ધની દુકાન પચાવી પાડનાર આરોપી સ્વપ્નીલ રમેશ સુરતી અને તેના સાગરીતો જીતેશ શૈલેશકુમાર જરીવાલા, અને વિનય જશવંત ભાઈ રાણા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વૃદ્ધને પોતાની દુકાન પરત અપાવી હતી. પોતાની દુકાન પરત મળતા વૃદ્ધે પોલીસની આ કામગીરીને બિરદાવી હતી અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અગાઉ રાંદેર પોલીસે પણ વિધવા મહિલાનું મકાન પરત અપાવ્યું હતુ અને હવે અલથાણ પોલીસે એક વૃદ્ધની દુકાન પરત અપાવી છે. આમ સુરત પોલીસ પ્રજાની પડખે ઉભી છે. તેનો અહેસાસ પણ લોકોને થઇ રહ્યો છે. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન પણ શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડી યુવાધનને નશાના રવાડે ચડતા રોકવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરી ખુબ જ સરાહનીય છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…