રાજકોટ પોરબંદર નેશનલ હાઈવેની બિસ્માર હાલત, વીરપુરથી જેતપુર સુધીના રોડ પર મસમોટા ખાડા
રાજકોટન પોરબંદર નેશનલ હાઈવે પર વીરપુરથી જેતપુર સુધીના રોડ પર મસમોટા ખાડા પડેલા છે. રસ્તાઓ એટલી હદે ખરાબ છએ કે અહીંથી પસાર થવુ એ કોઈ પડકારથી ઓછુ નથી. વારંવાર રોડની મરમ્મતની રજૂઆત કરવા છતા તંત્ર કોઈ ધ્યાન આપતુ નથી.
દેશભરમાં સારા રોડની સુવિધા માટે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. પરંતુ રાજકોટમાં જિલ્લામાં આવેલા બે ટોલપ્લાઝા ઉપર મોટી વસુલાત સામે સુવિધાના નામે મીંડુ છે. વાત છે જેતપુર અને વીરપુર વચ્ચે આવેલા ટોલનાકાની જ્યાં ટોલટેક્સ તો તોતીંગ રીતે વસુલાય છે, પરંતુ આ રસ્તાઓ પરથી પસાર થવુ રાહદારીઓ માટે પણ મોટા પડકારથી ઓછુ નથી.
રાજકોટ પોરબંદર નેશનલ હાઈવેનો વીરપુર અને જેતપુર સુધીના રોડની પરિસ્થિતિ જોતા એવુ લાગે કે તમે કોઈ ગામડાના વર્ષો પહેલાના બનેલા રોડ પરથી પસાર થઈ રહ્યા હોવ. કહેવાતો નેશનલ હાઈવે બિમાર અને બિસ્માર છે. રોડ પર ખાડાઓ છે કે ખાડામાં રોડ છે તે જ નક્કી કરવુ મુશ્કેલ છે. આ રોડ પર એક બે નહીં પરંતુ અસંખ્ય ખાડાઓ છે. જો મહામહેનતે કદાચ રોડ પસાર કરી લીધો તો આગળ આવતો જર્જરિત પૂલ કોઈ ચેલેન્જથી ઓછો નથી. આ પૂલ પરથી પસાર થવુ એટલે જીવ પડીકે બાંધીને નીકળવા સમાન છે.
રસ્તાઓની આવી ખસ્તા હાલત છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ ઉઘરાવવામાં કોઈ બાંધછોડ હોતી નથી. અહીંથી પસાર થતા લોકોને કમર અને સાંધાના દુ:ખાવાની સમસ્યા થઈ જાય છે. એવુ નથી કે આ ખાડાઓ દૂર રસ્તા વચ્ચે પડ્યા છે. બરાબર ટોલ નાકા નજીક જ રોડ પર મસમોટા ખાડા પડેલા છે. વારંવાર આ સમસ્યાની તંત્રને રજૂઆત કરવા છતા વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ છે. સ્થાનિકોનો આરોપ છે તંત્રને માત્ર ટેક્સના પૈસામાં જ રસ છે સુવિધા આપવામાં નહીં. ત્યારે રોડ પરથી પસાર થતા રાહદારીઓ તંત્રને વિનંતિ કરી રહ્યા છે કે વહેલી તકે જર્જરિત પુલ અને રસ્તાની મરમ્મત કરવામાં આવે.