રાજકોટ: ઢોર માલિકો સામે વહીવટીતંત્રએ કસી કમર, ફેબ્રુઆરી મહિના સુધીમાં પશુઓનું કરાવી લેવુ પડશે રજિસ્ટ્રેશન
Rajkot: રાજકોટમાં મવડીમાં ઢોર પકડવા ગયેલી ટીમ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના દૃશ્યો સામે આવ્યા હતા. જો કે વિવાદ વકરે એ પહેલા વિજિલન્સની ટીમ મધ્યસ્થી કરવા પહોંચી હતી.
રાજકોટના મવડીમાં કણકોટમાં ઢોર પકડવાની કામગીરી દરમિયાન ઢોર પકડવા આવેલી ટીમ અને પશુપાલકો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયુ હતુ. ઢોર પકડવા ગયેલી ટીમના સભ્યો અને પશુપાલકો વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી. ઢોર પાર્ટીએ પકડેલી ગાયને છોડાવવાનો પ્રયત્ન થતા બોલાચાલી થઈ હતી. પશુપાલકોએ આક્ષેપ કર્યો કે ખૂંટિયાને બદલે સતત ગાયોને પકડવામાં આવે છે. આ વિવાદ વકરે એ પહેલા જ વિજિલન્સની ટીમ મધ્યસ્થી કરવા પહોંચી હતી. સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. રાજકોટમાં આ રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન છાશવારે બબાલ થાય છે. એ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ કહ્યુ છે કે સરકારી કામગીરીમાં કોઈનો પણ વિક્ષેપ નહીં ચલાવી લેવામાં આવે. અડચણરૂપ બનનારા અગાઉ પણ પોલીસ કાર્યવાહી થઈ છે. આગળ પણ થશે અને સાથે જ ઢોર પકડ પાર્ટીને નિવૃત આર્મી મેન અને SRP જવાનોની પૂરતી સુરક્ષા આપવામાં આવી રહી છે.
રાજકોટમાં રખડતા ઢોર લોકોને લોકોને અડફેટે લેતા હોવાના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે તંત્રએ રખડતા ઢોરના ટેગિંગ સહિતની કામગીરી કડક બનાવી છે. આ મુદ્દે માલધારી આગેવાનોએ કહ્યું કે તંત્રએ બેઠક કરીને મુદ્દાઓનું નિરાકરણ લાવવું જોઈએ. માલધારીઓ પાસે ઢોરની સરખામણીએ જમીન ઓછી હોવાથી અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવી જોઈએ.
સરકારી કામગીરીમાં કોઈનો પણ વિક્ષેપ નહીં ચલાવી લેવામાં આવે- મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા
રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યુ કે સિટી પોલીસ પાસેથી પણ જ્યારે જરૂર પડે ત્યારે ઢોર પકડવાની કામગીરીમાં બંદોબસ્ત માગીએ છીએ અને પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત મળે પણ છે. છતા કેટલીક જગ્યાએ માથાકૂટ અને બબાલ થતી હોય છે પરંતુ તે સમયે પણ જે કોઈ કામગીરીમાં અડચણરૂપ બનતા હોય તેમની સામે પોલીસ કાર્યવાહી કરવાની છૂટ આપેલી છે. આગળ પણ જે કોઈ RMCની કામગીરીમાં અડચણરૂપ થશે તેની સામે પોલીસ ફરિયાદ સુધીના પગલા લેવામાં આવશે.
10 હજાર પશુઓ સામે માત્ર 2 હજાર ઢોરોનું જ થયુ રજિસ્ટ્રેશન
અડચણો, રોષ અને ઘર્ષણ છતા રખડતી રંજાડથી લોકોને મુક્તિ આપવા રાજકોટ વહીવટીતંત્રએ કમર કસી છે. જેના માટે ઢોરના ફરજિયાત રજિસ્ટ્રેશનના પરિપત્ર બાદ હવે મનપા તંત્રએ ઢોરમાલિકોન તેમના પશુના રજિસ્ટ્રેશન માટે અપીલ કરી છે. જેના માટે ઢોર માલિકોને ફેબ્રુઆરી મહિના સુધીનો સમય અપાયો છે. રજિસ્ટ્રેશન બાદ પશુમાલિકો નિર્ધારિત જગ્યાએ ઢોર બાંધી શકશે.
જો રજીસ્ટ્રેશન છતાં પણ ઢોર રખડતી હાલતમાં કે અન્યત્ર બાંધેલી હાલતમાં ઝડપાશે તો ઢોરમાલિક સામે કાર્યવાહી થશે. મહત્વપૂર્ણ છે કે શહેરમાં અંદાજે 10 હજાર પશુઓ છે. જેની સામે અત્યાર સુધી માત્ર 2 હજાર જેટલા જ પશુઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ આંકડો દર્શાવે છે તે માલધારીઓને રજીસ્ટ્રેશનમાં રસ નથી. ત્યારે તંત્ર હવે કાયદાનું કડક પાલન કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ