Surat News : નવ વર્ષથી ચાલી રહેલા કેસનો આવ્યો અંત, કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદની સજા
સુરતમાં (Surat City) વર્ષ-2013માં હત્યાની ઘટના બની હતી. આ ઘટનામાં હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે તેમજ 30 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
Surat: સુરત શહેરમા (Surat City) નવા સૈયદપૂરા શાકમાર્કેટ પાસે 2013ના વર્ષમાં પારકો ઝઘડો જોવા મુદ્દે થયેલી હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે. આ ઘટનાની વિગત એવી છે કે, પારકો ઝઘડો થયો હતો. તે જોવા માટે ઊભા રહેલા બે યુવકોને અપશબ્દો કહીને માર મારવામાં આવ્યો હતો. જેમાં એકની ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો પણ થયો હતો. આ હુમલો થતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. હત્યાની આ ઘટનામાં કોર્ટે આરોપીને ગુનેગાર જાહેર કરીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો.
ત્રણેયએ રાહિલને માર માર્યો હતો
આ કેસની વિગત મુજબ જોઈએ તો 24 ફેબ્રુઆરી 2013ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાની આજુબાજુ રામપુરા આદમની વાડી પાસે આવેલા સવેરા એપાર્ટમેન્ટમાં રહેતા મોહંમદ સુફિયાન મકબુલ હુસેન શેખ તેમજ રાહીલખાન જાવેદ ખાન પઠાણ સુઝુકી એક્સેસ ઉપર સૈયદપુરા ચાર રસ્તાથી રાણીતળાવ થઇ ચોકબજાર ફરવા નીકળ્યા હતા. આ દરમિયાન સૈયદપુરા માર્કેટ સામે વાવ શેરીના નાકે તેમજ કચરાપેટી પાસે રિક્ષાચાલક સાથે ચાલુ ગાડીએ ઝઘડો થયો હતો. આ ઝગડો કરી રહેલાં આરોપીઓ રાકેશ ઉર્ફે કાલું બાડો હીરાભાઇ વાઢેર (રહે. સંત તુકારામ સોસાયટી, પાલનપુર જકાતનાકા રાંદેર સુરત), જીગ્નેશ ઉર્ફે જીગો હેમંતભાઈ બથવાર તથા સંજય ઉફે અપ્પ પાલજીભાઇ રાઠોડ (બંને રહે. મોરાભાગળ બોટાવાળા હોસ્ટેલ સામે, શારદાનગર વિ-૧ રાંદેર સુરત)ને જોવા ઊભા રહ્યા હતા. આ ત્રણેયએ રાહિલને અપશબ્દો બોલીને તેઓને માર માર્યો હતો.
પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલ્યા હતા
રાહિલ કાંઇ સમજે તે પહેલાં જ ત્રણેય યુવકોએ કમરના ભાગેથી છરો કાઢીને રાહિલને છાતીના ભાગે તેમજ કમરના ભાગે પાંચથી છ ઘા મારી દીધા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં રાહિલને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે પોલીસે રાકેશ ઉર્ફે કાલુ, જીગ્નેશ ઉર્ફે જીગો તેમજ સંજય રાઠોડની સામે હત્યાનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા.
આરોપીને મળી સજા
આ બનેલી ઘટનાનો કેસ સુરતની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ નીતિન ચોડવડીયાએ દલીલો કરી હતી. તેઓની સાથે મુળ ફરિયાદી તરફે વકીલ ઇલ્યાસ પટેલ પણ હાજર રહ્યા હતા. તેઓએ આરોપીઓને ગુનેગાર ઠેરવીને વધુમાં વધુ સજા થાય તેવી દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને યોગ્ય ન્યાય કર્યો હતો. રાકેશ ઉર્ફે કાલુ બાડોને ગુનેગાર જાહેર કરીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજાનો હુકમ તેમજ 30 હજારનો દંડ કર્યો હતો.